26th January selfie contest

ગુજરાતમાં મોટા પાયે અધિકારીઓની બદલી થશે, 60 IASની ટ્રાન્સફર કરવાની તૈયારી

PC: facebook.com/ibhupendrapatel

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા પછી ગુજરાતના મુખ્યમંત્ર તરીકેની બીજી ઇનિંગ શરૂ કરનાર ભૂપેન્દ્ર પટેલ આગામી 15 દિવસમાં ગુજરાતના બ્યુરોક્રેટ્સમાં ધરખમ ફેરફારો કરવા જઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. વિધાનસભાનું સત્ર પુરા થયા પછી અધિકારીઓના ટ્રાન્સફરનો આદેશ થઇ શકે છે. એવું જાણવા મળ્યું છે કે 55થી 60 IASની બદલી કરી દેવાશે.

દિવ્ય ભાસ્કરના એક અહેવાલ મુજબ અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને ગૃહમાં ચાલી રહેલી બબાલ વચ્ચે એવી ચર્ચા સામે આવી છે કે સરકારે મોટા પાયા પર અધિકારીઓની બદલી કરવાનું નક્કી કરી લીધું છે અને યાદી પણ તૈયાર કરી દેવામાં આવી છે. વિધાનસભાનું સત્ર પતે પછી મોટો ધડાકો કરવામાં આવશે. અત્યારે ગુજરાતના રાજકારણમાં એ વાતો જોર પકડ્યું છે કે કયા અધિકારીની ક્યા બદલી થશે. આ બદલીઓમાં સચિવથી માંડીને કલેકટર સુધીની ટ્રાન્સફરનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

એવી ચર્ચા છે કે  15 સચિવ કક્ષાના, બાવીસેક MD કક્ષાના,મ્યુનિસિપલ કમિશ્નર, કલેકટર, ડાયરેકટર સહિતના  60 જેટલા અધિકારીઓની ટ્રાન્સફર થશે. જેમાં 18થી 20 જેટલા જિલ્લા કલેકટર પણ હોય શકે છે.

સરકારે જે બદલીઓની યાદી તૈયાર કરી છે તેમાં કેટલાંક એવા અધિકારીઓનો નામો પણ સમાવેશ છે જે સરકારને એક જ વિભાગમાં  4થી 6 વર્ષથી ચોંટેલા છે. કેટલાંક એવા અધિકારીઓ પણ છે જેમની પાસે પોતાના ખાતા સિવાયના બીજા ત્રણ ચાર ખાતાઓની પણ જવાબદારી છે.

બીજી એક એવી પણ ચર્ચા છે કે ચાલુ વર્ષ 2023માં લગભગ નવ જેટલા IAS અધિકારીઓ રિટાયર્ડ થઇ રહ્યા છે.મુખ્યમંત્રી કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ નામ નહીં છાપવાની શરતે કહ્યું છે કે ગુજરાત સરકારમાં અત્યારે અધિકારીઓનો અભાવ છે. કુલ 313 IAS અધિકારીઓની રાજ્યમાં મંજૂરી મળેલી છે, પરંતુ અત્યારે 255 જેટલાં જ અધિકારીઓ સરકારની સેવામાં છે. જેમાંથી 9 તો ટ્રેનિંગમાં ગયેલા છે. આ અધિકારીએ કહ્યુ કે અત્યારે લગભગ 58 અધિકારીઓની શોર્ટેજ ચાલી રહી છે. તેમાં પણ ડેપ્યુટેશન અને ટ્રેનિંગ પર ગયેલા અધિકારીઓની ગણતરી કરીએ તો 87 અધિકારીઓ ઓછા છે.

કોઇ પણ મુખ્યમંત્રી માટે એ જરૂરી હોય છે કે તેમની અધિકારીઓની ટીમ મજબુત હોય. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની બીજી ઇનિંગ શરૂ કરનાર ભૂપેન્દ્ર પટેલને આવી તક મળી નથી. વિજય રૂપાણીની સરકાર હટ્યા પછી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને એક વર્ષમાં જ વિધાનસભાની ચૂંટણી આવી હતી. ડિસેમ્બર 2022માં ભાજપે ઐતિહાસિક 156 જીત મેળવી પછી ભૂપેન્દ્ર પટેલને ફરી મુખ્યમંત્રી બનાવ્યા અને અત્યારે 3 મહિના થયા છે. હવે મુખ્યમંત્રી બદલીનો ગંજીપો ચીપી શકે છે.

તમને એ પણ માહિતી આપી દઇએ તે 7 અધિકારીઓ એવા છે જેમની પાસે એકથી વધારે વિભાગ છે જેમા એ.કે.રાકેશ અધિક મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વધારાવો હવાલો ગૃહ વિભાગ, કમલ દાયાની અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વધારાનો હવાલો ખાણ અને ઉદ્યોગ, મનોજ દાસ અધિક મુખ્ય સચિવ, બંદરો-વાહનવ્યવહાર વધારાનો હવાલો પંચાયત, એસ.જે. હૈદર અધિક મુખ્ય સચિવ, ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ વધારાનો હવાલો ક્લાઇમેટ ચેન્જ વિભાગ, ધનંજય દ્વિવેદી અગ્ર સચિવ, પાણીપુરવઠા વધારાનો હવાલો વહીવટી સુધારણા, તાલીમ,NRI (સામાન્ય વહીવટ), રૂપવંતસિંહ કમિશનર, ખાણ અને ખનીજ વધારાનો હવાલો એમ.ડી., જીએમડીસી, રાકેશ શંકર સચિવ, આયોજન (સામાન્ય વહીવટ) વધારાનો હવાલો શહેરી ગૃહનિર્માણ.

આ 9 અધિકારીઓ આ વર્ષે નિવૃત થવાના છે જેમાં, વિપુલ મિત્રા જીએનએફસી ચેરમેન 31 જુલાઇ, સંજય ભાવસાર ઓઓસડી, પીએમઓ, દિલ્હી 31 જુલાઇ, બી.બી. સ્વૈન સચિવ, એમએસએમઇ મંત્રાલય 30 સપ્ટેમ્બર, એસ. અપર્ણા સચિવ, ફાર્માસ્યુટીકલ મંત્રાલય 31 ઓક્ટોબર, સંજય નંદન એમ.ડી. વેર હાઉસિંગ કોર્પો 30 નવેમ્બર, મનોજ અગ્રવાલ અધિક મુખ્ય સચિવ, આરોગ્ય 31 ઓક્ટોબર, રમેશ મેરજા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર,અમદાવાદ 30 જૂન, બી.જી. પ્રજાપતિ સંયુક્ત એમ.ડી, જીઆઇડીસી 30 જૂન, બી.જી. પ્રજાપતિ રીજનલ કમિશનર, મ્યુનિસિપાલિટી 30 નવેમ્બરનો સમાવેશ થાય છે.

3 વર્ષથી વધારે એક જ વિભાગમાં કામ કરી રહ્યા છે તેવા અધિકારીઓમાં સંજય નંદન એમ.ડી. વેયર હાઉસિંગ કોર્પો. ફેબ્રુઆરી 2018થી, વત્સલા વાસુદેવ એમ.ડી. ઇન્ડસ્ટ્રિયલ પાવર કંપની 2018થી,ધનંજય દ્વિવેદી અગ્ર સચિવ પાણીપુરવઠા ઓગસ્ટ 2019થી, મોહંમદ શાહિદ અગ્ર સચિવ અન્ન, નાગરિક પુરવઠા સપ્ટેમ્બર 2019થી, વિનોદ રાવ સચિવ શિક્ષણ જુલાઇ 2018થી, સંજીવકુમાર એમ.ડી. GSPCL સપ્ટેમ્બર 2019થી, રાહુલ ગુપ્તા કમિશનર ઉદ્યોગ સપ્ટેમ્બર 2019થી, રાકેશ શંકર સચિવ પ્લાનિંગ સપ્ટેમ્બર 2019થી, આર.એસ.નિનામા સીઇઓ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી સપ્ટેમ્બર 2019, એસ. છાકછુઆક અધિક સચિવ નાણા (બજેટ) જૂન 2019, એમ. પટેલ અધિક સચિવ ઊર્જા, પેટ્રોકેમિકલ એપ્રિલ 2017, તુષાર ધોળકિયા ડાયરેક્ટર નાગરિક પુરવઠા સપ્ટેમ્બર 2019, ટી.વાય. ભટ્ટ એમ.ડી. મધ્ય ગુજરાત વીજ કંપની નવેમ્બર 2019.

ગુજરાતના 3 મહત્ત્વના વિભાગોમાં અત્યારે કોઇ સચિવ નથી. સૂત્રોમા કહેવા મુજબ કૃષિ વિભાગના સચિવ મુકેશ પુરીને હોમ, ઊર્જા વિભાગના સચિવ મમતા વર્માને ઉદ્યોગ આપવામાં આવી શકે છે. મમતા અગાઉ ઉદ્યોગ કમિશનર હતાં. સમાજ કલ્યાણના સચિવ સુનયના તોમરને ઊર્જા વિભાગ મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp