સાળંગપુર વિવાદ: દર્શન સ્વામી બોલ્યા-ચલમ પીનારા સનાતનની વાતો ન કરે, જેટલા સંતો..

PC: gujarati.abplive.com

સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભિંતચિત્ર વિવાદ મુદ્દો વધારે ગરમાયો છે. સમાધાનની વાતોની વચ્ચે વડતાલના સ્વામીએ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. વડોદરા ગુરૂકુળના દર્શન સ્વામીએ કહ્યું કે ‘ચલમ પિનારા સનાતનીની વાતો ના કરે. ગગનમાં જેટલા તારા હોય, તારા જેટલા શત્રુ ભેગા થાય તો પણ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. મારા ઈષ્ટદેવ સર્વોપરી છે. સ્વામિનારાયણ ભગવાન વિરૂદ્ધ સાખી લેવામાં આવશે નહીં. અન્ય સંતો કરતા પહેલા અમે સનાતની છીએ. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે.

દર્શન સ્વામીએ કહ્યું કે મિત્રો આપણે કોઈથી દબાવાનું નથી. એ લોકો ચલમ પીયને પોતાને સનાતની કહેતા હોય તો આપણે છાતી કાઢીને તિલક કરીએ છીએ એટલે તમારા કરતા પહેલા અમે સનાતની છીએ. મહેરબાની કરી સ્વામિનારાયણવાળાને છંછેડવાના ધંધા બંધ કરી દો. ઉલ્લેખનીય છે કે વિવાદ વધતા સાળંગપુર કષ્ટભંજન મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. હનુમાનજી મંદિરમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મંદિરની સુરક્ષામાં બે SRPની ટીમ, પાંચ DYSP, 10 PI, 8 PSI, 275 પોલીસકર્મી, 115 GRD અને હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એ સિવાય અમદાવાદ, ભાવનગર સહિતના સ્વામિનારાયણ મંદિરોની સુરક્ષા વધારવામાં આવી છે. અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિર બહાર પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી સ્વામિનારાયણ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે.

ગઢડા, વડતાલ સ્વામિનારાયણ મંદિરની પણ સુરક્ષા વધારવામાં આવી છે. સાળંગપુરમાં ચાલી રહેલા વિવાદ બાબતે ગઇ કાલે સ્વામિનારાયણના સંતોની મીટિંગ થઇ હતી. આ બેઠક લગભગ ત્રણ કલાક ચાલી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના 6 મુખ્ય મંદિરો અમદાવાદ, ધોલેરા, જૂનાગઢ, ભૂજ, ગઢડા અને વડતાલના 50 જેટલા સંતોની બેઠક મળી હતી. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો પણ હાજર રહ્યા હતા.

આ બેઠક બાદ વડતાલના ડૉ.સંત વલ્લભ સ્વામીએ મીડિયા સામે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, સાળંગપુર મંદિરે ચાલતા વિવાદનો સુખદ ઉકેલ લાવવા પ્રયાસ કર્યા છે. આ મામલે સંત સમિતિની નિમણુક કરાઈ છે. સમિતિ ચર્ચા વિચારણાના અંતે નિર્ણય લેવામાં આવશે. જો કે, 3 કલાકના અંતે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ ભીંતચિંત્રો હટાવવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.  ડૉ.સંત વલ્લભ સ્વામીએ મીડિયાના સવાલોનો એકપણ જવાબ આપ્યો નહોતો

દર્શન સ્વામીનો વાયરલ વીડિયોને લઈ સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. જ્યોતિર્નાથ બાબાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, દર્શન સ્વામીનો બકવાસ અમારી નજરમાં આવ્યો છે. સનાતન ધર્મની તાકતને દર્શન સ્વામી જાણતા નથી. 140 કરોડ જનતા એવું જાણે છે કે, રામ, લક્ષમણ, સીતા, હનુમાન, મહાદેવ, બ્રહ્મા અને વિષ્ણુ કોણ છે. ખાલી સવા કરોડ લોકો સ્વામિનારાયણને જાણતા હશે. જ્યારે રોડ ઉપર ઉતરવાની વાત આવશે ત્યારે અમે રોડ ઉપર પણ ઉતરીશું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દર્શન સ્વામી જે રીતે વાત કરે છે તે રીતે અમને પણ લડતા આવડે છે. સમાજની અંદર જે પ્રણાલી ઉભી થઈ છે. તે ખોટી પ્રણાલી મન મરજી પ્રમાણે લોકો પર થોપી દેવાની વાત છે તે અમે સહન કરવા તૈયાર નથી. આવતીકાલની મીટિંગમાં જે નક્કી થશે તે પ્રમાણે અમે દરેક મુદ્દે લડી લેવા તૈયાર છીએ અને અમારી યુવા સેનાઓ પણ તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp