ખબર છે? ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સુરત આવીને શું કરી ગયા?
ગુજરાતમાં મહિલા સશક્તિકરણનાં અભિયાનની વાત નીકળે તો એક નેતાનું નામ અચૂક રીતે આવી જાય છે અને તે નામ છે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને હાલ ભારત દેશના સૌથી મોટા રાજ્ય યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલનું. આનંદીબેન પટેલ તાજેતરમાં સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતની મુલાકાત દરમિયાન આનંદીબેન પટેલે પુત્રી અનાર પટેલના એક્ઝિબિશનનું ઉદ્ધાટન કર્યું. એરપોર્ટ પર મેયર દક્ષેણ માવાણી, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા અને સુરતના ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સહિત ભાજપના કાર્યકરોએ આવકાર્યા હતા.
આનંદીબેન પટેલની આ સત્તાવાર યાત્રા હતી. સ્ટેટ ગેસ્ટનો દરજ્જો હતો. નામી નેતાઓ તેમને મળ્યા હોય એવું જાણવા મળતું નથી. આનંદીબેન પટેલ ગુજરાત સરકારમાં 1987થી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સભ્ય રહ્યા છે. તેઓ 2002થી 2007 સુધી શિક્ષણ વિભાગમાં કેબિનેટ મંત્રી હતા. બાદમાં નરેન્દ્ન મોદી વડાપ્રધાન બનતા આનંદીબેને ગુજરાતમાં સત્તાના સૂત્રો હાંસલ કર્યા હતા અને ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે 7 ઓગસ્ટ 2016 સુધી પોતાનો પદભાર સંભાળ્યો હતો.
મોદીકાળની 13 વર્ષની આભાને જાળવી રાખવાનો મોટો પડકાર હતો અને આનંદીબેને મોદીકાળની આભાને બરકરાર રાખવાનું કામ કર્યું. કમનસીબે પાટીદાર આંદોલન થયું. પાટીદાર આંદોલનમાં પણ આનંદીબેનની મુત્સદ્દીગીરીથી સમગ્ર મામલાને હળવે હાથે ઉકેલીને ગુજરાતને એક મોટી વિપદામાંથી બહાર કાઢવાની કૂનેહ આનંદીબેને દર્શાવી હતી. બ્યુરોક્રેટ્સ પર તેમની પકડ, હાક, ધાક અને શાખની ચર્ચા સતત થતી રહી છે અને આજે પણ થાય છે.
આનંદીબેનના શાસનકાળને નેવર બિફોર, એવર આફટર( ન ભૂતો, ન ભવિષ્યતિ) જેવો ગણવામાં આવે છે. મહિલા સશક્તિકરણ ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં કુપોષણ સામેના જાગૃતિ અભિયાનમાં આનંદીબેનની આગેવાની હેઠળની સરકારે અનેક સીમાસ્તંભો અંકિત કર્યા હતા. તેઓ ગુજરાત ભાજપના અતિ મહત્વના નેત્રી (મહિલા નેતા, મહિલા આગેવાન) બન્યા. માત્ર યુપી જ નહીં તેમણે મધ્યપ્રદેશ, છત્તીસગઢના રાજ્યપાલ તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.
ઘણાને ખબર નહીં હોય કે આનંદીબેન પટેલની રાજકીય યાત્રા 1987માં કેવી રીતે શરુ થઈ હતી. બન્યું હતું કે 1987માં આનંદીબેન પટેલ શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા હતા. 1987 આનંદીબેન પટેલની રાજનૈતિક સફર એક સ્કૂલ પિકનિક દરમિયાન શરૂ થઈ. જ્યારે તેમણે સરદાર સરોવર જળાશયમાં ડૂબી રહેલી બે છોકરીઓને બચાવવા માટે પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. જે બદલ તેમને રાષ્ટ્રીય વિરતા પુરસ્તારથી સન્માનિત કરાયા હતા.આનંદીબેન પટેલની વિરતાથી પ્રભાવિત થઈ ભાજપની ટોચની નેતાગીરીએ આનંદીબેન પટેલને પાર્ટીમાં સામેલ થવા સુચવ્યું.શરુઆતમાં તેમણે રાજકીય પાર્ટીમાં સામેલ થવામાં સંકોચ કર્યો હતો, જો કે નરેન્દ્ર મોદી અને કેશુ પટેલ દ્વારા સમજાવાતા તેઓ ભાજપમાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચાનાં અધ્યક્ષ રૂપે સામેલ થયા હતા.
ગુજરાત માટે મહિલા નેતામાં કાઠું કાઢનારા આનંદીબેન પટેલ હાલ સંવૈધાનિક હોદ્દા પર બિરાજમાન છે પણ ગુજરાત અને ગુજરાત ભાજપ માટે તેમણે કરેલા કાર્યો જોતાં તેમની સુરત મુલાકાતને માત્ર ઔપચારિક મુલાકાત બનાવી દેવાઈ. સ્ટેટ ગેસ્ટનો પ્રોટોકોલ હોવા છતાં આનંદીબેન પટેલને આવકારવા મોટા નેતાઓ જોવા ન મળતા ચર્ચા થવી અપેક્ષિત બની જાય છે. જે હોય તે, કોઈ માન આપે કે ન આપે, આનંદીબેન પટેલ ગુજરાતના મહિલા રત્ન છે,અને ગુજરાતના લોકોના દિલોમાં આનંદીબેન પટેલ પ્રત્યે ભારોભાર માન-સન્માન અને ગૌરવ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp