સુરત-નવસારી હાઇવે પર ચાલુ બાઇકે ચેન ઝટકા સાથે તોડતા મહિલા પટકાઈ, મોત

PC: divyabhaskar.co.in

શનિવારે સવારે 9:00 વાગ્યે સુરતથી નવસારી બાઈક પર જઇ રહેલી દંપતીને ક્યાં ખબર હતી કે રસ્તામાં ચેન સ્નેચરોના રૂપમાં કાળ તેમની રાહ જોઈ રહ્યો છે. ચેન સ્નેચરોએ ધૂમ સ્ટાઇલથી બાઇક પર આવીને રંજનબેનના ગળાની ચેન ખેંચતા જ મહિલા ઝટકા સાથે રોડ પર પટકાઇ હતી. જેથી મહિલાને માથા સહિત આખા શરીરમાં ગંભીર ઇજા થતા કોમામાં જતી રહી હતી. છેલ્લા 5 દિવસથી ખાનગી હૉસ્પિટલમાં સારવાર મેળવી રહેલી રંજનબેન જિંદગીની બાજી હારી ગઇ છે. વહેલી સવારે 3:00 વાગ્યે તેણે છેલ્લા શ્વાસ લીધા.

જલાલપુરમાં આવેલી શિવગંગા સોસાયટીમાં રહેતી રંજનબેન મનસુખભાઈ પાઘડાળ (ઉંમર 50 વર્ષ) તેના પતિ સાથે બાઈક પર બેસીને સુરત પોતાના ભાઈના ઘરે ગઇ હતી, ત્યાંથી આ દંપતી પરત પોતાના ઘરે નવસારી જવા સવારે નીકળ્યું હતું. દંપતી વાતચીત કરતા બાઈક પર નવસારી નજીક નેશનલ હાઈવે નંબર 48 સ્થિત ધોળાપીપળા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યુ હતું, ત્યારે અચાનક એક બાઈક પર સવાર બે અજાણ્યા ઇસમો ધૂમ સ્ટાઇલમાં તેમની નજીક આવ્યા હતા અને પાછળની સીટ પર બેઠી રંજનના ગળામાંથી સોનાની ચેન આંચકી લઈને ફરાર થયા હતા.

અચાનક જોરદાર આંચકો લગતા પતિની પાછળ બેઠી રંજનને પોતાનું સંતુલન ગુમાવતા હાઈવે ઉપર પટકાઇ હતી, તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક હાઇવે પર આવેલી ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતા, જ્યાં ડૉક્ટરોએ તેને કોમામાં હોવાનું જણાવ્યું હતું. છેલ્લા 5 દિવસથી રંજનને ICUમાં દાખલ કરવામાં આવી હતી. ગઈકાલે બપોરે તેનું વેન્ટિલેટર દૂર કર્યા બાદ આજે વહેલી સવારે તેનું મોત થઇ ગયું છે.

મહિલા કોમામાં સરી પડ્યાંની જાણકારી મળતા જ હરકતમાં આવેલી નવસારી ગ્રામ્ય પોલીસ સાથે LCB, SOG સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેની સાથે પોલીસની અલગ-અલગ ટીમો બનાવી, આસપાસના જિલ્લાઓની પોલીસનો સપોર્ટ લેવામાં આવી રહ્યો છે. સાથે જ સુરતથી નીકળેલી દંપતીના રૂટ ઉપરના CCTV ફૂટેજ મેળવી, શહેરમાં લાગેલા નેત્રમ પ્રોજેક્ટના CCTV ફૂટેજનુ એનાલિસિસ કરી, એક વિશેષ ટીમ બનાવીને આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

તેની સાથે જ પોલીસે આરોપીઓ વિરૂદ્ધ લૂંટ સહિત માનવવધ હેઠળની કલમ 308 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પીડિતા રંજનબેનના એક દીકરો અને દીકરી એમ બે સંતાન છે જે બંને પરીણિત છે. રંજનબેનની સુરત સ્થાયી થવાની ઈચ્છા હતી અને તે ઘર જોવા માટે પોતાના ભાઈને ત્યાં ગઇ હતી, વહેલી સવારે ભાઈને જમાડીને નવસારી ઘરે પરત આવવા નીકળેલી બહેનને ક્યાં ખબર હતી કે તે છેલ્લી વખત ભાઈને જમાડી રહી છે.

રંજનબેનના ભાઈ ચંદુભાઈએ જણાવ્યું હતું કે, બહેને વહેલી સવારે નાસ્તો કરાવી પ્રેમપૂર્વક વિદાય લીધી હતી આ યાદગીરી આખા જીવન દરમિયાન યાદ બનીને જ રહી ગઈ છે. શહેરના રસ્તાઓ અને શેરી મોહલ્લાઓમાં થતી ચેઈન સ્નેચિંગની ઘટનાને હવે ચાલુ બાઇકે પણ અંજામ આપવામાં આવે છે, જેમાં ઘણીવાર મહિલાએ જીવ ગુમાવવાનો પણ વારો આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp