નવરાત્રિના બેનર લગાવવાના મુદ્દે બારડોલીમાં ભાજપના બે જૂથ વચ્ચે બબાલ, ટ્રાફિક જામ

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 156 બેઠકો જીત્યા છતા ભાજપમાં આંતરિક વિખવાદ વધતો જોવા મળી રહ્યો છે. શિસ્તની પાર્ટી ગણાતી ભાજપમાં પત્રિકા કાંડ પછી હવે દક્ષિણ ગુજરાતના બારડોલીમાં જૂથવાદ સામે આવ્યો છે.
બારડોલીમાં નવરાત્રીના બેનર લગાવવાના મુદ્દે ભાજપના જ બે જૂથો સામ સામે આવી ગયા હતા, જેને કારણે ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો.
જાણવા મળેલી વિગત મુજબ બારડોલીમાં છેલ્લાં ઘણા સમયથી આંતરિક વિવાદ ડામવામાં ભાજપના નેતાઓ નિષ્ફળ રહ્યા છે. બારડોલીમાં ભાજપના બે અલગ અલગ ગ્રુપ નવરાત્રિનું આયોજન કરે છે. જેમાં બારડોલીના ધારાસભ્ય ઇશ્વર પરમાર અને જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ભાવેશ પટેલનું લોટસ ગ્રુપ છે અને બીજું ગ્રુપ છે તે જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય જીતેન્દ્ર પટેલનું સ્વર્ણિમ ગ્રુપ છે. બંને જૂથ વચ્ચે ડખો ચાલી રહ્યો છે.
નવરાત્રિમાં મેદાન બુક કરાવવાથી માંડીને બેનર લગાવવા સુધી લોટસ ગ્રુપ અને સ્વર્ણિમ ગ્રુપ વચ્ચે વિવાદ ચાલે છે. આ વખતની નવરાત્રિમાં સ્વર્ણિમ ગ્રુપે બારડોલી કોલેજના મેદાનમાં અને લોટસ ગ્રુપે સ્વરાજ આશ્રમના મેદાનમાં ગરબાનું આયોજન કરેલું છે.
હવે બબાલ એટલા માટે ઉભી થઇ કે બંને ગ્રુપને શહીદ ચોક પાસે નવરાત્રિના બેનર લગાવવા હતા.સોમવારે રાત્રે બેનર લગાવવાના મુદ્દે બંને જૂથના લોકો સામ સામે આવી ગયા હતા અને ઝઘડો થયો હતો. પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો.
જાણકારોના કહેવા મુજબ આ જૂથવાદ અત્યારે નથી વકર્યો. તેના પાયા બારડોલી નગર તેમજ તાલુકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકીટ ફાળવણીમાં થયેલા વિવાદ પછી નંખાયો હતો. એક જૂથ વર્તમાન ધારાસભ્ય ઇશ્વર પરમારનું છે અને બીજું જૂથ તાલુકા પંચાયતના માજી નાયબ સરપંચ દેવુ ચૌધરીનું છે, જેમાં હવે જીતુ પટેલનું નામ ઉમેરાયું છે. બારડોલી જેવા નાના વિસ્તારમાં ભાજપીઓમાં આંતરિક ઝઘડાને કારણે મોટી તિરાડ પડી છે.
આખા ગુજરાતના ભાજપમાં અંદરખાને ડખા છે, પરંતુ જલ્દી બહાર નથી આવતા. થોડા સમય પહેલાં ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સામે પત્રિકા કાંડ શરૂ થયું હતું. એ પછી ભાજપના ગુજરાતના મહામંત્રી અને દિગ્ગજ નેતા રત્નાકરે રાજીનામું આપવું પડ્યું હતું. તાજેતરમાં ગુજરાતના રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના બંગલે અમિત શાહ, સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક મળી હતી, જેમાં સંગઠનમાં મોટા ફેરફાર થવાના સંકેતો સામે આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp