વિજય રૂપાણી અને નીતિન પટેલના સારા દિવસો આવી રહ્યા છે, આ રેસમાં આગળ

PC: financialexpress.com

ગુજરાતમાં નો રિપીટ થિયરી લાગૂ થતા પહેલાં લાંબા સમય સુધી સરકારનો ચહેરો રહેલા વિજય રૂપાણી અને નીતિન પટેલના સારા દિવસો ફરી આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે ભૂતપૂર્વ નેતાનું લેબલ લાગીને ઘરે બેઠેલા આ બંને નેતાઓને ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની ટિકીટ મળી શકે છે. રાજ્યમાં ખાલી થઇ રહેલી સીટ માટે વિજય રૂપાણી અને નીતિન પટેલના નામ રેસમાં સૌથી આગળ છે.

ગુજરાતમાં પાંચ વર્ષથી વધારે સમય સુધી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સંભાળનારા વિજય રૂપાણી અને નીતિન પટેલનો એકાંતવાસ જલ્દી ખતમ થઇ શકે છે. પાર્ટીના આ બંને સિનિયર અને દિગ્ગજ નેતાઓ વર્ષ 2023માં રાજ્યસભામાં પહોંચી શકે છે.

ગુજરાતમાં રાજ્યસભામાં 3 બેઠકોનો કાર્યકાળ ઓગસ્ટ 2023માં પુરો થઇ રહ્યો છે. એવામાં જુલાઇના અંત સુધીમાં બંને નેતાઓને રાજ્યસભામાં મોકલવાની જાહેરાત થઇ શકે છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં વિજય રૂપાણી અને નીતિન પટેલ ચૂંટણી લડ્યા નહોતા. વિજય રૂપાણીને તો અત્યારે ભાજપે પંજાબના પ્રભારી બનાવેલા છે, પરંતુ નીતિન પટેલ પાસે તો કોઇ ખાસ જવાબદારી નથી.

ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગુજરાતમાં રાજ્યસભામાં કુલ 11 સીટ છે. જેમાંથી 7 સીટ ભાજપ પાસે છે, 3 કોંગ્રેસ પાસે છે. ભાજપની ગુજરાત રાજ્યસભામાં જે 7 સીટ છે, તેમાંથી 3 સીટનો કાર્યકાળ ઓગસ્ટ 2023માં પુરો થવાનો છે. અત્યારે આ સીટ પર રાજ્યસભાના સભ્ય તરીકે એસ. જયશંકર, જુગલજી માથુરજી ઠાકોર અને દિનેશચંદ્ર અનાવડિયા છે.

એવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે કે, એસ. જયશંકર ફરી એકવાર ગુજરાત રાજ્યસભાના સભ્ય બને. બાકીના બે રાજ્યસભા સભ્યોને બદલે વિજય રૂપાણી અને નીતિન પટેલના નામ રેસમાં સૌથી ઉપર છે. વિજય રૂપાણી એક વખત રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે, જ્યારે ચાર મુખ્યમંત્રીઓ સાથે કામ કરી ચૂકેલા નીતિન પટેલને તક મળશે તો તેઓ પહેલીવાર રાજ્યસભામાં પહોંચશે.

રાજ્યસભામાં જ્યાં ઓગસ્ટ 2023માં 3 સીટો ખાલી થઇ રહી છે તો વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી પહેલાં એપ્રિલ મહિનામાં અન્ય 4 સીટો પણ ખાલી થઇ રહી છે. આ 4માંથી 2 ભાજપ પાસે છે અને 2 કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસના પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારાયણ સિંહ રાઠવા અને અમી યાજ્ઞિક અત્યારે રાજ્યસભાના સભ્ય છે અને ભાજપ તરફથી મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા રાજ્યસભાના સભ્ય છે.બંને નેતાઓને ભાજપ ફરી રિપીટ કરે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાસે રહેલી રાજ્યસભાની બેઠકો પર લોકસભા ચૂંટણીથી ભાજપ તેના વધુ બે નેતાઓને રાજ્યસભામાં મોકલી શકશે. ગુજરાતમાં ભાજપની જંગી જીત બાદ, જૂન 2026માં ભાજપ તમામ 11 બેઠકો કબજે કરી લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp