ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસનું મોટું સેટલમેન્ટ, પરિવારને 5.40 કરોડનો ચેક અપાવ્યો

PC: livelaw.in

અકસ્માતનો વિમા લીધા પછી જ્યારે વિમાધારકનું મોત થયા છે ત્યારે કંપનીઓ પાસેથ વળતરની રકમ મેળવતા પરિવારજનોને નવનેજા પાણી ઉતરી જાય છે. વર્ષો વર્ષો સુધી કેસ ચાલતા રહે છે અને પરિવારના લોકોએ કોર્ટના ચક્કર કાપવા પડે છે. પરંતુ ગુજરાત હાઇકોર્ટમાં યોજાયેલી લોક અદાલતમાં એક 9 વર્ષ જૂના અકસ્માત કેસનો નિકાલ થયો છે અને પરિવાજનને વળતર પેટે 5.40 કરોડની રકમ મળી છે, જે ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસનું સૌથી મોટું સેટલમેન્ટ છે. આટલી મોટી રકમ મળતા પરિવારના ચહેરા પર ખુશી જોવા મળી હતી. વિમા કંપનીએ મરનારની પત્નીને અકસ્માત વળતર પેટેની રકમનો ચેક લોક અદાલતમાં  એનાયત કર્યો હતો.

ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં સૌથી મોટું સેટલમેન્ટ કરવામાં આવ્યું છે. અકસ્માતમાં મોતને ભેટેલા એક ખાનગી કંપનીના મેનેજરના પરિવારને 9 વર્ષ પછી વિમા કંપનીએ 5.40 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા છે. શનિવારે યોજાયેલી લોક અદાલતમાં આ મોટો નિર્ણય લેવાયો હતો. વિમા કપંનીએ 4 સપ્તાહમાં વળતરની રકમ ચૂકવવાની છે.

શનિવારે રાજ્યભરમાં રાષ્ટ્રીય લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેની સાથે નેશનલ લો સર્વિસના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને ગુજરાત હાઇકોર્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્રારા ગુજરાત હાઇકોર્ટમાં લોક અદાલત રાખવામાં આવી હતી.

આ લોક અદાલતમાં ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસનું સૌથી મોટું સેટલમેન્ટ થયું હતું. ખાનગી કંપનીમાં નોકરી કરતા અને ભરૂચના રહેવાસી પ્રકાશભાઇ વાઘેલા વર્ષ 2014માં અમદાવાદ એરપોર્ટથી વડોદરા તરફ જતા હતા ત્યારે નારોલ ટોલ પ્લાઝા પાસે એક ટ્રક અકસ્માતમાં તેમનું મોત થયું હતું. પ્રકાશભાઇના પરિવારજનોએ ભરૂચની ટ્રિબ્યુનલમાં IFFCO વિમા કંપની પાસે 3.94 કરોડના વળતરનો દાવો દાખલ કર્યો હતો.

પ્રકાશભાઇ વાઘેલા બી.ટેક ભણેલા હતા અને તેમનું ખાનગી કંપનીમાં વાર્ષિક પેકેજ 31 લાખ રૂપિયા હતું. તેમના માથે પત્ની, બે સગીર પુત્રો અને માતા-પિતાની જવાબદારી હતી. અનેક વાટાઘાટો પછી લોક અદાલતમાં IFFCO વિમા કંપની 9 ટકા વ્યાજ સાથે 5.40 કરોડ રૂપિયાની રકમ આપવા સંમત થઇ હતી. કંપની 4 સપ્તાહમાં વાઘેલા પરિવારના ખાતામાં રકમ જમા કરાવી દેશે.

સ્નેહા વાઘેલા, જજ બિેરેન વૈષ્ણવ

IFFCO વિમા કંપનીએ પ્રકાશભાઇ વાઘેલાના પત્ની સ્નેહા વાઘેલાને લોક અદાલતમાં 5.40 કરોડ રૂપિયાનો ચેક એનાયત કર્યો હતો. પરંતુ રકમ જમા કરવા માટે કંપનીએ 4 સપ્તાહનો સમય માંગ્યો હતો.

ગુજરાત હાઇકોર્ટમાં યોજાયેલી લોક અદાલતમાં આ કેસ ઉપરાંત અન્ય 170 કેસો ચાલવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp