ભાજપ નેતાની 22 દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, 19 લાખની સોપારી અપાઇ હતી

PC: divyabhaskar.co.in

ભાજપના એક અગ્રણી નેતાની 22 દિવસ પહેલા હત્યા થઇ હતી જેનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. 10 વર્ષ જૂના ઝઘડાનું વેર લેવા માટે 19 લાખની સોપારી આપીને ભાજપ નેતાની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે બે સગા ભાઇઓ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે.

શેલેષ પટેલ, ભાજપ નેતા

વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની 8મેના દિવસે હત્યા કરવામાં આવી હતી. શૈલેષ પટેલ તેમના પત્ની સાથે શિવમંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારે પત્ની મંદિરમાં ગયા હતા અને શૈલેષ પટેલ કારમાં બેઠા હતા ત્યારે તેમની પર 4 રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. ભાજપ નેતાને હોસ્પિટલ લઇ જવાયા હતા, પરંતુ તેમનું મોત થયું હતું. શૈલેષભાઇના પત્નીએ ડુંગરી પોલીસમાં 6 શકમંદો અને 2 અન્ય અજાણી વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 22 દિવસ પછી આ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.

વલસાડ  SP ડો. રાજદીપસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે. પોલીસ માટે આ કેસ ઉકેલવો એક મોટો પડકાર હતો. જ્યા સુધી પુરાવા ન મળે ત્યાં સુધી આરોપીઓ સુધી પહોંચવું મુશ્કેલ હતુ. પોલીસની ટીમે 1600 કિ.મી વિસ્તારમાં CCTV ફુટેજ તપાસ્યા હતા અને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે આ હત્યા કેસમાં શરદ ઉર્ફે સદીયો દયાળ પટેલ, વિપુલ ઇશ્વરભાઇ પટેલ, મિતેશ ઇશ્વરભાઇ પટેલ, અજય ગામિત અને સત્યેન્દ્રસિંગ ઉર્ફે સોનુની ધરપકડ કરી છે.

પોલીસે કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે 10 વર્ષ જુની અદાવતમાં આ હત્યા કરવામાં આવી હતી, વર્ષ 2013માં ભાજપ નેતા શૈલેષ પટેલનો વિપુલ અને મિતેષના પિતા ઇશ્વરભાઇ સાથે ઝઘડો થયો હતો અને તેમાં ઇશ્વરભાઇને માથાના ભાગે ઇજા પહોંચવાને કારણે લકવો મારી ગયો હતો. વિપુલ અને મિતેષને પણ ઇજા થઇ હતી. એ પછી 5 વર્ષ પહેલાં બંને પક્ષે સમાધાન થયું હતું કે કોઇએ એકબીજા પર હુમલો કરવો નહીં.

શેલેષ પટેલ, ભાજપ નેતા

પોલીસે કહ્યું કે, તપાસમાં એ વાત સામે આવી છે કે વિપુલ, મિતુલ અને શરદે જૂનો બદલો લેવા માટે દમણના અજય ઉર્ફે સ્પાઇડરને 19 લાખ રૂપિયાની સોપારી આપી હતી. અજયે આ કામ આઝમગઢના સત્યેન્દ્ર ઉર્ફે સોનુંને સોંપ્યું હતું. હત્યાના દિવસે 3 આરોપીઓ એક જ બાઇક પર આવ્યા હતા, જેમાં બે આરોપીઓએ રેકી કરી હતી અને એક આરોપી મંદિર પાસે ઉભો હતો.

શૈલેષ પટેલ સામાન્ય રીતે પોતાના બોડીગાર્ડોને સાથે લીધા વગર સામાન્ય રીતે બહાર નિકળતા નહોતા, પરંતુ  જે દિવસે હત્યા થઇ ત્યારે તેમની સાથે તેમના સુરક્ષા કર્મીઓ નહોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp