રાહુલને 2 વર્ષની સજાનો ચુકાદો આપનાર જજનું પ્રમોશન થશે, અઢી મહિનામાં બીજું...

PC: twitter.com

સુરત ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટના પદ પર તૈનાત જજ હરીશ હસુમુખભાઇ વર્મા હવે જિલ્લા જજ બનશે. તેમણે પ્રમોશન માટેની પરીક્ષાપાસ કરી છે. તેની જાહેરાત 10 માર્ચ 2023ના દિવસે કરવામાં આવી હતી. લગભગ અઢી મહિના પહેલા, 29 ડિસેમ્બર 2022ના દિવસે જારી કરવામાં આવેલા એક ગેજેટ નોટિફિકેશન મુજબ તેમને એડિશનલ સીનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટથી ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ અને એડિશનલ સીનિયર સિવિલ જજ તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા. ન્યાયાધીશ વર્મા તાજેતરમાં જ માનહાનિના એક કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજાનો ચુકાદો આપીને ચર્ચામાં છે.હરીશ વર્માને અઢી મહિનામાં આ બીજું પ્રમોશન મળ્યું છે.

એક દશકથી વધારે સમયથી ન્યાયિક સેવામાં કાર્યરત  વર્માએ 23 માર્ચે રાહુલ ગાંધીને 2 વર્ષની સજાનો ચુકાદો આપ્યો હતો અને તેને આધારે રાહુલે સાંસદ તરીકેનું સભ્યપદ ગુમાવવાનો વારો આવ્યો હતો.

ગુજરાત સરકારે 29 ડિસેમ્બર 2022ના દિવસે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્રારા જિલ્લા અને સેશન્સ કોર્ટમાં ન્યાયિક અધિકારીઓના પ્રમોશનનું વિવરણ હતું અને તેમાં હરીશ વર્માનું નામ સામેલ હતું. તે વખતે તેઓ સુરતમા જ ચોથા એડિશનલ સીનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યૂડિશનલ મેજિસ્ટ્રેટના પદ પર હતા. જજ હરીશ વર્માને ચીફ જ્યૂડિશયલ મેજિસ્ટ્રેટ અને એડિશનલ સિવિલ જજ તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા.

બીજી તરફ, ગુજરાત હાઇકોર્ટેના 10 માર્ચ 2023ના નોટિફિકેશન મુજબ હરીશ હસમુખભાઇ વર્માએ 65 ટકા પ્રમોશન કોટા હેઠળ આયોજિત 200 ગુણની પરીક્ષામાં 127 ગુણ મેળવ્યા હતા. જે સીનિયર સિવિલ જજથી ડિસ્ટ્રીક્ટ જજ કેડરના પ્રમોશન માટે યોગ્ય છે. આ નોટિફિકેશન મુજબ વર્મા સહિત કુલ 68 સીનિયર સિવિલ જજોએ આ પરીક્ષા પાસ કરી છે. અઢી મહિ્નામાં હરીશ હસમુખભાઇ વર્માને આ બીજું પ્રમોશન મળ્યું છે. આ પહેલાં 2022માં તેમને પ્રમોશન મળ્યું હતું.

ગુજરાતના વડોદરામાં જન્મેલા 43 વર્ષના હરીશ હસમુખભાઇ વર્માએ પોતાનો LLBનો અભ્યાસ મહારાજા સયાજીરાવ કોલેજમાંથી કર્યો છે. એ પછી તેઓ ન્યાયિક સેવામાં જોડાયા હતા. મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા મુજબ હરીશ વર્માના પિતા પણ વકીલ રહી ચૂક્યા છે. હરીશ વર્માની છબિ એક કડક અને ફાયરબ્રાન્ડ ન્યાયાધીશ તરીકેની છે. તેમના માટે એવું કહેવાય છે કે તેઓ સમયના એકદમ પાક્કા છે.

રાહુલ ગાંધીને વર્ષ 2019ની તેમની એક ટિપ્પણી મામલે સજા થઇ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકની એક ચૂંટણી સભામાં મોદી સરનેમ વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. એ પછી ગુજરાત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જજ હરીશ વર્માએ 17 માર્ચે આ કેસની સુનાવણી પુરી કરી હતી અને 23 માર્ચે ચુકાદો જાહેર કર્યો હતો. રાહુલને 2 વર્ષની સજા કરવામાં આવી હતી. જો કે રાહુલને ઉપલી કોર્ટમાં જવા માટે 30 દિવસનો સમય આપીને જામીન આપવામાં આવ્યા હતા.

આ જ માનહાનિ કેસમાં રાહુલ ગાંધી સામે બીજા પણ બે કેસ ચાલી રહ્યા છે. એડવોકેટ પ્રદીપ મોદીએ રાંચીની કોર્ટમાં કેસ કરેલો છે અને  ભાજપના નેતા સુશીલ મોદીએ પણ રાહુલની સામે કેસ કરેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp