પોલીસના દંડથી બચવા સુરતના 3 મિત્ર BRTS રૂટમાં ગયા અને બસે ટક્કર મારી, 1નું મોત

PC: divyabhaskar.co.in

સુરતમાં BRTS રૂટમાં વધુ એક ઘટના બનવા પામી છે. રજાના દિવસે ત્રણ મિત્ર બાઇક પર ટ્રિપલ સવારી સુરતના વેસુ વિસ્તારમાં ટ્રાફિક પોલીસના ભયથી બાઇકને BRTSના રૂટ પર લઇ ગયા હતા. તે દરમિયાન BRTS રૂટમાં ઝડપથી આવતી બસે બાઇકને અડફેટમાં લીધી હતી અને ગંભીર અકસ્માત થયો હતો અને ત્રણ મિત્રોમાંથી ફરીદ શેખ નામના મિત્રનું મોત નીપજ્યું હતું.

જાણકારી અનુસાર, મૃતક ફરીદ શેખ તેના પરિવાર સાથે ઉમરવાડામાં રહેતો હતો. તેના પિતા સુથારી કામ કરીને ઘર ચલાવતા હતા. મહારાષ્ટ્રનો આ પરિવાર 20 વર્ષથી સુરતમાં જ વસવાટ કરી રહ્યો છે. તેમના પરિવારમાં એક દિકરી અને ત્રણ દીકરા છે. મૃતક ફરીદ શેખ કાપડની દુકાનમાં કામ કરતો હતો અને પરિવારને મદદ રૂપ થતો હતો.

રવિવારના રોજ ફરીદ શેખ તેના બે મિત્ર સાથે બાઇક પર ફરવા ગયો હતો. ત્રણે મિત્ર અણુવ્રત દ્વાર પાસે પહોંચ્યા, ત્યાં રોડ પર ટ્રાફિક પોલીસને જોઇને ડરી ગયા અને બાઇકને BRTS રૂટમાં લઇ ગયા. રૂટ પર આવતી બસ ખૂબ ઝડપથી આવી રહી હતી અને બસે બાઇકને અડફેટમાં લીધી અને ત્રણેય મિત્રોને ગંભીર ઇજા પહોંચી હતી અને ફરીદ શેખનું મોત થયું હતું.

અકસ્માત થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળ પર આવી ગયા હતા. ત્રણેય ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ ફરીદ શેખનું મોત થયું હતું, જ્યારે અન્ય બે યુવકોને સારવાર બાદ ઘરે મોકલી અપાયા હતા.

કમરૂભાઇ શેખ નામના સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે, ઉમરવાડાના ત્રણ મિત્રો રજાના દિવસે ફરવા નીકળ્યા હતા. ત્યાં અણુવ્રત દ્વાર પાસે પોલીસને જોઇને ડરી જતા તેમણે બાઇકને BRTSના રૂટ પર ઘુસાડી દીધી હતી. પાછળ બેઠેલા યુવકોને વધુ ઇજા પહોંચી છે અને તેમાંથી એકનું મોત થયું છે. અકસ્માત થતાં જ બસ ડ્રાઇવર ઘટના સ્થળ પરથી ગાયબ થઇ ગયો હતો.

શેહરની સિટી બસ અને BRTS બસ દ્વારા થતા અકસ્માતોમાં વધારો થઇ રહ્યો છે. બે દિવસ પહેલા જ BRTS બસ એક બસ સ્ટેન્ડમાં ઘુસી ગઇ હતી અને ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને હવે BRTS બસના કારણે એક યુવકનું મોત થયું છે. વેસુ પોલીસે બસના ડ્રાઇવર વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ ચાલુ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp