પતિ સાથે ન રહેતી સ્ત્રીને નગ્ન કરી જાહેરમાં માર માર્યો, પતિ સહિત 4ની ધરપકડ

PC: navbharattimes.indiatimes.com

ગુજરાતના દાહોદ જિલ્લામાં એક મહિલા સાથે અમાનવીય વર્તનની ઘટના સામે આવી છે. એક પોલીસ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે, 28 મેના રોજ એક મહિલાને તેના પતિ સહિત કેટલાક લોકોએ જાહેરમાં નગ્ન કરી, માર માર્યો અને ગાળો આપી. મહિલા તેના પતિથી અલગ રહેતી હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો ત્યારે પોલીસ હરકતમાં આવી હતી અને પતિ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. સુખસર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, મહિલાનો પતિ એ વાતથી નારાજ હતો કે પત્ની તેનાથી અને તેમના ચાર બાળકોથી અલગ રહે છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પતિએ અન્ય બે લોકો સાથે મળીને જિલ્લાના રામપુરા ગામમાંથી મહિલાનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેઓ મહિલાને મારગલા ગામમાં લઈ ગયા, જ્યાં આ ઘટના બની હતી. આદિવાસી સમુદાયની મહિલાએ તેના પતિ અને ચાર બાળકો સાથે રહેવાનું બંધ કરી દીધું હતું. મહિલા મહેસાણા જિલ્લાના ચાણસ્મા ખાતે એક પુરુષ સાથે રહેતી હતી, જ્યાં તે રોજમદાર તરીકે કામ કરતી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે, આ વ્યક્તિની માતાએ તેને રામપુરા ગામમાં લગ્નમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. તેઓએ પીડિતાથી અલગ રહેતા તેના પતિને પણ આમંત્રણ આપ્યું હતું, જે ફોર વ્હીલર પર અમુક લોકોની ટોળકીઓ સાથે ત્યાં પહોંચ્યો હતો અને મહિલા અને તેના પ્રેમીનું અપહરણ કર્યું હતું. તેને મારગલા ગામમાં લઈ જવામાં આવી હતી, જ્યાં મહિલાને જાહેરમાં નગ્ન કરીને માર મારવામાં આવ્યો. ગામના એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામમાં આરોપી મહિલાને રસ્તા પર ખેંચી ગયો હતો અને લાકડીઓ અને સળિયા વડે માર માર્યો હતો. કહેવાય છે કે, જ્યારે મહિલા પર અત્યાચાર થઈ રહ્યો હતો ત્યારે બીજી બાજુ કેટલાક લોકો ડાન્સ કરી રહ્યા હતા. ડાન્સ કરનારાઓમાં મહિલાનો પતિ પણ હતો. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ઘટના સમયે અન્ય મહિલાઓ ચુપચાપ તમાશો જોતી જોવા મળી હતી. કીઓ પણ મહિલા પીડિતા પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરતી નજરે પડી નહોતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં દાહોદ જિલ્લાના એક આદિવાસી ગામમાં 23 વર્ષીય યુવતીને તેના પ્રેમી સાથે ભાગી ગયા બાદ નગ્ન અવસ્થામાં આખા ગામમાં ફેરવવામાં આવી હતી. આ કેસમાં પોલીસે તેના પતિ સહિત 18 આરોપીઓની અટકાયત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp