જૂનાગઢમાં કમોસમી વરસાદે તબાહી મચાવી મજૂરો ભરેલી રિક્ષા નદીમાં તણાઈ, 3ના મોત

PC: news18.com

જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં આવેલા ચુડવા ગામમાં કમોસમી વરસાદે તબાહી મચાવી મુકી છે. ભારે વરસાદને કારણે નદીના પાણીનો પ્રવાહ એટલો વધી ગયો હતો કે તેમાં 12 શ્રમિકોને લઇ જતી એક રીક્ષા પાણીમાં ફસાઇ ગઇ હતી અને તેમાંથી 9 લોકોને તો બચાવી લેવાયા હતા, પરંતુ 3 મહિલાઓ લાપત્તા થઇ ગઇ હતી. મોડી રાત્રે ત્રણેય મહિલાઓના મૃતદેહો મળી આવ્યા હતા. જાણવા મળેલી વિગત મુજબ બે મહિલાઓ મા-દીકરી હતી જ્યારે એક અન્ય મહિલા હતી.

આ વખતે માર્ચ અને એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે. માણાવદરના ચુડવા ગામમાં ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવ્યું હતું. એ વખતે મંગળવારે સાંજે છત્રાસા અને ચુડવા ગામ વચ્ચે ખેતરોમાં કામ કરવા આવેલા લથ ગામના 12 મજૂરોથી ભરેલી રિક્ષા નદીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રાહત અને બચાવ કામગીરી દરમિયાન રિક્ષામાં સવાર 12માંથી 9 કામદારોને મહા મહેનતે બચાવી લેવાયા હતા જ્યારે 3ની શોધખોળ ચાલી રહી હતી.

ફાયર બ્રિગેડ સહિત સ્થાનિક વહીવટી તંત્રની ટીમ મોડી રાત સુધી શોધખોળમાં લાગેલી રહી હતી.. મોડી રાત્રે એક મહિલાની લાશ મળી આવ્યા બાદ બુધવારે બાકીની બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા. તમામ ઉપલેટાના લાથા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જેમના મોત થયા છે કેમાં 60 વર્ષના શાંતાબેન રાઠોડ, 18 વર્ષની સંજના સોંલકી અને 40 વર્ષના ભારતીબેન સોંલકીનો સમાવેશ થાય છે.

આ વખતના માવઠાંએ ખેડુતોના પાકને તો મોટું નુકશાન કર્યું જ છે, પરંતુ સાથે સાથે જનજીવન પણ અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. સૌરાષ્ટ્રના કેટલાંક ગામોમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની ગઇ છે. હજુ હવામાન વિભાગે આગાહી કરી છે કે, 7 મે સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો કેટલાંક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. બુધવારે સાંજે ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદના સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 44 તાલુકાઓમાં વરસાદ આવી શકે છે.

અમરેલીના ખાંભામાં સવા-ઇંચ, વિસાવદર, મહેસાણા, ઉપલેટામાં 1-1 ઇંચ જ્યારે ભૂજ, વિસનગર, મોડાસા, ખેડબ્રહ્મામાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. ઉપરાંત વિજાપુર, સાયલા, અંજાર,લખતર, સરસ્વતી અને પાલનપુરમાં અડધો-અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp