CR પાટીલના ગઢમાં દિગ્ગજ નેતાનું રાજીનામું, દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં ગરમાટો

PC: facebook.com/CRPatilMP

ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના જ ગઢમાં ભાજપના એક દિગ્ગજ નેતાએ રાજીનામું આપી દેતા દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.

લોકસભાની ચૂંટણીમાં વિપક્ષને કારમી હાર આપવા માટે વ્યૂહરચના ઘડવામાં વ્યસ્ત સીઆર પાટીલને તેમના જ ગઢમા મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સુરતમાં રહે છે. જેના કારણે છેલ્લા બે વર્ષથી સુરત રાજકીય પાટનગર બની ગયું છે. આ સાથે સુરત દક્ષિણ ગુજરાતનું કેન્દ્ર છે.

પાટીલને તેમના જ ગઢમાં આવતા ડાંગ જિલ્લામાંથી ઝટકો લાગ્યો છે. પાર્ટીના દિગ્ગજ અને મહેનતુ નેતા દશરથ પવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પવાર ડાંગ જિલ્લાના પ્રમુખની જવાબદારી સંભાળતા હતા. પવારે રાજીનામું પાટીલને મોકલી આપ્યું છે. પવારના રાજીનામાથી અચાનક દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.

ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે તેમના લેટરહેડ પર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને પત્ર લખીને તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે હું ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી રાજીનામું આપી રહ્યો છું. હું તમને તેનો સ્વીકાર કરવા વિનંતી કરું છું. આ લેટરપેડ પર નીચે દશરથ પવારે સહી કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીમાં આંતરિક ખેંચતાણને પગલે દશરથ પવારે રાજીનામું આપ્યું છે. જિલ્લામાં લાંબા સમયથી પક્ષ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. પક્ષ સંગઠનમાં આંતરિક ખેંચતાણ બાદ રાજીનામું આપનાર ડાંગના પ્રથમ જિલ્લા પ્રમુખ છે.

દશરથ પવારે એવા સમયે રાજીનામું આપ્યું છે જ્યારે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે રણનીતિ બનાવવામાં લાગેલા છે. વિધાનસભા ચૂંટણી બાદ તેમણે લગભગ 10 જિલ્લાના પ્રમુખ બદલ્યા છે. એવી પણ ચર્ચા છે કે આગામી દિવસોમાં વધુ કેટલાક શહેરો અને જિલ્લાઓના પ્રમુખો બદલવામાં આવશે. પવારના રાજીનામા પાછળ મતભેદો હોવાનું કહેવાય છે. એવી પણ ચર્ચા છે કે પક્ષના સંગઠનમાં આંતરિક ખેંચતાણના કારણેઆગામી દિવસોમાં વધુ હોદ્દેદારો સંગઠનના હોદ્દા પરથી રાજીનામા પડી શકે છે.

ડાંગ જિલ્લામાં ભ્રષ્ટાચાર અંગે ભાજપ પ્રમુખે થોડા દિવસો પહેલા અવાજ ઉઠાવ્યો હતો. ભાજપના જિલ્લા પ્રમુખના રાજીનામાના પગલે જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ડાંગ જિલ્લામાં માત્ર એક જ વિધાનસભા બેઠક છે. તેના પર ભાજપનો કબ્જો છે. ડાંગ જિલ્લો વલસાડ લોકસભા હેઠળ આવે છે. આમ આદમી પાર્ટી પણ આ આદિવાસી બહુલ જિલ્લામાં પોતાની હાજરી વધારવાનો પ્રયાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp