- Gujarat
- શું કોંગી MLA અંબરીશ ડેર ભાજપમાં જશે? આ નિવેદનને લઈ અનેક તર્ક-વિતર્ક
શું કોંગી MLA અંબરીશ ડેર ભાજપમાં જશે? આ નિવેદનને લઈ અનેક તર્ક-વિતર્ક
શુક્રવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ત્રણ કૃષિ કાયદાને પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપવામાં આવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમર દ્વારા પણ સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે અંબરીશ ડેર દ્વારા આપવામાં આવેલા નિવેદનથી ચર્ચા ઉઠી રહી છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે.
કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરે જણાવ્યું હતું કે, અભિનંદન પાઠવું છું દેશના વડાપ્રધાનને કે સવા વર્ષના સમયગાળામાં ખેડૂતો જે હેરાન થઇ રહ્યા હતા. રાજકીય પાર્ટીઓ જે ભારતીય જનતા પાર્ટી સિવાયની જે તેમને સતત સમજાવતી હતી. તે કદાચ તેમના ધ્યાન પર નહોતું આવતું અને હવે આ તેમના ધ્યાન પર આવ્યું છે અને ત્યારબાદ કૃષિના ત્રણ કાયદા પરત ખેંચવામાં આવ્યા છે તે આવકાર્ય છે. સાથે એટલું પણ કહું છું કે દેર આયે દુરસ્ત આયે તેમ છતાં પણ ખેડૂતોની જે હિંમત હતી, ખેડૂતોની માગણી હતી અને તેમની જે લાગણી હતી તેમાં સરકારે વિચાર કરીને સરકારે લીધેલો નિર્ણય પરત લીધો છે.

તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમરે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાને તેમના પ્રવચનમાં ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી હતી. ત્યારે સૌ પ્રથમ તો આ કાયદા માટે લડતા ખેડૂતોને હું અભિનંદન આપું છું. જેમને આ દેશમાં લોકશાહી માટે ગાંધી ચીંધ્યા માર્ગે ગાંધીજીએ અહિંસાના રસ્તા પર આંદોલન કરીને દેશને આઝાદી અપાવી તે પ્રકારે દેશના ખેડૂતોએ અહિંસાનો માર્ગ અપનાવ્યો. 600 ખેડૂતોને રહેંસી નાંખવામાં આવ્યા. દેશના ગૃહમંત્રીના પુત્રએ ખેડૂતો પર ગાડી ચઢાવીને ખેડૂતોને ડરાવવાનો પ્રયાસ કર્યો. છતાં પણ દેશના હિતમાં કોંગ્રેસે કરેલા નિર્ણય અનુસાર ખેડૂતોને ખેતીના માલિક બનાવ્યા તે ખેડૂતોને ખેતીના માલિક મિટાવવા માટે આ ગોડસેવાદી સરકારે જે નિર્ણયો કર્યા હતા, તેની સામે લગભગ 10 મહિના જેટલું આંદોલન ચાલ્યું હતું.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમરીશ ડેર ભાજપના કાર્યકર હતા. તેમના માટે ભાજપમાં જગ્યા ખાલી છે. તેથી હવે અંબરીશ ડેર ભાજપમાં જઈ શકે છે તે બાબતને લઇને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

