26th January selfie contest

યુવતીનો હત્યારો કોણ?પાટણમાં પાણીની પાઈપમાંથી મળેલી લાશ લવીનાની

PC: aajtak.in

ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં પાણીની પાઈન લાઈનમાં મળેલી અડધી લાશ 25 વર્ષની યુવતી લવીના હરવાણીની હોવાનું સાબિત થયું છે. DNA ટેસ્ટમાં યુવતીના સેમ્પલ પરિવાર સાથે મેચ થયા હતા. આ સાથે સવાલ એ ઊભો થયો છે કે લવીનાની ડેડબોડી પાણીની પાઈપલાઈન સુધી કેવી રીતે પહોંચી? લવીનાનું મૃત્યુ કેવી રીતે થયું? શું તેની કોઈએ હત્યા કરી છે કે, પછી આ આખો મામલો આત્મહત્યા સાથે સંબંધિત છે. આ બધા પ્રશ્નોને સામે રાખીને પાટણ પોલીસ તપાસ કરી રહી છે.

પાટણ જિલ્લાના સિદ્ધપુર નગરમાં રહેતી લવીના હરવાણીની સગાઇ અમદાવાદના એક યુવક સાથે નક્કી થઇ હતી. પરિવારમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, તેમ છતાં લવીના 7 મેના રોજ ગુમ થઈ ગઈ હતી. પુત્રી વિશે કોઈ માહિતી ન મળતા પરિવારે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ સાબિતી મળતી ન હતી. બીજી તરફ નગરના એક મોટા વિસ્તારમાં દુર્ગંધ મારતું પાણી આવતું હોવાની લોકોએ ફરિયાદ કરી હતી. પાલિકાએ થોડા દિવસો સુધી આ તરફ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ લોકોની ફરિયાદો વધી જતાં પાલિકાની ઉંઘ હરામ થઈ ગઈ હતી. નગરપાલિકાએ તપાસ કર્યા બાદ ખોદકામ કર્યું ત્યારે, પાણી પુરવઠાની દિવાલની લાઈનમાં એક ફસાયેલી લાશ મળી આવી હતી. પાલિકાએ મૃતદેહના સેમ્પલ લીધા બાદ અંતિમ સંસ્કાર કર્યા હતા.

અડધી લાશ પરથી પોલીસ યોગ્ય રીતે ઓળખી શકી ન હતી. જ્યારે DNA ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે પાઈન લાઈનમાં મળેલા મૃતદેહના DNA લવીનાના પરિવાર સાથે મેચ થયા હતા. આ પછી લવીનાનું મૃત્યુ કેવી રીતે થયું? શું કોઈએ તેને મારી નાખી? હવે પોલીસ આ પ્રશ્નોની તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે લવીના છેલ્લે એક CCTVમાં જોવા મળી હતી. સિદ્ધપુર નગરની ગુરુનાનક સોસાયટીમાં રહેતી લવીનાના પરિવારના જણાવ્યા મુજબ, લવીના 7 મેના રોજ સાંજે ગુરુદ્વારા જવાનું કહીને ઘરેથી નીકળી હતી, પરંતુ તે પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.

25 વર્ષની લવીનાનું મોત સિદ્ધપુર પોલીસ માટે મોટું રહસ્ય બની ગયું છે. મોટો પ્રશ્ન એ છે કે લવીનાના લગ્ન નક્કી થઇ ગયા હતા. લગ્ન પહેલા લવીનાએ પ્રી-વેડિંગ શૂટ પણ કર્યું હતું. તે અચાનક કેવી રીતે મૃત્યુ પામી? એટલું જ નહીં, પાણીની પાઈન લાઈનમાં મળેલી લાશ અડધી અધૂરી હતી. તેને માથાની સાથે હાથ અને પગ પણ નહોતા. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે, લવીનાનું બાકીનું શરીર ક્યાં ગયું? નગરમાં દુર્ગંધ મારતું પાણી સપ્લાય થયા પછી, તબક્કાવાર ખુલી રહેલા આ કેસમાં પોલીસ સામે સવાલોનું લાંબુ લિસ્ટ છે, જેના જવાબ પોલીસ પાસે પણ નથી.

પાટણ ડેપ્યુટી SP K.K.પંડ્યાના જણાવ્યા મુજબ, DNA રિપોર્ટ મેચ થયો છે. તો PM રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, લાંબા સમય સુધી પાણીના સંપર્કમાં રહેવાથી શરીરના અંગો પણ અલગ થઈ શકે છે. પંડ્યાએ જણાવ્યું કે, PM રિપોર્ટમાં શરીર પર મળેલી ઈજાઓ વિશે કહેવામાં આવ્યું છે કે, આ તમામ ઈજાઓ મૃત્યુ પછીની છે, બીજી તરફ સિદ્ધપુર નગરપાલિકા દ્વારા આ કિસ્સો બહાર આવ્યા બાદ દુર્ગંધ મારતા પાણીના પુરવઠા અંગે તાત્કાલીક પગલા ન લેવાતા અને પોલીસ દ્વારા ગુમ થયાના અહેવાલ બાદ પણ ગંભીરતાથી તપાસ ન કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, નગરપાલિકા અને પોલીસ વહીવટીતંત્રે પોત પોતાના ક્ષેત્રે થોડી વધુ તત્પરતા બતાવી હોતે તો લોકોને ઘણા દિવસો સુધી આ દુર્ગંધ મારતું પાણી પીવું ન પડત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp