લીંબડીમાં જુગારધામ ચલાવતો નવદીપ કહે- પોલીસને મહિને 12 લાખ હપ્તો આપતો

PC: divyabhaskar.co.in

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સૌકા ગામથી 4 દિવસ અગાઉ LCBએ ઝડપી પાડેલા મસમોટા જુગારધામના કેસમાં નવો ટ્વીસ્ટ આવ્યો છે. જુગાર કેસમાં છૂટ્યા બાદ એક આરોપીએ પોલીસ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો છે. જુગારધામ ચલાવવા માટે પોતે SOGના PSI અને કોન્સ્ટેબલને દર મહિને 12 લાખ રૂપિયાનો હપ્તો આપતો હોવાનો આરોપ લગાવતા હાહાકાર મચી જવા પામ્યો છે. સુરેન્દ્રનગર પોલીસ પર ગંભીર આરોપો થતા ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે, આ બાબતે મારી સમક્ષ કોઈ રજૂઆત આવી નથી. રજૂઆત મળ્યા બાદ ખરાઈ કરી કાર્યવાહી કરવામાં આવશે.

સૌકા ગામના જુગાર કેસમાં ઝડપાયા બાદ જામીન પર મુક્ત થયેલા નવદીપસિંહ ઝાલા નામના આરોપીએ સુરેન્દ્રનગર SOGના PSI પઢિયાર અને કોન્સ્ટેબલ હરદેવ સિંહ ઝાલા પર દર મહિને 12 લાખ રૂપિયાનો હપ્તો લેતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. જુગાર કેસના આરોપી નવદીપ સિંહે આરોપ લગાવતા કહ્યું છે કે, હું દર મહિને 12 લાખ રૂપિયાનો હપ્તો આપતો હતો. એ હપ્તો ઓછો પડતા 3 મહિના અગાઉ SOG PSI પઢિયાર અને હરદેવ સિંહ મને મળવા આવ્યા હતા અને મને કહ્યું હતું કે, જો જુગાર ચાલુ રાખવો હોય તો 20 લાખ રૂપિયા થશે.

આ મામલે સુરેન્દ્રનગર ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા H.P. દોશીએ જણાવ્યું હતું કે, લીંબડીના વ્યક્તિએ પ્રેસ કોન્ફરન્સ કરીને વીડિયો વાયરલ કર્યા છે. જે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે. મારી પાસે હજું વીડિયો કે લેખિત અરજી આવી નથી. અરજી મળ્યા બાદ શું આરોપ છે? એની ખરાઇ કર્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પણ હજી સુધી મારી પાસે કોઇ અરજી આવી નથી. બીજી બાજુ લીંબડીના સૌકા ગામમાં જુગારધામ ચલાવનારા શખ્સે પ્રેસ કોન્ફરન્સ કરવાની સાથે ગૃહ રાજ્યમંત્રી સહિત લાગતા વળગતા તમામ વિભાગોને લેખિત રજૂઆત પણ કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સૌકા ગામમાં ચાલતા જુગારધામની પોલીસને બાતમી મળતા સુરેન્દ્રનગર LCBએ દરોડા પાડ્યા હતા. સૌકા ગામની સીમમાં લીયાદના કાચા માર્ગ પર પડતર ખેતરમાં પ્લાસ્ટિકના મીણિયાની છત અને સાઈડમાં પતરાની ઓરડી બનાવી ગુદડી પાસાનો જુગાર રમાડવામાં આવતો હતો. LCBએ દરોડા પાડી 38 જુગારીઓ પાસેથી 24 લાખ 21 હજારની માતબાર રકમ જપ્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp