26th January selfie contest

સુરતના કાપડ વેપારીને લોરેન્સ ગેંગનો ફોન આવ્યો, 5 લાખની ખંડણી ચૂકવી દે નહીં તો...

PC: twitter.com

બોલિવુડ અભિનેતા સલમાન ખાનને વારંવાર જાનથી મારી નાંખવાની ધમકી આપનાર લોરેન્સ બિશ્નોઇ ગેંગના એક માણસની ઓળખ આપીને સુરતના કાપડ વેપારી પર ખંડણી માંગતો ફોન આવ્યો હોવાની ઘટનાએ વેપાર જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. બિશ્નોઇ ગેંગનો માણસ હોવાનું કહીને ફોન કરનારે સુરતના કાપડના વેપારીને ધમકી આપી છે કે 5 લાખની ખંડણી પહોંચાડી દે નહીં તો 24 કલાકમાં તારું મર્ડર થઇ જશે. ધમકીના આ એક ફોનથી કાપડના વેપારીનો જીવ તાળિયે ચોંટી ગયો છે અને આખું પરિવાર ટેન્શનમાં આવી ગયું છે. કાપડના વેપારીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.

પંજાબના જાણીતા ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં જેનું નામ સામે આવ્યું છે અને બોલિવુડ અભિનેતા સલમાન ખાનને વારંવાર જાનથી મારી નાંખવાની જે ધમકી આપી રહ્યો છે તે લોરેન્સ બિશ્નોઇ અત્યારે તો પંજાબની એક જેલમાં કેદ છે.

સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપીને ચર્ચામાં આવેલા લોરેન્સ બિશ્નોઇના નામે એક ધમકી ભર્યો ફોન સુરતના કાપડના વેપારી પર આવ્યો છે. આ વેપારીનું નામ કેતન ચૌહાણ છે અને તેમની સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા તુલસી આર્કેડમાં દુકાન છે અને કેતન ચૌહાણ કાપડના Online બિઝનેસ સાથે સંકળાયેલા છે.

કેતન ચૌહાણે પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 16 માર્ચે રાત્રે 11 વાગ્યે 7056940650 પરથી એક વ્હોટસએપ કોલ આવ્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે મેં લોરેન્સ બિશ્નોઇ ગેંગ સે સુખા સોપુ બોલ રહા હું. કાપડના વેપારી કેતન ચૌહાણે ફોન કરનારને પુછ્યું હતું કે કોણ લોરેન્સ બિશ્નોઇ?  તો ફોન કરનારે જવાબ આપ્યો કે પંજાબના ગાયક મૂસેવાલાની જેણે હત્યા કરી છે તે લોરેન્સ બિશ્નોઇ. સાથે ફોન કરનારે સીધી ધમકી આપી હતી કે 5 લાખની ખંડણા જોઇએ છે, જો 24 કલાકની અંદર 5 લાખ રૂપિયા ન આપ્યા તો તારું મર્ડર થઇ જશે. કેતન ચૌહાણે ફોન કરનારને કહ્યું કે, ભાઇ, હું તો સામાન્ય માણસ છુ અને નોકરી કરુ છું, હું 5 લાખ રૂપિયા ન આપી શકું. આટલું સાંભતાની સાથે ફોન કરનારે ફોન કટ કરી દીધો.

કાપડના વેપારી કેતન ચૌહાણને લોરેન્સ બિશ્નોઇ વિશે કોઇ માહિતી નહોતી એટલે આ ધમકી ભર્યા ફોનને તેણે સાહજિકતાથી લીધો હતો, પરંતુ જ્યારે સગાવ્હાલાં અને મિત્રોને ધમકી ભર્યા ફોનની વાત કરી ત્યારે કેતનને ખબર પડી કે આ તો ખતરનાક ગેંગસ્ટર છે અને જેલમાંથી બેઠો બેઠો સલમાન ખાનને ધમકીઓ આપે છે.

આ બધી વાતની જાણ થતા કાપડના વેપારી કેતન ચૌહાણ ટેન્શનમાં આવી ગયો હતો અને પરિવાર પણ ચિંતામાં મુકાઇ ગયું હતું. કેતન ચૌહાણે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે અજાણ્યા વ્યકિત સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

કાપડના વેપારીને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના નામે ધમકી ભર્યો ફોન આવવાની વાત વાયુવેગે ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફેલાઇ જતા વેપારીઓ ચિંતામાં મુકાઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp