રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને રોકવા વિજ્ઞાન જાથાના ચેરમેન કલેક્ટર મળ્યા

PC: newsnationtv.com

ગુજરાતમાં બાગેશ્વર ધામના પિઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રાજકોટ, અમદાવાદ અને સુરતમાં યોજાવાનો છે. આ કાર્યક્રમોનું આયોજન થાય તે અગાઉ જ વિવાદ છેડાઇ રહ્યો છે. અમદાવાદ, સુરત અને રાજકોટથી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પડકાર ફેંકાઈ રહ્યા છે. હવે વિજ્ઞાન જાથાએ રાજકોટમાં કાર્યક્રમનું આયોજન ન કરવાની માગ કરી છે. વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવવામાં આવે છે ત્યારે આ બાગેશ્વર ધામના પિઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારવાળા કાર્યક્રમને પણ મંજૂરી ન મળવી જોઈએ તેવી માગ કરવામાં આવી રહી છે.

રાજકોટમાં યોજાનાર બાગેશ્વર ધામના પીઠાધીશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને વિવાદ વધી રહ્યો છે. રાજકોટ શહેરમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ યોજાવો ન જોઈએ તેવી માગ વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને મંજૂરી ન મળવી જોઈએ તેવી માગ વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવી રહી છે. આ મામલે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા રાજકોટ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળ્યા હતા.

જયંત પંડ્યાએ પોતાની રજૂઆત કરીને જણાવ્યું હતું કે, તેઓ કોઈ પણ જાતના લાઇસન્સ કે અન્ય મંજૂરી વિના તેઓ મેડિકલ સારવાર કે પ્રપંચ કરે છે, જે રોકવી જોઈએ. જયંત પંડ્યાએ કહ્યું કે, આવા તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ, બાબાને વિજ્ઞાન જાથા દ્વારા ચેલેન્જ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. અમારા 50 લોકો બાબાના દરબારમાં હશે, બાબા તેમના નામ અને અન્ય વસ્તુઓ જાહેર કરે તેવી ચેલેન્જ પણ કરવામાં આવી હતી. વિજ્ઞાન જાથા દાયકાઓથી કામ કરે છે અમે કોઈથી ડરતા નથી. જે કોઈ પણ આવે અમે ક્યારેય પીછેહટ કરી નથી.

તેમણે આગળ જણાવ્યું કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાની વિશ્વસનીયતા સાબિત કરે, લોકોને ભરમાવવા અને બંધારણનો ભંગ કરવા બાબતે તેની સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માગ વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવી હતી. હિન્દુ ધર્મ કે સનાતનને અમે માનીએ છીએ, પરંતુ જે કૃત્ય સનાતનના નામે કામ કરે તે ક્યારેય સ્વીકારી ન શકાય. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ, અમે પુરાવા ભેગા કરી રહ્યા છે, પેન ડ્રાઇવમાં પુરાવા પોલીસ કમિશનરને આપશું. અમારી સંસ્થાનું કામ લોકોને જાગૃત કરવાનું છે. રાજકોટમાં જે બાબા બાગેશ્વર ધામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે મુદ્દે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp