
(દિલીપ પટેલ, અમદાવાદ) 200 રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધી વેચાતી સાડી આસામની મહિલાઓની ઓળખ છે. જે સાડી સુરતમાં બને છે. આસામરી અસલી સીલ્કની સાડીઓ પરંપરાગત વણાટનો ખજાનો છે જે સાડી માટે સ્ત્રીઓ ગર્વ અનુભવે છે. આસામી મહિલાઓનો પરંપરાગત પહેરવેશ મેખલા ચાદર છે. એક રીતે, આસામમાં સાડીના બે ટુકડા છે જેને 'મેખલા ચાદર' કહેવામાં આવે છે.
આસામ સરકાર દ્વારા ગુજરાતના સિલ્ક સિટી ગણાતાં સુરતમાં ઉત્પાદિત થતી મેખલા ચાદોર સાડી ઉપર પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં એક રાજ્ય બીજા રાજ્ય પર વેપાર ધંધાનો પ્રતિબંધ મુકે તે કદાચ પેહલી ઘટના હશે. બન્ને રાજ્યોમાં ભાજપની સરકાર અને કેન્દ્રમાં ભાજપની ભાજપ સરકાર છે.
ગુજરાત રાજ્યના સુરતમાં 1500થી 3 હજાર કરોડ રૂપિયાનો મેખલા ચાદોર સાડીનો વેપાર આસામ સાથે થઈ રહ્યો હતો. તેનું નુકશાન વેપાર જગતને ભોગવવું પડશે. સુરતમાં ઉત્પાદિત મેખલા ચાદોર સાડીઓનું વેચાણ તથા મોટા પ્રમાણમાં રો મટીરીયલ યાર્ન - ઝરી પણ ત્યાં મોકળવવામાં આવે છે.
સુરતના વણકરો
ટેક્ષટાઇલ નગરી સુરતનો કાપડ ઉદ્યોગ દરરોજ 3 કરોડ મીટર તમામ પ્રકારનું કાપડ તૈયાર કરે છે. રોજનું ટર્નઓવર પણ 100 કરોડ સુધીનું હોય છે.
સુરત શહેરમાં 250 વણકરો રેપિયર જેક્વાર્ડ પર અને એક હજાર પાવરલૂમ પર કાપડનું ઉત્પાદન કરે છે. સુરતમાં બનતી આ આસામી સિલ્ક સાડીના પોલિએસ્ટર વર્ઝન પર અને આસામ જવા પર પ્રતિબંધ મુકવામાં આવેલો છે. ટેકસટાઇલ ઉદ્યોગના 5 હજાર વધુ ટ્રેડર્સ, વિવર્સ સહિત કામદારોની રોજી રોટી ઉપર અસર પડી છે.
સુરતમાંથી દર મહિને 500 કરોડની સાડીઓ આસામ મોકલવામાં આવતી હતી. આસામ હેન્ડલૂમ બોર્ડના હસ્તક્ષેપથી, આસામ સરકારે 1 માર્ચના રોજ આસામી સિલ્ક પોલિએસ્ટર વેરિઅન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે, આસામી પોલિએસ્ટર સાડીઓના પોલિએસ્ટર સંસ્કરણથી સ્થાનિક હેન્ડલૂમ ઉદ્યોગોને ભારે નુકસાન થશે. 14 માર્ચએ બિહુ તહેવાર પર તેની ખાસ માંગ છે, જેમાં વેપારીઓને એક હજાર કરોડનું નુકસાન થવાની સંભાવના છે. જો કે તે હેન્ડલૂમથી 7 થી 30 હજાર રૂપિયામાં વેચાય છે. સુરતનું આ કાપડ 250 થી 300 રૂપિયામાં વેચાય છે.
રાજ્ય કક્ષાના કાપડ મંત્રી દર્શના જરદોશ સુરતના સાંસદ હોય ત્યારે મોસાળમાં જમણ હોય અને સુરત ભૂખ્યું રહે તેવી સ્થિતિ બની છે.
વિવિધ ટેકસટાઇલ એસોસિયેશનએ કાપડ મંત્રીને રજૂઆત કરી હતી કે સુરતના વેપારીઓનો કાપડનો માલ અને પૈસા આસામમાં અટવાયા છે. આગામી દિવસોમાં વેપારને મોટું નુકશાન થાય તેવી ચિંતા દર્શાવી હતી. ભાજપના મુખ્યમંત્રી મક્કમતાથી આસામ સરકાર સાથે નિર્ણય પાછો ખેંચવડાવે. આંતરરાજ્ય વેપારમાં આ પ્રકારના પ્રતિબંધ આવનારા સમયમાં મુક્ત વેપાર વ્યવસ્થા માટે ચિંતા ઉપજાવે છે. રાજ્યો આ પ્રકાર ના પ્રતિબંધ લાવશે તો વેપાર કેમ થશે?
હાલ 100 કરોડથી વધારેની મેખલા સાડીનો જથ્થો છે. થોડા દિવસોમાં વેપારીઓનો વાર્ષિક 1200 કરોડથી વધુના વેપાર પર અસર થશે. આ બાબતને લઈને ગુજરાત વિવર્સ વેલ્ફેર એસો. (ફોગવા) દ્વારા પણ કેન્દ્રિય રાજ્ય કક્ષાના ટેક્સટાઈલ મંત્રી દર્શના જરદોશને દિલ્હીમાં જઈને રજૂઆત કરશે.
બે રાજ્યો વચ્ચેના સંબંધો ખરાબ
ગુજરાત વિવર્સ વેલ્ફેર એસો.પ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું હતું કે, ‘આસામમાં સુરતની સાડી બેન કરવામાં આવે તે યોગ્ય વાત નથી, બે રાજ્યો વચ્ચેના સંબંધો ખરાબ થવાની શક્યતા છે. PM મોદી અને CM ભુપેન્દ્ર પટેલે દરમિયાનગીરી કરી આસામના CM હેમંતા બિસવા શર્મા જોડે વાતચીત કરી સમસ્યાનું નિવારણ લાવવું જોઈએ.
અસલી નકલી
સુલકુચી રેશમ લૂમ્સ અને મુગા સિલ્કની અસલી સાડી હોય છે. સુઆલકુચી આસામમાં રેશમ-વણાટનું મુખ્ય કેન્દ્ર છે. સુઆલુ એ વૃક્ષ છે જેના પાંદડા મુગા રેશમના કીડાને ખવડાવવામાં આવે છે. કુચી એટલે ક્લસ્ટર. સુલકુચી નિષ્ણાત આસામી વણકરોનું ઘર છે. રેશમની ત્રણ મુખ્ય જાતો છે - ગોલ્ડન મુગા, સફેદ પેટ અને ગરમ એરી જે હેન્ડલૂમ ઉદ્યોગો માટે છે.
મેખલા ચાદર સાડી પ્યોર સિલ્કની બનેલી હોવાથી તેની કિંમત 8,000 થી 10,000 રૂપિયા સુધીની છે, જ્યારે આ પોલિએસ્ટર સાડી સુરતમાં ગ્રાહકોને 700 થી 800 રૂપિયામાં મળે છે.
સાડી એ કાપડના બે ટુકડા છે જે શરીરની આસપાસ ચુસ્તપણે વીંટાળેલા છે.
નીચેનો ભાગ, કમરથી નીચે લપેટાયેલો છે, તેને મેખેલા કહે છે. તે એક પહોળા નળાકાર કાપડનો ટુકડો હોય છે, જેને ફોલ્ડ કરીને કમરની આસપાસ ફિટ કરવામાં આવે છે. પ્લીટ્સ જમણી તરફ ફોલ્ડ કરવામાં આવે છે. મેખલાને કમરની આસપાસ બાંધવા માટે ક્યારેય દોરા કે નાડુનો ઉપયોગ થતો નથી.
ટુ-પીસ ડ્રેસનો ઉપરનો ભાગ, જેને ચાડોર કહેવાય છે, છેડો નાભિની ઉપર મેખલાની ટોચ પર રહેલો છે અને બાકીનો ભાગ છાતીની આસપાસ વીંટળાયેલો છે.
વણાટ સામગ્રીમાં કપાસ, મુગા, પૅટ રેશમ અને એરી સિલ્ક છે. હવે ઓછી કિંમત લાવવા કૃત્રિમ સામગ્રી સાથે પેટ સિલ્કના વિવિધ મિશ્રણો સાથે બનાવવામાં આવે છે.
બીજા 10 રાજ્યો પ્રતિબંધ મૂકી શકે છે.
ગુજરાતના પાટણના અસલી પટોડાને સીન્થેટીક દોરાએ ખતમ કરી દીધા છે. ગુજરાત પટોળા, બાંધણી, ઘરચોળા અને અજરખ સાડીઓ પર પ્રતિબંધ નહીં.
ગુજરાતમાં પાટણના પટોળાની સીલ્ક સાડી છે. તેની સીન્થેટિક પટોળા સાડી રાજકોટ જિલ્લામાં બને છે. ડબલ ઈકતમાં વણાયેલા રેશમના પટણ-પટોળા સ્વપ્નમય લાગે છે. આ વણાટને 12મી સદીમાં રેશમના યાર્નના ઉત્તમ સાલ્વી વણકરો દ્વારા મહારાષ્ટ્રથી ગુજરાતમાં લાવવામાં આવી હતી. તેનું નામ ચાલુક્યોની રાજધાની પાટણ પરથી રાખવામાં આવ્યું હતું. સોલંકી વંશ સાથે ગાઢ રીતે સંકળાયેલું હતું. ઘળચોળા અને જામનગરની બાંધણી સાડી છે. કચ્છ પ્રદેશના સૌથી જૂના ટેકનિકલ બ્લોક અજરખની સાડી બને છે.
આ તમામ સિલ્કના બદલે સીન્થેટીક દોરાથી નકલી બને છે. તો શું ગુજરાત સરકાર પ્રતિબંધ મૂકશે ?
મહારાષ્ટ્રની પૈઠાણી
મહારાષ્ટ્રની પૈઠાણી સાડી ફ્લોરોસન્ટ રંગોમાં લગ્નમાં જોવા મળતી ખાસ સાડી છે. ઔરંગાબાદ નજીક પૈઠાણ બને છે. ઉચ્ચ ગુણવત્તાના રેશમ સાથે સોનેરી અથવા ચાંદીના રંગના ઝરી દોરા વડે બનાવવામાં આવેલ બોર્ડર અને હેમ જોવા જેવું છે. આ સાડી પણ સુરતમાં બને છે તો શું મહારાષ્ટ્ર પણ પ્રતિબંધ મૂકશે?
રાજસ્થાન
કોટા દોરિયા, બાંધણી, લહેરિયા અને બ્લોક પ્રિન્ટની મળતી સાડીઓની ખાસિયત એ છે કે તેઓ ત્યાંની ગરમીનો સામનો કરે છે. જોધપુરી બાંધણી, રાય બાંધેજ, શિફોન અને જ્યોર્જેટના કપડાંમાં બને છે. રાજસ્થાની દેબુ, સાંગાનેરી અને બગરુની બ્લોક પ્રિન્ટ ટસર, મલબાર, કોસા સિલ્કની સાડી બને છે, શું રાજસ્થાન પ્રતિબંધ મૂકશે?
તેલંગણા
તેલંગાણાના વણકરો પોચમપલ્લી, ગડવાલ, નારાયણપેટ, મંગલગિરી, ગોલ્લાભામા સીલ્ક સાડીઓ બનાવે છે, જે મોટે ભાગે તેમના ગામોના નામથી ઓળખાય છે. શિયાળામાં સાડી ગરમ રાખે છે. શું તેલંગળા પ્રતિબંધ મૂકશે?
આંધ્ર પ્રદેશ - તેલિયા રૂમાલ
આંધ્ર પ્રદેશના ગોદાવરી જિલ્લામાં આવેલું ગામ બંદરુલંકામાં સુંદર હેન્ડલૂમ સાડીઓ માટે પ્રખ્યાત છે. 80 કાઉન્ટ યાર્નનો ઉપયોગ કરીને વણાયેલી સુતરાઉ સાડી છે. તેલિયા રૂમાલ એ કાપડનો ચોરસ ટુકડો છે. જે વણાટ પહેલાં દોરાને ગૂંથીને રંગવાની પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. તેલયુક્ત ટેક્સચર અને ગંધ આપવા માટે તેલમાં પ્રક્રિયા કરવામાં આવે છે. બ્લોક પ્રિન્ટ અને હેન્ડ પેઈન્ટેડ કલમકારી સુધીની સાડીઓ બને છે. આંધ્રની તેમની વિશેષ ઓળખ છે. તે પણ સુરતમાં બને છે તો શું આંધ્ર પ્રદેશ પ્રતિબંધ મૂકશે?
કર્ણાટક - ઇલ્કલ
સુતરાઉ અને સિલ્કના દોરાથી બનેલી ઇલ્કલ સાડી એ ઉત્તરીય કર્ણાટકની છે. રંગીન, ચમકદાર બોર્ડર અને વિશિષ્ટ ડિઝાઈનમાં વણાયેલા પલ્લા છે.
તમિલનાડુ - કાંજીવરમ
કાંજીવરમ સિલ્ક અને કોટનથી બને છે. મદુરાઈના સુંગુડી, કોઈમ્બતુરની આસપાસના કોરા, કરાઈકુડીના ચેટ્ટીનાડ, વદમાનપક્કમના કાંચી કોટન, મયલાદુથુરાઈના કોરાનાડુ અને વીરવનલ્લુર, થિરુનેલ સૈરુવેલીના ચેદીબુટ્ટા છે. ચેટીનાદની 100 અને 1000 બુટા સાડીઓની સુંદરતા મંદિરોની દીવાલો જેવી છે. કોઈમ્બતુર સિલ્ક, કારા સિલ્ક, નાના શહેર તિરુવન્નામલાઈ અરાની અથવા અરનીના મલબેરી સિલ્ક સાડી છે. રાસીપુરમમાં વણાયેલી અરાની સાડીઓ છે.
કેરળ -કસાવુ સાડી
કસવુ અથવા કસાવુ સાડી કેરળના સિલ્કની છે. કેરળની ઓળખ છે. સોનેરી ઝરી બોર્ડર અને આંચળ છે, જે દૈવી સૌંદર્ય મહિલાઓને આપે છે. મલયાલી સમુદાયનો સાંસ્કૃતિક પહેરવેશ છે.
ઓડિશા
ઓડિશાના દરેક ગામમાં મિરગન વણકરોએ ઈક્કતની કળાને ભારત સુધી પહોંચાડી છે, જે શેતૂરથી લઈને તસર જેવા રેશમના દોરાથી બનાવે છે. પાસપલ્લી અને નવ બ્લોકની નવકોઠી, બ્રહ્મપુરી, તારાબલી, નીલચક્ર વગેરે ખાસ બોર્ડર પલ્લુમાં બનાવવામાં આવતી સિલ્કની સાડીઓ છે. ઓરિસ્સામાં ઓછી કિંમતનો કપાસ પાકે છે તેમાં પણ સાડી બને છે. સુતા લુગા, ડોંગરિયા, કારગિલ, કટકી, હબાસપુરી, કાઠીફેરા, પીતાલા વગેરે નામોથી સાડી ઓળખાય છે. વણાટની મહેનતના આધારે કિંમત નક્કી કરવામાં આવે છે.
પાકિસ્તાન પણ
ગેનાજી સુથાર પાકિસ્તાનના નગરપારકરથી 1971માં પહેલા રાજસ્થાનના બાડમેર અને પછી બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આવીને વસ્યા હતાં. પાકિસ્તાનથી કારીગરી સાથે લઈને આવ્યા હતા. પાકિસ્તાની એપ્લિક વર્કની પાકિસ્તાની સાડીની પાંરપરિક કારીગરીને દેશભરમાં પ્રખ્યાત કરી છે. ભારતમાં ફક્ત અહીં જ પાકિસ્તાની સાડી બને છે. કાપડ લાવીને તેના પર ડિઝાઇન છાપે છે. ત્યારબાદ લાકડાના પાટ પર હથોડી અને છીણીના ઉપયોગથી કટ કરે છે. આ કાપેલા કાપડના નીચે એક બીજું કાપડ મૂકીને ઉપરના કાપડને વાળીને ટાંકા લેવામાં આવે છે અને છેલ્લે તે તૈયાર થાય છે. સાડીનો ભાવ 5 હજારથી લઈને 50 હજાર રૂપિયા સુધીનો છે.
સિલ્કી ભારત
સિલ્ક માર્કનો ઉદ્દેશ સિલ્કના સામાન્ય પ્રમોશન અને ભારતીય સિલ્કની દેશ-વિદેશમાં બ્રાન્ડ ઇક્વિટી બનાવવાનો છે. પટોળા સિલ્ક સાડી ટોચની પાંચ રેશમ વણાટમાંથી એક છે જે દરેક ભારતીય સાડી પ્રેમી પોતાના કપડાના કબાટમાં હોય તેવું ઈચ્છે છે.
ભારતમાં રેશમનું ઉત્પાદન 2020-21માં 32,763 ટન હતું. 2021-22માં તે વધીને 35 હજાર ટનની આસપાસ હતું. જે ભારતની મહિલાઓને શુદ્ધ સિલ્કી સાડી પૂરી પાડી શકે એવી ક્ષમતા ધરાવતું નથી. તેથી સિન્થેટીક સિલ્કની સાડીની જરૂર છે.
સુરતની કૃત્રિમ સિલ્કી સાડી પ્રખ્યાત છે.
ભારતમાં કુદરતી રેશમના કપડાની નિકાસ 2015-16માં રૂ.2496 કરોડ, 2016-17માં 2093 કરોડ, 2019-20માં અંદાજે 3 હજાર કરોડ રૂપિયાની નિકાસ થઈ હોવાની શક્યતા છે.
2011-12માં 1685 મીનીયન ટન હતું. જે 2019-20માં 8500 મી.ટન ઉત્પાદન ભારતમાં કરવાનો લક્ષ્યાંક હતો.
સિલ્ક માર્ક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયાએ ક્વોલિટી એશ્યોરન્સ લેબલ છે, જે શુદ્ધ રેશમનું બનેલું છે. તેને સિલ્ક યાર્ન, સાડીઓ, ડ્રેસ મટિરિયલ્સ, મેડ અપ, ફર્નિશિંગ મટિરિયલ્સ અને અન્ય સિલ્ક પ્રોડક્ટ્સ સાથે જોડી શકાય છે જે 100% નેચરલ સિલ્કથી બનેલા હોય છે.
4300થી વધુ સભ્યો અને 4.3 કરોડથી વધુ સિલ્ક માર્ક લેબલવાળા ઉત્પાદનો બજારમાં છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારીમાં રેશમની ખેતી 1984થી થાય છે. હવે મહેસાણા, વડોદરા, ખેડામાં ખેતી થવા લાગી છે. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયમાં ખેડૂતોને સેરીકલ્ચરની તાલીમ 2016થી આપવામાં આવે છે.
સુરતના 700 રેશમ ઉત્પાદકો અને દેશભરના 3,000 રેશમ ઉત્પાદકો છે. 85થી 1 કરોડ લોકોને તેમાં રોજગારી સિલ્કમાં મળે છે.
ભારતમાં કાપડથી લગભગ 23 થી 25 લાખ લોકોની રોજગારી અને લગભગ 4 કરોડ લોકોની આજીવિકા મેળવે છે.
હાલમાં રાજ્યમાં એકમાત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં માસિક 1000 કિલો સિલ્ક પ્રોસેસિંગ થઈ રહ્યું છે. ગુજરાતમાં કુલ માગ સામે 50-60 ટકા જ સિલ્કનું પ્રોસેસિંગ થઇ રહ્યું છે.
ગુજરાતી પટોળામાં કાચા માલ તરીકે વપરાતા સિલ્ક યાર્નની હંમેશા આયાત કરવી પડે છે. ગુજરાત સિલ્ક યાર્ન ઉત્પાદન કરી શકશે. કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાંથી કોશેટો મગાવી પ્લાન્ટમાં સિલ્ક યાર્ન પર પ્રોસેસિંગ થાય છે. 3000 ચોરસફૂટમાં વિસ્તરેલા પ્લાન્ટમાં માસિક 1000 કિગ્રા સિલ્ક પ્રોસેસિંગ થઈ રહ્યુ છે. એક જ શિફ્ટમાં કાર્યરત પ્લાન્ટમાં વાર્ષિક રૂ. 2 કરોડનુ સિલ્ક યાર્ન ઉત્પાદિત થવાનો લક્ષ્યાંક મૂક્યો છે.
જો પ્લાન્ટ 3 શિફ્ટમાં કાર્યરત બને તો વાર્ષિક રૂ. 5 કરોડનુ સિલ્ક પ્રોસેસિંગ થવાની ક્ષમતા છે. કર્ણાટક, બેંગ્લોરથી સિલ્કનુ રો-મટિરિયલ્સ ગણાતા કોશેટોનું આ પ્લાન્ટમાં પ્રોસેસિંગ થવાથી પટોળા ઉત્પાદકોની ક્ષમતામાં વધારો થયો છે.
ગુજરાતમાં સિલ્ક સેગમેન્ટમાં 40 સંસ્થાઓ છે. જે 2000થી વધુ મહિલાઓને રોજગાર આપે છે. ખાદી ગ્રામઉદ્યોગ સાથે કાર્યરત 52 સંસ્થાઓ 5000 લોકોને રોજગાર આપી રહી છે.
ઓનલાઇન ખરીદીના કારણે પટોળાની લોકપ્રિયતા વધી છે. સામાન્ય રીતે પટોળા ઉત્પાદિત કરતો એક પરિવાર વાર્ષિક 5-7 પટોળા વેચાણ કરતો હતો જે આજે વધી 8-10 પટોળાનુ વેચાણ કરી રહ્યો છે. ઉત્તરોત્તર ટ્રેન્ડ વધી રહ્યો છે.
ગુજરાતની પ્રખ્યાત સાડી, પટોળા માટે કાચોમાલ રેશમી તાંતણાના હોવાના કારણે કર્ણાટક અથવા પશ્ચિમ બંગાળમાંથી ખરીદવામાં આવે છે, જ્યાં રેશમ પ્રક્રિયાના એકમો સ્થિત છે, જેથી કાપડની કિંમતમાં અનેકગણો વધારો થાય છે.
કર્ણાટક અને પશ્ચિમ બંગાળથી રેશમના કીડા લાવીને ઘરેલુ રેશમી તાંતણા પર પ્રક્રિયા કરવામાં આવે છે.
બનારસી સાડીના વણાટકામમાં વપરાતા આર્ટ સિલ્ક અથવા પોલીસ્ટર સિલ્ક યાર્નનું ઉત્પાદન 1100 ટનથી ઘટીને 500 ટન પ્રતિ માસ થઈ ગયું છે.
સૂતર કાંતતા અડધા ડઝન કારીગરો આર્ટ સિલ્ક યાર્નનું ઉત્પાદન સુરતમાં કરે છે. 70% મલ્ટી કલર કાંતેલું સૂતર બનારસી સાડીના વણકરોને મોકલાય છે, જ્યારે બાકીનું સૂટ અને શર્ટ તેમજ ડ્રેસ મટિરિયલ તૈયાર કરતાં ગાર્મેન્ટ યુનિટોને આપવામાં આવે છે.
દર મહિને આર્ટ સિલ્ક યાર્નનો વપરાશ 200-250 ટન છે.
દેશમાં કાપડ બનાવવા માટે ભારતમાં સુરત અને ખંભાત ચોથા જાણીતા સ્થાનો છે. ગુજરાત પહેલા 10 રાજ્યો છે જે રેશમના કીડા ઉછેરવાની ખેતી કરે છે.
રેશમની ખેતીમાં વિશિવનું 60 ટકા ઉત્પાદન ચીન અને ભારત કરી રહ્યું છે. ફ્રાંસ, બ્રાઝિલ, જાપાન, રશિયા, કોરિયામાં રેશમની ખેતી થાય છે. ગુજરાતમાં મોટા પાયે ખેતી થતી નથી.
સુરતમાં વિગન સિલ્ક ફેબ્રિકસનું ઉત્પાદન ઓગષ્ટ 2021થી શરૂ કર્યું છે. પશ્ચિમી દેશોમાં આ ફેબ્રિકની મોટી માંગ છે. ભારતમાં પ્રથમવાર સુરતના યાર્ન ઉત્પાદકો દ્વારા છેક ઓસ્ટ્રેલિયાથી આયાત કરી વિગન સિલ્ક ફેબ્રિકસના ઉત્પાદનનો આરંભ કરી દેવાયો છે. વિગન લકસ યાર્ન હિંસા રહીત હોવા સાથે ઇકો ફ્રેન્ડલી પણ છે. આ યાર્ન બાયોડિગ્રેડેબલ છે. કિડાને માર્યા વગરનું આ યાર્ન 50 ટકા સસ્તુ પડે છે.
ચીન વૈશ્વિક સિલ્ક આઉટપુટના 80 ટકા ઉત્પાદન કરે છે. ભારતનો બજારહિસ્સો માત્ર 13 ટકા છે. જ્યારે બાકીના દેશોનું સિલ્કનું ઉત્પાદન સાત ટકા છે. ભારત વાર્ષિક ગ્રોથ રેટ 19 ટકા છે. દેશમાં 2016માં સિલ્કનું 28,000થી 30,000 મેટ્રિક ટનનું ઉત્પાદન થાય છે. દેશમાં સિલ્કની આયાત 6,500 એમટીથી ઘટાડીને 3,500 એમટી થઈ છે.
અસલ સિલ્કનું કાપડ મોંઘું પડવાના કારણે લોકો તેની અવેજીમાં આર્ટ સિલ્ક ફેબ્રિક વાપરી રહ્યા છે. જે આબેહૂબ અસલ સિલ્કની જેમ તૈયાર થતા તેની હાલમાં ભારે માગ ઉભી થઇ છે. સુરત શહેરના 1200 મશીનો પર અસલ સિલ્ક ઉત્પાદિત થતું હતું. પરંતુ હાલની સ્થિતિમાં મોંઘું કાપડ ખરીદવા નથી માંગતા જેને પગલે આર્ટ સિલ્ક ચલણમાં આવી રહ્યું છે.
અસલી સિલ્કનું કાપડ રૂપિયા 200થી 300 એક મીટર દીઠ તૈયાર થતું હોય છે. સામાન્ય સાડી પણ રૂપિયા 4000થી 5000માં તૈયાર થતી હોય છે. જેના કારણે શહેરના ઉત્પાદકો પાસે માંડ દસ ટકા જેટલું પ્રોડક્શન રહે છે.
સુરતમાં મેનમેડ આર્ટ સિલ્કનું ફેબ્રિક પ્રતિદિન અંદાજે 3થી 4 લાખ મીટરનું પ્રોડક્શન થાય છે. આર્ટ સિલ્કની 60થી 70 ટકા ઉત્પાદન ક્ષમતામાં બનાવટ થઇ રહી છે. બેંગ્લોરની સરખામણીએ સુરતમાં અસલ અને આર્ટ બંને સિલ્કનું ઉત્પાદન સારુ છે. 1.5 લાખ મીટર પૈકી 50 ટકા જેટલું એક્સપોર્ટ ગલ્ફમાં થઈ રહ્યું છે.
સુરતમાં 2019માં ટેક્સટાઇલમાં 60 વર્ષ થયા છતા સુરત સિલ્ક ફેબ્રિકમાં મજબૂત થયું નથી. 1500 લૂમ્સ મશીનો પર 5 લાખ મીટર સિલ્ક ફેબ્રિકનું ઉત્પાદન થતું હતું.
પોલિએસ્ટર ફેબ્રિકમાં સુરત આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ ગયું છે, પણ સિલ્કમાં જોઈએ એટલી પ્રગતિ કરી શક્યું નથી. સુરતમાં 2019માં 1500 લૂમ્સ પર મહિને 5 લાખ મીટર સિલ્ક ફેબ્રિકનું ઉત્પાદન થતું હતું.
2019 સુધીના 5 વર્ષમાં વૈશ્વિક સિલ્ક નિકાસમાં ઘટાડો નોંધાયો હતો. ભારતમાં 2010માં સિલ્ક ફેબ્રિકની માંગ 2.94 બિલિયનની હતી, જેમાં 2.34 ટકા વૃદ્ધિ સાથે 2014માં 3.30 બિલિયનની રહી હતી. દેશમાં સિલ્ક ફેબ્રિક સુરત ઉપરાંત હેન્ડલૂમ ક્લસ્ટર એવા બનારસ અને ભાગલપુર તથા વિવિંગ ક્લસ્ટર એવા કાંચીપુરમ, સાલેમ, બેંગલોર અને મૈસુરમાં તૈયાર થાય છે.
1954માં સિલ્ક ફેબ્રિક બનાવવાની શરૂઆત સુરતમાં ધનામિલથી થઈ હતી. ધીમે ધીમે બીજા સુરતના જાણીતા ફેમિલી આમાં જોડાયાં હતાં. 2019માં સુરતમાં સિલ્ક ફેબ્રિકનું ઉત્પાદન મહિને 5 લાખ મીટર જેટલું હતું. ચીન અને વિયેતનામથી દર મહિને 20 ટનની ખપત છે.
દેશમાં 2020 સુધીમાં સિલ્કનું ઉત્પાદન 38500 ટન કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો. સિલ્કનું ઉત્પાદન 2017માં 30350 ટન હતું. 2020માં 38500 ટન કરવા માટે કેન્દ્ર સરકારે 300 મિલિયન યુ.એસ ડોલર ફાળવ્યા છે. દેશના 51 હજાર ગામડાઓમાં 76 લાખ લોકોને રોજગારી પૂરી કરવા પૂરી પાડવાનું કામ સિલ્ક ઇન્ડસ્ટ્રીઝ કરી રહી છે. 32.80 લાખ હેન્ડલુમ અને 45800 પાવરલૂમની મદદથી 81.4 લાખ વિવર્સ આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે.
નવસારી
નવસારી જિલ્લા ના સદલાવ ગામમાં શહતૂત રેશમ ઉત્પાદન માટે શહતૂત ના છોડ ના રોપણીનું આયોજન અને ઉદ્ઘાટન મે 2022માં કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં હાઈટેક ટેક્નોલોજી થી પરિપૂર્ણ મલબારી સિલ્ક (શહતૂત ના ઝાડ) જેની રોપણી કરવામાં આવી, ગુજરાત ના ઇતિહાસમાં રેશમ સિલ્ક ની શરૂઆત થઇ હતી પણ કોઈ કારણસર અહીંના ખેડૂતોને એનો લાભ મળ્યો નથી, એના સામે ભારત ના 27 રાજ્યોમાં આ શહતૂત રેશમ નું મોટા પ્રમાણમાં ઉત્પાદન થઇ રહ્યો છે અને એ રાજ્યો ના ખેડૂતો સરકારી યોજનાનો પુરેપૂરો લાભ લઇ રહ્યા છે અને આર્થિક રીતે સબળ બની રહ્યા છે.
કુકુન ફાર્મિંગ ખુબ જ મોટા પ્રમાણ ના અનેક રાજ્યમાં ચાલી રહ્યું છે હવે ગુજરાત ના ખેડૂતો સમૃદ્ધ અને સક્ષમ બને તેના માટે રાષ્ટ્રીય કિસાન દળ અને રાષ્ટ્રીય કિસાન સેના અને કેન્દ્રીય સિલ્ક બોર્ડ (ટેક્સ્ટાઇલ મિનિસ્ટ્રી )નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે. ગુજરાતમાં આવનારા સમયમાં 10000 એકર સેરીક્લચર અને ફાર્મિંગ ઉત્પાદન માટે ખેડૂતો એ લાગણી દર્શાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp