Video: દ્વારકાધીશ મંદિરમાં એકસાથે બે ધજા ચડવાઈ, જાણો કારણ

PC: gujarati.news18.com

ચક્રવાતી વાવાઝોડું બિપોરજોય 5 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ગુજરાત તરફ આવી રહ્યું છે. ચક્રવાતી વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે દેખાવા લાગી છે. વાવાઝોડાના કારણે ગુજરાત સરકાર તેમજ સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ છે. NDRF અને SDRFની ટીમો તૈનાત કરાઈ છે. ભયાનક વાવાઝોડું 14 જૂનની સવાર સુધી ઉત્તર તરફ ગતિ કરતું રહેશે, જે પછી તે ઉત્તરપૂર્વ તરફ ગતિ કરશે. બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાત અને પાકિસ્તાન પર થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બિપોરજોય માંડવી અને કરાચી (પાકિસ્તાન) વચ્ચે 15 જૂનના બપોરે ગુજરાત અને પાકિસ્તાન તરફ ફંટાવાની શક્યતાઓ રહેલી છે.

બિપોરજોય વાવાઝોડાના મંડરાતા જોખમ વચ્ચે આજે ભગવાન દ્વારકાધીશના મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર એકસાથે બે ધજા ચડાવવામાં આવી છે. વાવાઝાડાના કારણે દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તો દેવભૂમિ દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરે 2 ધજા એક સાથે ચડાવામાં આવી છે. સવારે ભારે પવનના કારણે ધજા ચડાવવામાં આવી નહોતી. જેથી હાલમાં એક સાથે 2 ધજા ફરકાવામાં આવી છે. 2 ધજા સાથે ચડાવવાથી દ્વારકા પરથી સંકટ ટળી જશે એવી લોક માન્યતા છે. જેથી આજે મંદિરે એકસાથે 2 ધજા ચડાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, તાઉતે વાવાઝોડા વખત પણ દ્વારકાધીશ મંદિરે 2 ધજા એક સાથે ચડાવવામાં આવી હતી. 2 ધજા સાથે ચડવાથી દ્વારકા પરનું સંકટ ટળી જતું હોવાની લોક માન્યતા છે. તો ગઈ કાલે ભારે પવનના કારણે દ્વારકાધીશ મંદિર પર 52 ગજની ધજા અડધી પાટલીએ ફરકાવવામાં આવી હતી. દ્વારકાના જગતમંદિર મંદિરના શિખર પર વર્ષોથી અબોટી બ્રાહ્મણો દ્વારા રોજ 5 ધજા ચડાવવામાં આવે છે. ઠંડી હોય, ગરમી હોય કે ભારે વરસાદ હોય અબોટી બ્રાહ્મણો આ કાર્યને સેવા ગણીને દિવસની 5 ધજા ચઢાવવાનું ચૂકતા નથી. તેમનો આ ક્રમ ક્યારેય તૂટ્યો નથી. તેઓ ગમે તેવી આફતમાં પણ ધજા ચઢાવવાનું ચૂકતા નથી.

તેઓ જાતે ચઢીને મંદિર પર ધજા ફરકાવે છે. આ અબોટી બ્રાહ્મણોની વર્ષોની પરંપરા છે. દ્વારકાધીશ મંદિર પર 52 ગજની જ ધજા ફરકાવવામાં આવે છે. જેની પાછળ અનેક માન્યતાઓ છે જેમાં દ્વારકાનગરી પર 56 પ્રકારના યાદવોનું શાસન હતું. એ સમયે તમામના પોતાના મહેલ હતા અને દરેક પર પોતાના અલગ-અલગ ધ્વજ લગાવતા હતા. જ્યારે અન્ય 52 પ્રકારના યાદવોના પ્રતીક સ્વરૂપમાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધજા ફરકાવવામાં આવે છે.

એ સિવાય 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, સૂર્ય, ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ સહિત 52 થાય છે એટલે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. આમ અનેક માન્યતાઓ પ્રચલિત છે. દ્વારકાધીશની મંગળા આરતી સવારે 7:30 વાગ્યે, શ્રૃંગાર સવારે 10:30 વાગ્યે, ત્યારબાદ સવારે 11:30 વાગ્યે, તથા સાંજની આરતી 7:45 વાગ્યે અને શયન આરતી 8:30 વાગ્યે થાય છે. આ સમય દરમિયાન ધજા ચડાવવામાં આવે છે.

મંદિરની પૂજા આરતી ગૂગળી બ્રાહ્મણ કરાવે છે. ત્યારબાદ દ્વારકાના અબોટી બ્રાહ્મણ દ્વારા ધજા ચડાવવામાં આવે છે. નવી ધજા ચડાવ્યા બાદ જૂની ધ્વજા પર અબોટી બ્રાહ્મણોનો હક હોય છે અને તે કપડાંથી ભગવાનના વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp