- Gujarat
- ચોટીલામા યુવકે ઈન્સ્ટા પર કર્યો સંબંધનો ખુલાસો, યુવતીના બીજે થયા લગ્ન અને પછી...
ચોટીલામા યુવકે ઈન્સ્ટા પર કર્યો સંબંધનો ખુલાસો, યુવતીના બીજે થયા લગ્ન અને પછી...
આજકાલ સોશિયલ મીડિયા પર તમારા સંબંધોને જાહેર કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પરંતુ તેના કારણે કેટલાક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે, જેનો અંત ગુનાખોરીના રસ્તા પર સમાપ્ત થાય છે. ચાકુ વડે હુમલાનો આ કિસ્સો પણ કંઈક એવો જ છે. પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવીને લોકોમાં બદલો લેવાની વૃત્તિ વધી ગઈ છે અને ગરમ દિમાગના લોકો આવા ગુનાહિત કૃત્યોને અંજામ આપતા અચકાતા પણ નથી. આવો જ એક કિસ્સો ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા શહેરમાંથી સામે આવ્યો છે. અહીં એક યુવકે કરેલા ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી ગુસ્સે થઈને આરોપીએ મંગળવારે સાંજે તે યુવકને ચાકુ મારી દીધું હતું. જે બાદ તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં બુધવારે સવારે પીડિત યુવકનું મોત નીપજ્યું હતું. યુવકની હત્યાના સંબંધમાં બે લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

મૃતક યુવકના પરિવારના રાજુએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 'રાહુલનું થોડા સમય પહેલા પાયલ નામની યુવતી સાથે અફેર હતું, જેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પોસ્ટ પર પોતાના આ સંબંધનો ખુલાસો કર્યો હતો.' પરંતુ યુવતીના લગ્ન સુરેન્દ્રનગરના દર્શન બાજીપરા સાથે થઇ ગયા હતાં. રાહુલના ઈન્સ્ટાગ્રામ પર મૂકેલી આ પોસ્ટથી નારાજ યુવતીના પતિ દર્શને તેના મિત્ર નવાબ મકવાણા સાથે મળીને મંગળવારે ચોટીલા નગરમાં તેના પર ચાકુ વડે હુમલો કર્યો હતો.

ચાકુના હુમલામાં ઘાયલ થયેલો રાહુલ ફસડાઇને પડી ગયો, લોહીથી લથપથ રાહુલને પ્રથમ ચોટીલા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી તબીબોએ તેની હાલત ગંભીર જોતા તેને રાજકોટની સરકારી હોસ્પિટલમાં રીફર કર્યો હતો. જ્યાં બુધવારે સવારે તેમનું અવસાન થયું હતું. ચાકુ વડે હુમલો કરનારા દર્શન અને નવાબ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે, કેસની તપાસ ચાલી રહી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને દરેક ગુનેગારને કડકમાં કડક સજા આપવામાં આવશે.

