વડોદરામાં શાંતિથી ચા પીતા ગ્રાહકોને PSI સહિત પોલીસકર્મીઓએ દોડાવીને માર્યા

PC: divyabhaskar.co.in

કોરોના મહામારીના સમયગાળામાં વડોદરાના છાણી વિસ્તારમાં ગુરુદ્રારામાં ઘુસીને ધર્મગુરુ સાથે બેહુદુ વર્તન કરીને વિવાદમાં આવેલા PSI કે. પી. ડાંગર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ખાખીની દાદાગીરી જોવા મળી રહી છે. PSI તેના સાથીઓ સાથે એક હોટલમાં ઘુસીને ગ્રાહકોને દંડાથી ફટકારી રહ્યા છે અને બધાને ભગાડી રહ્યા છે. હોટલના સંચાલકને પણ માર મારવામાં આવ્યો હતો. હોટલના માલિકે ઉચ્ચ પોલીસ અધિકારીને આ PSI સામે લેખિતમાં ફરિયાદ કરી છે. કોરોના મહામારી વખતે PSI ડાંગરની સામે ફરિયાદ થઇ હતી ત્યારે તેમની માત્ર બદલી કરી દેવામાં આવી હતી.

છેલ્લાં ઘણા સમયથી ગુજરાત પોલીસ એવું કહી રહી છે કે પોલીસ પ્રજાના રક્ષણ માટે છે અને પોલીસે પ્રજા સાથે સારું વર્તન કરવું જોઇએ. પોલીસથી પ્રજાએ ડરવું ન જોઇએ. પરંતુ વડોદરા પોલીસનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં તો પોલીસ નિદોર્ષ લોકોને રંજાડી રહી છે. હોટલ સામે પોલીસને કોઇ વાંધો હોય તો માલિકની પુછપરછ કરે, કે ધરપકડ કરે, જોઇએ તો હોટલ બંધ કરાવી દે,પરંતુ હોટલમાં આવેલા ગ્રાહકોને ફટકારવાનો શું મતલબ છે? આવા બેફામ પોલીસને કારણે જ પ્રજા પોલીસથી દુર ભાગે છે.

વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનના PSI કે પી ડાંગર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. PSI ડાંગર યાકુતપુરા સરસિયા તળાવ પાસે આવેલી એક હોટલમાં ઘુસી ગયા હતા અને હોટલમાં આવેલા ગ્રાહકો અને હોટલ માલિકને માર મારતો વીડિયો વાયરલ થયો છે.

PSI ડાંગર 14 માર્ચે રાત્રે 12 વાગ્યે મદાર હોટલમાં પહોંચી ગયા હતા અને હોટલમાં ચા પી રહેલા ગ્રાહકોને ભગાડ્યા હતા. PSI હોટલમાં ઘુસી રહ્યા છે અને લોકોને ધમકાવી રહ્યા છે એવા CCTV ફુટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. હોટલના માલિકે ઉચ્ચ પોલીસ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે.

હોટલના માલિક કુતબુદ્દીને પોતાના પરિવારને સાથે રાખીને DCPને ફરિયાદ નોંધાવી છે અને PSIના વર્તન સામે ન્યાયની માંગણી કરી છે. મદાર હોટલના માલિકે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, PSIએ જે વર્તન કર્યું છે તેના આખો મામલો CCTVમાં કેદ થયેલો છે. અમે પુરાવા સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરી છે, પરંતુ ન્યાય નહીં મળશે તો કોર્ટના દરવાજા ખટખટાવીશું.

PSI કે પી ડાંગર અગાઉ પણ વર્દીનો રોફ બતાવી ચૂક્યા છે. કોરોના મહામારી વખતે છાણી વિસ્તારમાં આવેલા ગુરુદ્રારામાં બુટ પહેરીને ઘુસી ગયા હતા અને ધર્મગુરુ સાથે બબાલ કરી હતી. શીખ સમાજની ઉગ્ર રજૂઆત બાદ ડાંગરની બદલી કરી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp