સુરત: નવપરિણીતા ફિઝિયોથેરાપિસ્ટનો આપઘાત, હજુ 27 દિવસ પહેલા જ લગ્ન કરેલા
સુરતમાં એક યુવાન મહિલા ફિઝિયોથેરાપિસ્ટે નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ મહિલાના હજુ તો 27 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા. જો કે આપઘાતનું કારણ હજુ સામે આવ્યું નથી. નવપરણીતા ફિઝિયોથેરાપિસ્ટનો આપઘાત તબીબી આલમમમાં ચર્ચાનો વિષય બન્યો છે.મંગળવારે પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને બુધવારે તેણીની સુરતની તાપી નદીના કિનારેથી લાશ મળી હતી. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે.
જાણવા મળેલી માહિતી મુજબ હેમાંગી પટેલ ફિઝિયોથેરાપીસ્ટ હતા અને સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં આવેલી શ્રીરંગ સોસાયટીમાં રહેતા ડેરીક પટેલ સાથે લગ્ન થયા હતા. હેમાંગીના લગ્ન હજુ 27 દિવસ પહેલાં જ થયા હતા. પતિ ડેરિક ઓનલાઇન બિઝનેસ સાથે સંકળાયેલા છે. હેમાંગી પટેલ મંગળવારે નોકરીએ જવાનું કહીને ઘરેથી નિકળ્યા હતા, પરંતુ કલીનિક પર પહોંચ્યા નહોતા. જ્યારે પતિ ડેરીકને આ વાતની ખબર પડી તો પોલીસમાં હેમાંગીના ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરંતુ બીજે દિવસે હેમાંગીની હનુમાન ટેકરી નજીક તાપી નદીમાંથી લાશ મળી હતી.
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, મંગળવારે હેમાંગી પટેલ બપોરે ઘરે આવી હતી અને પતિ ડેરિક સાથે ફોન પર વાત પણ કરી હતી. એ પછી પોતાનું ટુ વ્હીલર લઇને હેમાંગી નોકરીએ નિકળી ગઇ હતી. પરંતુ બપોર પછી ક્લીનિકના ડોકટરની ડેરિકભાઇ સાથે વાત થઇ હતી કે હેમાંગી આજે કલીનિક આવી નથી. હેમાંગીના પતિએ રાંદેર પોલીસ સ્ટેશનમાં પત્નીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
હેમાંગીની આખી રાત શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેની કોઇ ભાળ મળી નહોતી. બુધવારે તાપી નદીના કિનારેથી હેમાંગીની લાશ મળી આવી છે. પોલીસનું માનવું છે કે હેમાંગીએ નદીમાં કુદીને આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તારણ છે. હેમાંગીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
જો કે, પોલીસ માટે એ કોયડો બન્યો છે કે, હજુ તો લગ્નને 27 દિવસ જ થયા છે, એમાં એવું તે શું થયું કે ભણેલી ગણેલી હેમાંગીએ આપઘાત જેવું આત્યાંતિક પગલું ભરવું પડ્યું? હેમાંગીના પિયરના લોકોએ હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાવી નથી. સિંગણપોર પોલીસ વધુ તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp