- Central Gujarat
- વર્લ્ડ કપ: દિલ્હીના યુવાન સાથે તોડ કરનાર પોલીસ સામે DCP સફીન હસને શું પગલા લીધા?
વર્લ્ડ કપ: દિલ્હીના યુવાન સાથે તોડ કરનાર પોલીસ સામે DCP સફીન હસને શું પગલા લીધા?
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પર 19 નવેમ્બરે યોજાયેલી વર્લ્ડકપ વન-ડે ફાઇનલ મેચ જોવા આવેલા દિલ્હીના યુવાનની કારમાંથી દારૂની બોટલ ઝડપાઇ હતી તે વખતે પોલીસને આ યુવાન સાથે તોડ કરવાનું ભારે પડી ગયું છે. મીડિયાના અહેવાલોને આધારે DCP સફીન હસને તોડ કરનાર પોલીસો સામે કડક કાર્યવાહી કરી છે.
વાત એમ હતી તે 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડકપ ફાઇનલ મેચ જોવા માટે દિલ્હીથી કાનવ માનચંદા નામના વ્યકિતને નાના ચિલોડા ટ્રાફિક પોઇન્ટ પાસે તપાસ માટે રોકવામાં આવ્યા હતા. આ દરિયમાન કાનવ પાસેથી એક દારૂની બોટલ મળી આવી હતી. ટ્રાફીક પોલીસ કાનવને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી અને તેમને ધમકાવ્યા હતા અને તોડ કર્યો હતો.

ટ્રાફીક પોલીસે આખા કેસની પતાવટ માટે પહેલા 2 લાખ રૂપિયા માંગ્યા હતા, પરંતુ તે પછી લાંબી રકઝકને અંતે 20,000 રૂપિયામાં પતાવટ થઇ હતી. કાનવ પાસે વધારે પૈસા જ નહોતા. કાનવે 20,000 રૂપિયાનું પેમેન્ટ UPIથી 3 ખાતમાં કર્યું હતું. પતાવટ થઇ જતા કાનવ માનચંદાને છોડી મુકવામાં આવ્યા હતા અને એ પછી તેઓ મેચ જોવા જઇ શક્યા હતા.
આ બાબતે કાનવે ગુજરાતના મીડિયા સાથે વાત કરી હતી અને પોલીસના તોડનો આખો મામલો મીડિયોમાં ગાજ્યો હતો. મીડિયા રિપોર્ટને આધારે ટ્રાફિક ઇસ્ટ DCP સફીન હસને કેસની તપાસ ACP ડી.એસ. પુનડીયાને સોંપી હતી. કાનવ માનચંદાએ UPI પેમેન્ટના પુરાવા પણ આપ્યા હતા.

ACP પુનડીયાએ તમામ ટ્રાફીક કર્મચારીઓના નિવેદન લીધા હતા અને બે પોલીસ કર્મચારીઓ મહાવીર સિંહ બહાદુર સિંહ અને તુષાર રાજપુતને સસ્પેન્ડ કરી દીધા અને 3 TRB જવાનને ફરજ પરથી કાઢી મુકવામાં આવ્યા હતા. જાણવા મળેલી માહિતી મુજબ પોલીસે 20,000 રૂપિયાની રકમ કાનવને પરત કરી દીધી છે.
મહત્ત્વની વાત એ છે કે કાનવ માનચંદાએ ફરિયાદ કરી નથી, છતા DCP સફીન હસને મીડિયાના અહેવાલોને આધારે જાતે આ વાત હાથમાં લીધી અને તોડ કરનારા પોલીસો સામે કડક પગલાં લઇને એક શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

ટ્રાફીક પોલીસે કાનવને દારૂની બોટલ સાથે તો પકડયા, પરંતુ તેમની સામે કોઇ ફરિયાદ ન કરી અને બારોબાર તોડ પાણી કરી લીધા હતા. આ વાતથી DCP સફીન ભારે ગુસ્સે ભરાયા હતા.

