VHPના વિરોધ પછી ગુજરાતની બે શાળાઓએ બકરી ઈદની ઉજવણી કરવા બદલ માફી માગી

PC: maktoobmedia.com

વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરોએ 'હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો' આરોપ લગાવ્યા બાદ ગુજરાતની બે શાળાઓએ તેમના કેમ્પસમાં ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) ઉજવવા બદલ માફી માંગી છે.

આ સંબંધમાં આવેલા સમાચારોમાં કહેવામાં આવ્યું છે કે, એક કિસ્સામાં, સ્થાનિક સત્તાવાળાઓએ તપાસ શરૂ કરી છે, જ્યારે બીજા કિસ્સામાં, એક વિડિયોમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક નાટક માટે ટોપી પહેરેલા દર્શાવ્યા પછી આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાની એક પ્રિ-સ્કૂલે વાલીઓ અને VHPના કાર્યકરોના ભારે વિરોધ બાદ લેખિતમાં માફી માંગી છે.

સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે મેનેજમેન્ટ અને વાલીઓ વચ્ચે મામલો ઉકેલાઈ ગયો છે, જો કે, શાળાના ડિરેક્ટરે સ્વીકાર્યું કે આ ઘટનાથી અજાણતા 'હિંદુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે' અને મુસ્લિમ તહેવારની ઉજવણી કરવા બદલ માફી માંગી છે.

પ્રી-સ્કૂલ 'કિડ્સ કિંગડમઃ એ ગ્રેટ પ્લેસ ટુ ગ્રો'ના ડિરેક્ટર રાશી ગૌતમે કહ્યું છે કે, 'અમે સ્કૂલમાં બકરી ઈદ સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું, જેણે હિન્દુ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી. અમારો હેતુ કોઈ પણ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. અમે પણ હિંદુ છીએ અને દરેક હિંદુ દેવી દેવતાઓમાં માનીએ છીએ. એક હિંદુ તરીકે આને અમારી પહેલી અને છેલ્લી ભૂલ સમજો અને અમને માફ કરી દો.'

તેમણે વધુમાં કહ્યું, 'અમે તમામ હિંદુ સંગઠનો, હિંદુ સમાજ અને તે તમામ લોકોની માફી માંગીએ છીએ જેઓ હિંદુ ધર્મની ભલાઈને માટે કામ કરી રહ્યા છે.'

ઉપરાંત, શાળાની મિલકતના માલિકે તેમને બાંયધરી આપવા જણાવ્યું છે કે, તેઓ ભવિષ્યમાં આવા કાર્યક્રમોનું આયોજન કરશે નહીં, અન્યથા તેઓએ મિલકત ખાલી કરવી પડશે.

મીડિયા સૂત્રોએ અહેવાલ આપ્યો કે, VHP કાર્યકર્તાઓએ પરિસરમાં સરસ્વતી પૂજા કરી અને રામ ભજનો ગાયા. તેણે નિર્દેશકને કહ્યું કે શાળા 'દરગાહ' જેવી દેખાતી હતી અને પ્રવેશદ્વાર પાસે ભગવા ઝંડા લગાવવામાં આવ્યા હતા.

અન્ય એક ઘટનામાં, કચ્છ જિલ્લાના ભુજ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીએ મુન્દ્રાની પર્લ સ્કૂલની તપાસ શરૂ કરી છે, જ્યાં વિદ્યાર્થીઓએ બકરી ઈદના પ્રસંગે નાટક માટે નમાઝ અદા કરી હતી.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, બકરી ઈદ પર નાટકનું મંચન કરતી વખતે ટોપી પહેરેલા (મુસ્લિમો દ્વારા પહેરવામાં આવતા) વિદ્યાર્થીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા પછી ભગવા સંગઠનો, માતાપિતા અને સ્થાનિક નેતાઓએ આ પગલાનો વિરોધ કર્યો હતો.

આ ઘટના બાદ ખાનગી શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

અહેવાલો મુજબ, કેટલાક વિદ્યાર્થીઓને ટોપી પહેરેલા જોઈ શકાય છે, જ્યારે અન્યોએ તેમના માથા રૂમાલથી ઢાંકેલા હતા. વીડિયોમાં તેઓ પ્રાર્થના કરતા અને શુભેચ્છાઓની આપ-લે કરતા દર્શાવવામાં આવ્યા હતા, જ્યારે તેમાંથી એકે તહેવાર વિશે વાત કરી હતી.

જ્યારે પૂછવામાં આવ્યું કે શું શાળાએ આ સંદર્ભે કોઈ ચોક્કસ નિયમનો ભંગ કર્યો છે, ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યું, 'શાળામાં મુસ્લિમ અને હિન્દુ વિદ્યાર્થીઓ છે, પરંતુ જો શાળા હિન્દુ વિદ્યાર્થીઓને મુસ્લિમો દ્વારા પહેરવામાં આવતી કેપ પહેરવાની મંજૂરી આપે છે, તો તે હલકી કક્ષાનું કાર્ય છે.'

જો કે, અધિકારીએ જણાવ્યું હતું કે, તેમની ઓફિસને શુક્રવાર, 30 જૂનની સાંજ સુધી શાળાના વિદ્યાર્થીઓ અથવા તેમના માતાપિતા તરફથી આ અંગે કોઈ ફરિયાદ મળી નથી.

બકરી ઈદ એ મુસ્લિમ સમુદાય દ્વારા ઉજવવામાં આવતો સૌથી મોટો તહેવાર છે. તે 29 જૂને ઉજવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp