વડોદરામાં પિતાએ પુત્રને ગળેફાંસો આપી પોતે જીવન ટૂંકાવી લખ્યું- પત્નીનો ત્રાસ...

PC: twitter.com

છેલ્લા ઘણા સમયથી આપઘાતના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ચોંકાવનારો આપઘાતનો બનાવ વડોદરાના બાપોદ ગામમાં સામે આવ્યો છે. જેમાં બાપોદ ગામમાં રહીને રિક્ષા ચલાવી પોતાનું જીવન ગુજરાન ચલાવતા યુવકે પોતાના પુત્ર સાથે આપઘાત કરી લીધો છે. આ યુવકે આપઘાત કર્યા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, તેણે 'પોતાની પત્નીથી ત્રાસીને ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું છે.' જે અંગે હાલ તો બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો, વડોદરા શહેરનાં વાઘોડિયા રોડ પર આવેલ બાપોદ ગામ ખાતે વુડાના મકાનમાં રહેતા 32 વર્ષના પરેશ કનુભાઇ સીંકલીગરે પોતાના પુત્ર સાથે આપઘાત કરી લીધો છે. પરેશભાઇ રીક્ષા ચાલક હતા અને તેઓ પોતાના 11 વર્ષના પુત્ર તેમજ પત્ની આશાબેન સાથે રહેતા હતા. શનિવારના રોજ બપોરના સમયે પોતાના ઘરમાં જ તેમણે પહેલા પુત્રને ગળા ફાંસો આપીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ ઘરના બીજા રૂમમાં જઇને તેણે પોતે પણ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, મૃતક પરેશભાઈની પત્ની આશાબેન બંગલાઓમાં કામ કરવા જતી હોય છે જ્યાંથી તે બપોરના સમયે કામ કરીને જ્યારે ઘરે પરત ફરી ત્યારે તેણે ઘરનો દરવાજો નહીં ખૂલતાં બૂમો પાડી હતી. તો પણ અંદરથી કોઇએ દરવાજો ન ખોલતા. તેની બૂમો સાંભળીને આસપાસના લોકો પણ ત્યાં આવી ગયા હતા. ત્યારબાદ ચોથા માળેથી ઘરમાં જઈને એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો હતો.

જો કે, પત્ની અને આસપાસનાં લોકો દરવાજો ખોલતા જ એકદમ ચોંકી ગયા હતા. જે બાદ સમગ્ર ઘટનાની જાણ બાપોદ પોલીસને કરવામાં આવતા, પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ, સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ કરતાં પોલીસને ઘરમાંથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં પરેશભાઈએ આ અંતિમ પગલું ભરવા પહેલા પોતાની વ્યથા વર્ણવી હતી. તેમણે લખ્યુ હતુ કે, 'પત્નીનાં ત્રાસથી કંટાળીને હું આત્મહત્યા કરું છું. પરંતુ મારા માર્યા પછી પુત્રનું પણ મારી પત્ની ધ્યાન નહીં રાખે. જેથી તેની દુર્દશા થશે તેના કરતા તેને પણ સાથે લઇ જાઉં છું. આથી પુત્રની ચિંતા જ ના રહે.'

આ સાથે જ ચિઠ્ઠીમાં તેમણે લખ્યું છે કે, 'મારા બે મિત્રોએ મને આર્થિક સંકટમાં ખૂબ જ મદદ કરી છે. મારા મિત્રોએ મકાન ઉપર લોન લઇને મને પૈસા આપ્યા છે. મારા મિત્રોએ સખી મંડળમાંથી લોન લીધી છે. તેઓને હું પૈસા આપી શક્યો નથી તે બદલ હું માફી માંગુ છુ. મારી રિક્ષા વેચીને તેમને પૈસા પરત કરી દેજો. મારા મિત્રોએ મને અંતિમ સમયે મદદ કરી હતી.' આ સાથે જ પરેશભાઇએ વધુમાં લખ્યું છે કે, 'હું મોટી બહેનની માફી માંગુ છુ.' મોટી બહેનનાં રૂપિયા પણ પરત નહીં આપતા પરેશભાઈએ મોટી બહેનની પણ માફી માંગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp