ચાઇનીઝ દોરીથી થતા મોત પર ગુજરાત હાઇ કોર્ટે સરકારની કાઢી ઝાટકણી

PC: zeenews.india.com

ગુજરાતમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં બે-રોકટોક જીવલેણ દોરી વેચાઇ રહી છે. તો બીજી બાજુ, છેલ્લા કેટલાક દિવસોથી આ દોરીથી કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી, નાયલોન દોરી અને ચાઇનીઝ બલુન પર પ્રતિબંધની સરકાર કઇ રીતે પગલાં લઇ રહી છે તે વિશે ગુજરાત હોઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે અને બે દિવસની અંદર સોગંદનામા પર જવાબ માંગ્યો છે.

ગુજરાત હાઇકોર્ટ ચાઇનીઝ દોરી મુદ્દે કડક વલણ અપનાવી રહ્યું છે. ચાઇનીઝ દોરી, નાયલોન દોરી તથા બલુનના વેચાણ મુદ્દે કાર્યવાહીનો હાઇકોર્ટે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. આ મુદ્દે ચાલી રહેલી સુનાવણીમાં હાઇકોર્ટે સરકારને સકંજામાં લીધી છે. હાઇકોર્ટે કહ્યું કે, દોરીથી નાગરિકોનું મૃત્યુ કે ઇજા થાય છે તે ચલાવી ન લેવાય. ચાઇનીઝ દોરી અને નાયલોન દોરી તથા ચાઇનીઝ બલુનના કારણે લોકોને થતી ઇજાઓ અને મૃત્યુ તેમજ તેનાથી થતી દુર્ઘટનાને રોકવા માટે યોગ્ય પગલાં લેવાની માંગણી કરતી પીટીશનમાં કોર્ટે હુકમ કર્યો છે.

હાઇકોર્ટે સરકારને કહ્યું કે, ચાઇનીઝ દોરી અને નાયલોન દોરી પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડવાથી કોઇ પ્રકારની અસર જોવા નથી મળી રહી, હાઇકોર્ટના અવલોકન પ્રમાણે તેના પર કડક અમલ મૂકાવો જરૂરી છે. આ ઘાતક દોરીથી નાગરિકોનું મોત થાય તે ચલાવી ન લેવાશે. ત્યારે આ મુદ્દે હાઇકોર્ટે 2 દિવસમાં સરકારને જવાબ આપવા માટે આદેશ કર્યો છે. આ મુદ્દે વધુ સુનાવણી 6 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આખા ગુજરાતમાં ચાઇનીઝ દોરી પર બેન હોવા છતાં કોઇપણ પ્રકારની રોકટોક વગર ચાઇનીઝ દોરીનું વેચાણ થઇ રહ્યું છે. છેલ્લા બે દિવસમાં આખા ગુજરાતમાંથી બે લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરતમાં એક વ્યક્તિનું ગળુ કપાયું હતું અને થોડા સમય બાદ મોત નીપજ્યું હતું. તેની સાથે જ અન્ય ઘણા બધા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ પ્રકારની ઘટનાઓ બનવા છતાં ગુજરાત પોલીસની સામે જ આ જીવલેણ ચાઇનીઝ દોરીનું વેચાણ ખુલ્લેઆમ થઇ રહ્યું છે. પોલીસે તેના વેચાણ પર પ્રતિબંધના અમલની તકેદારી રાખવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp