આ સરકારી કંપનીને ગુજરાત મેટ્રોનો ઓર્ડર મળ્યો, શેરનો ભાવ 6 મહિનામાં 140 ટકા વધ્યો

PC: indianexpress.com

જાહેર ક્ષેત્રની એક કંપનીના શેરનો ભાવ છેલ્લાં 6 મહિનામાં અધધધ વધ્યો છે. આ શેરમાં રોકાણકાર કરનારાઓને બખ્ખાં થઇ ગયા છે. 6 મહિનામાં શેરનો ભાવ 140 ટકા જેટલો વધ્યો છે અને 3 વર્ષમાં 470 ટકા જેટલો ઉછળી ગયો છે. કંપનીએ તાજેતરમાં BSEને જાણ કરી છે કે, કંપનીને ગુજરાત મેટ્રો કોર્પોરેશન તરફથી મોટો ઓર્ડર મળ્યો છે.

સરકારી કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) એ જણાવ્યું છે કે તેને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી મોટો ઓર્ડર મળ્યો છે. કંપનીને ગુજરાત મેટ્રો પાસેથી મળેલો આ પ્રોજેક્ટ રૂ. 166 કરોડનો છે. આ પ્રોજેક્ટ 22 મહિનામાં પૂરો કરવાનો છે. સરકારી કંપનીએ BSE ફાઇલિંગમાં જણાવ્યું છે કે રેલ વિકાસ નિગમ-ISC પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ JV ને લેટર ઑફ એક્સેપ્ટન્સ (LOA) મળ્યો છે. આ LOA એલિવેટેડ અને અંડર ગ્રાઉન્ડ વિભાગોમાં સરથાણાથી ડ્રીમ સિટી સુધીના બેલાસ્ટલેસ ટ્રેકની ડિઝાઇન, સપ્લાય ઇન્સ્ટોલેશન, પરીક્ષણ અને કમિશનિંગ માટે છે.

સરકારી કંપની RVNLના શેરની વાત કરીએ તો છેલ્લાં 6 મહિનામાં જ આ શેરે રોકાણકારોને 140 ટકા જેટલું રિટર્ન આપ્યું છે. મતલબકે 6 મહિનામાં શેરનો ભાવ 140 ટકા વધ્યો છે. 6જુલાઇએ BSEમાં શેરનો ભાવ 30.35 રૂપિયા હતો જે આજે એટલે કે 6જાન્યુઆરીએ 73 રૂપિયા પર પહોંચી ગયો છે. RVNLનો 52 સપ્તાહનો સૌથી ઉંચો ભાવ 84.15 રૂપિયા છે જ્યારે 52 સપ્તાહનો સૌથી નીચો ભાવ 29 રૂપિયા છે.

 આ તો થઇ છ મહિનાના રિટર્નની વાત, પરંતુ આ જાહેર ક્ષેત્રની કંપનીનો છેલ્લો 3 વર્ષનો રેકોર્ડ જોઇએ તો રોકાણકારોને 470 ટકા વળતર મળ્યું છે. કંપનીના શેરનો ભાવ 27 માર્ચ 2020ના દિવસે BSEમાં 12.80 રૂપિયા હતો, જે આજે 73 રૂપિયા પર છે. હવે વાત કરીએ કે એક વર્ષમાં કેટલું રિટર્ન મળ્યું. તો આ કંપનીના શેરે 1 વર્ષમાં 107 ટકા વળતર આપ્યું છે.

RVNLનું માર્કેટ કેપ 15,210 કરોડ રૂપિયા છે. જુલાઇ- સપ્ટેમ્બર 2022ના ત્રિમાસિક ગાળામાં કંપનીની કુલ આવક રૂપિયા 4908.90 કરોડ હતી અને આ સમયગાળામાં ચોખ્ખો નફો 298.58 કરોડ રૂપિયા હતો

કંપનીને તાજેતરમાં માલદીવ તરફથી 1544 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો હતો. . આ કોન્ટ્રાક માલદીવમાં UTF હાર્બર પ્રોજેક્ટ માટે છે. રેલ વિકાસ નિગમ લિમિટેડ એ રેલ્વે મંત્રાલય હેઠળની કેટેગરી-1 મીની રત્ન CPSE છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp