સુરત મેટ્રો માટે જર્મનીએ આપ્યા 3664 કરોડ, ડાયમંડ અને ટેક્સટાઇલ કોરીડોર બનશે

PC: khabarchhe.com

ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર પછી સુરતમાં મેટ્રોરેલ શરૂ થઇ રહી છે. આ પ્રોજેક્ટ માટે જર્મન કંપનીએ લોન સહાય આપી છે. સુરતમાં મેટ્રોરેલનો ટ્રેક 40.35 કિલોમીટર નિયત કરવામાં આવ્યો છે. સુરતમાં બે તબક્કામાં આ પ્રોજેક્ટ શરૂ થવાનો છે. જર્મન ધિરાણકર્તાએ 442.26 મિલિયન યુરો એટલે કે 3464 કરોડ રૂપિયાની લોન સહાય આપી છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) એ જણાવ્યું હતું કે સુરતની મેટ્રો રેલના પ્રોજેક્ટમાં કુલ ખર્ચ 12020.32 કરોડ રૂપિયા થવાનો છે જે પૈકી 5434.25 કરોડનું ધિરાણ લોન દ્વારા કરવાનું થાય છે. ફ્રેન્ચ ડેવલપમેન્ટ બેન્ક 250 મિલિયન યુરો એટલે કે 1970 કરોડ રૂપિયાનું ભંડોળ પુરૂં પાડશે, જ્યારે કેએફડબલ્યુ પાસેથી 3464 કરોડ મેળવાશે.

કોર્પોરેશને જણાવ્યું હતું કે સુરતની મેટ્રો રેલ 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. સુરતની નવી ઓળખ બનવા જઇ રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. સરથાણા થી ડ્રીમ સિટી અને ભેંસાણ થી સારોલીને જોડતા બે રૂટ પર મેટ્રો રેલનું આયોજન કરવામાં આવ્યું છે.

સરથાણાથી ડ્રીમ સિટી સુધીના રૂટને ડાયમન્ડ કોરિડોર તરીકે જ્યારે ભેંસાણથી સારોલી રૂટને ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખ આપવામાં આવશે. સરથાણાથી કાપોદ્રા લાભેશ્વર ચોક, લાંબા હનુમાન રોડથી સુરત રેલવે સ્ટેશન થઈને હાઈવે થઈને, મજુરાગેટથી અલથાણ ગામ થઈને ડ્રીમ સિટી સુધી મેટ્રો દોડાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં 21.61 કિમીના રૂટ પર હીરાના કારખાના આવેલા છે. આ રૂટનો એક છેડો ડાયમન્ડનું હબ બનવા જઈ રહેલા ડ્રીમ સિટીમાં પૂર્ણ થઈ રહ્યો છે. આ કોરિડોરને ડાયમંડ કોરિડોર તરીકે વિશેષ ઓળખ આપશે. તેને ડાયમંડ કોરિડોર તરીકે લોકપ્રિય કરવામાં આવશે.

મેટ્રોના બીજા તબક્કામાં ભેંસાણથી સારોલીને જોડતો 18.84 કિમીનો રૂટ વિકસાવવામાં આવશે. આ માર્ગ પર ઉધના દરવાજાથી આગળ કમેલા દરવાજા, અંજના ફાર્મ, મોડલ ટાઉન અને મગોબ એક્સ્ટેંશનના ઘણા ટેક્સટાઇલ માર્કેટ આવેલા છે. આ કોરિડોર નંબર 2 એટલે કે ભેસાણથી સારોલી રૂટના ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખાશે, જેથી આ પ્રોજેક્ટ સાકાર થતા જ તેને સુરતની ઓળખ સમાન ડાયમંડ કોરિડોર અને ટેક્સટાઇલ કોરિડોર નામ આપીને સુરત શહેર સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp