ગુજરાતનું સૌથી મોટું જમીન કૌભાંડ રાજકોટમાં

રાજકોટ નજીક ચોટીલામાં આંતરરાષ્ટ્રિય એરપોર્ટ બનાવવાની જાહેરાત થતાં જ અહીં એકી સાથે 3 જમીન કૌભાંડો બહાર આવ્યા છે. આ કૌભાંડો કરનારા સામે જોઈએ એવા પગલાં ભરવામાં આવ્યા નથી. સરકારની અને કેટલીક ખાનગી જમીનોમાં અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. ગુજરાતનો કદાચ આ સૌથી મોટો ભ્રષ્ટાચારનો ગુનો એક જ સ્થળે બની શકે તેમ હોવા છતાં જાણિતા રાજકીય કારણોસર તેના પર ઠંડું પાણી રેડી દેવામાં આવે છે. 

રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની હદ પર ચોટીલા પાસે આંતરાષ્ટ્રીય એરપોર્ટ બની રહ્યું છે. હીરાસર પાસે જમીન સંપાદન અને વડાપ્રધાનના હસ્તે ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યુ હતું. હીરાસર એરપોર્ટને લગતા તમામ અંતરાયો દુર કર્યાની જાહેરાત ખુદ મુખ્યમંત્રીએ કરી હતી.

16 એપ્રિલ 2021માં એક જમીન કૌભાંડ બહાર આવ્યું છે. મેવાસા-શેખલિયા ગામની 317 હેક્ટર સરકારી વીડીની જમીન બોગસ પત્ર બનાવીને વેચી મારવામાં આવી છે. આ જમીન ખાનગી વ્યક્તિ નામે કરી દીધાનો પર્દાફાશ થયા બાદ ત્રણ અધિકારીની સંડોવણી બહાર આવી છે.

મેવાસાની સરવે નંબર 136 ની 298.44.30 હેક્ટર જમીન છે. શેખલિયા ગામની સરવે નંબર 42ની 28.35.84 હેક્ટર જમીન છે. આમ કુલ 317  હેક્ટર જમીનના ખોટા કાગળો ઊભા કરાયા છે. અહીં એરપોર્ટ બની રહ્યું હોવાથી એક હેક્ટર જમીનનો ભાવ એક કરોડ રૂપિયા ખાનગીમાં બોલાઈ રહ્યાં છે. પણ દસ્તાવેજ નીચે થઈ રહ્યાં છે.

નિયમોનું ખોટું અર્થઘટન કરીને જમીન ફેરફારની નોંધને 3 અધિકારીઓએ મંજૂર કરીને આ કૌભાંડ કર્યું છે. સરકારના જમીનના ભાવ - જંત્રી મુજબ રૂ.5.40 કરોડનું સરકારને નુકસાન કર્યું છે. આ અધિકારઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો છે.ત્રણ અધિકારીઓ સામે સુરેન્દ્રનગર લાંચ રૂશ્વત વિભાગ સમક્ષ ચોટીલાના નાયબ કલેક્ટર આર.બી.અંગારીએ ફરિયાદ નોંધાવી છે. આ તપાસ રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એ.પી.જાડેજા પાસે રહી છે.

આ બનાવની તપાસમાં ગાંધીનગરના મોટા માથાંના નામો ખૂલવાના હતા પણ ખૂલ્યા નથી.ચોટીલામાં સૌરાષ્ટ્રના સૌથી મોટું ઍરપોર્ટ બની રહ્યું છે. હવાઈ મથક બનવાની જાહેરાત બાદ જમીનની કિંમત કરોડોની થતાં અધિકારીઓએ તેમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. નામ અધિકારીઓના છે પણ કાળા હાથ કરનારા બીજા હોવાનું લોકો માની રહ્યાં છે. કોણ છે એ .

ખોટા પત્રને આધારે કૌભાંડ

મેવાસા અને શેખલિયાની વીડીની જમીન બાબતે 5 જૂન 2014એ જમીન સુધારણા કચેરીના નામે બોગસ સરકારી પત્ર બનાવાયો હતો. આ પત્ર બોગસ છે તે બાબત આરોપી અધિકારીઓ જાણતા હતા. છતાં તેને સાચો ઠેરવીને વીડીની જમીન વેચી દીધી હતી.

કૌભાંડી અધિકારીઓ

રૂ.350થી 400 કરોડના જમીન કૌભાંડમાં ચોટીલાના તત્કાલીન મામલતદાર પી. આર. જાની છે. જેઓ નવસારીમાં ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવે છે. પી.આર.જાનીએ જેલમાંથી જામીન માટે અરજી કરી હતી. 12 જૂન 2021માં તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. જાની ઉપરાંત આ કૌભાંડમાં ચોટીલાના તત્કાલીન પ્રાંત અધિકારી ડી.એચ.ત્રિવેદી પણ સામેલ હતા. ઉપરાંત સુરેન્દ્રનગરના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર એમ. બી. પટેલની સામે ફરિયાદ થઈ છે.

આ 3 અધિકારીઓએ 2014માં જમીન કૌભાંડ કર્યું હતું. તેમ છતાં તેમની સામે 7 વર્ષ સુધી એપ્રિલ 2021 સુધી કોઈ  ફરિયાદ નોંધવામાં આવતી ન હતી. જેની પાછળ ગાંધીનગરના એક રાજનેતાનો હાથ હોવાનું માનવામાં આવે છે. કારણ કે 17 એપ્રિલ 2021માં આ અધિકારીઓ સામે ફરિયાદ થઈ હતી.

આટલી મોડી ફરિયાદો કેમ થઈ. એવું પ્રજા પૂછી રહી છે.

સરકારી જમીન ખાનગી રજીસ્ટર વેચાણ દસ્તાવેજના આધારે દાખલ થયેલા ફેરફાર નોંધો મંજૂર કરી દેવામાં આવી હતી. સરકારી જમીન ખાનગી બનાવી દેવામાં આવી હતી. સરકારને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું.  જમીન કૌભાંડનો પર્દાફાશ કલેકટર દ્વારા કરાયો હતો. પરંતુ 7 વર્ષ સુધી કૌભાંડીઓ સામે ફરિયાદ થઇ શકી ન હતી. હવે કમને સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકમાં ત્રણ અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ રાજકોટ એસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી ખરાબા આવો અને સરકારી જમીનો અખૂટ ભંડાર આવેલો છે. ચોટીલા તાલુકાના વિડ વિસ્તારોમાં હજારો એકર ગૌચર જમીન છે. સરકારી ખરાબાઓની હજારો હેક્ટર જમીન  આવેલી છે. આ તમામ જમીનોની તપાસ સરકાર કેમ કરતી નથી. શું છુપાવે છે ભાજપ સરકાર. ચોટીલાના મેવાસા, બારસિયા અને પીપળીયા શેખલીયાની 956 એકર જમીનો વેચી મારી કૌભાંડ થયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. સૌરાષ્ટ્રમાં જમીન કૌભાંડ અંગે તપાસ કરવા માટે રૂપાણી સરકાર પર પ્રજાનું દબાણ વધી રહ્યું હતું. તેથી ન છુટકે આખરે 7 વર્ષ પછી ફરિયાદ થઈ છે.

સરકાર કેમ આવું કરે છે.

952 એકર અને 234 એકર જમીન ટોચ મર્યાદામાં ગયેલી જમીનનો તત્કાલીન મામલતદાર દ્વારા કેસ ચલાવી ખાનગી વ્યકિતના નામે કરી આપવામાં આવી હતી. 1976-77ની સાલમાં આ જમીન ફાજલ થયેલી હતી. જે ટોચ મર્યાદાના પ્રજા હીતના કાયદામાં સરકાર હસ્તક લઈ જવામાં આવી હતી. જમીનના રેકર્ડ શોધી કલેકટર ઓફીસની સ્પેશયલ આર.આર.ની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ટોચ મર્યાદાની જમીન જુની શરતમાં ફેરવી શકાતી નથી. છતાં ફેરવી દેવામાં આવી હતી.

ચોટીલા તાલુકાની જમીન સુરેન્દ્રનગર જિલ્લામાં આવતી હતી. તેમ છતાં હીરાસર ગામની જમીનને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના જિલ્લા રાજકોટમાં ભેળવવામાં આવી હતી. આવું કેમ કરાયું હતું તે પ્રજાના મનમા શંકા ઊભી કરે છે

ઇન્ટરનેશનલ એરપોર્ટની પાછળ જ મેવાસા ગામની આ જમીન આવેલી છે. એગ્રીકલ્ચર લેડ સીલીંગ એકટ હેઠળ 1976માં ખાલસા થયેલી કુલ 1200 એકર જમીન છે. આ જમીનને ખાનગી ઠેરવી દેવામાં આવી હતી.

બામણબોર-જીવાપરની 324 એકર જમીન કલેક્ટરે ખાલસી કરાવી હતી.

25 ફેબ્રુઆરી 2020માં સર્વે નંબરની વેચાણની 15 નોંધને કલેક્ટર રેમ્યા મોહને રદ કરી દીધી હતી. આ જમીન 11 જમીનદારોને વેંચી નાખી હતી.

એ જમીનદારોનું શું થયું તે તો કહો.

ત્રણેય અધિકારીઓની ધરપકડ કરી હતી. સરકારે જમીન કૌભાંડ સબબ ત્રણેય અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. તેમની સામે ખાતાકીય તપાસ કેમ થતી નથી. ચોટીલાના મામલતદારે સુપ્રીમ કોર્ટના હુકમનું ખોટું અર્થઘટન કરી રામ નાનજી ખાચરને વધારાના છ યુનિટ ફાળવી કુલ 324 એકર જમીન રામ નાનજીના વારસોના નામે દાખલ કરવાનો હુકમ કર્યો હતો.

આટલી મોટી જમીન એક નાના મામલતદાર આપી દે એવું ગુજરાતના લોકો માનવા તૈયાર નથી.આખો કેસ કેમ લોકપાલ સમક્ષ લઈ જવામાં આવતો નથી. આ હુકમના આધારે રામ નાનજી ખાચરના પરીવારે વીડીની જમીન વેચી નાખી હતી. બામણબોરમાં આવેલી નાનજી, રાજેશ રામજી, ઉમેદ ધાંધલ, જશુ ધાંધલના નામે જમીન કરી દેવામાં આવી હતી. જીવાપર ગામમાં આવેલા નાનજી, પંકજ નાનજી ગઢીયાના નામે જમીન કરી આપવામાં આવી હતી.

બીજું જમીન કૌભાંડ

રાજકોટ પાસેના બામણબોર ખાતે નવું હવાઈ મથક બનાવવા માટે અનિલ અંબાણીની કંપનીને કામ સોંપવામાં આવ્યું છે. જ્યાં હવાઈ મથક બની રહ્યું છે તેની બરાબર બાજુમાં હોટેલ બની શકે એવી ચાંદીની પાટની કિંમત જેવી રૂ.200 કરોડની 520 એકર સરકારી જમીન માત્ર રૂ.11 કરોડમાં રાજકીય મળતીઆઓને આપી દેવામાં આવી છે. આમ પ્રજાના રૂપિયા 100 ટકા ભ્રષ્ટાચારમાં જઈ રહ્યા છે. બામણબોર જીઆઈડીસી અને હવાઈ મથક નજીક જસદણના એક વ્યક્તિને આ જમીન આપી દેવામાં આવી છે. ત્યાર બાદ તુરંત તે જમીન રાજકોટના કેટલાંક રાજકીય મળતીઆઓને આપવામાં આવી છે. જમીન સરકારી ખરાબાની છે. જમીન ખરીદનારાઓ રાજકોટના જ કેમ છે. 

ચોટીલાના ધાડવી નામના મામલતદારને ઉચ્ચ અધિકારીએ જમીન આપી દેવા માટે દબાણ કર્યું હતું. આવું દબાણ કરનારા કોણ હતા તે આજ સુધી બહાર આવ્યું નથી. ગુજરાતના સૌથી મોટા જમીન કૌભાંડમાં કોંગ્રેસના ધારાસભ્યોની તપાસ સમિતિ કેમ બનાવવામાં આવતી નથી. કોંગ્રેસ કેમ ચૂપ છે.

નોંધ નંબર 1907થી 1909 અને 1914થી 1930ની જમીન વિવાદમાં હતી. સરકાર સમક્ષ તે અંગે નિર્ણય લેવાનો હતો. 1957માં જસદણના હકુ ખોડા ખાચર જે ત્યારે બે વર્ષની ઉંમરના હતા. તેને નિયમ ભંગ કરીને વેચાણથી આપી દેવામાં આવી હતી.વર્ષો જુના સ્ટેમ્પ પેપર પર તાજું લખાણ થયું હતું. જેની નોંધણી પણ થઈ નથી. જેની તપાસ ફોરેન્સીક સાયંસ લેબ દ્વારા કરવામાં આવી નથી.

જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ 54 એકરથી વધું જમીન રાખી શકાતી નથી. તેમ છતાં ખાચર પાસે 520 એકર જમીન કઈ રીતે રહી હશે એ તપાસનો વિષય છે. ડેપ્યુટી કલેક્ટર વી. ઝેડ. ચૌહાણ બધું જાણે છે.  તેમની હાજરીમાં ટીવી ડીબેટ રાખો અને પ્રજાને જાહેરમાં પ્રશ્નો પૂછવા દો. આવું થાય તો જ સાચું પ્રજા રાજ ગણી શકાય.

મામલતદાર દ્વારા 18 ઓગસ્ટે કલેક્ટરને રિવિઝન નોંધ કરવા માટે મોકલી છે. તે અંગેના તમામ દસ્તાવેજ કલેક્ટરને આપવા માટે આદેશ કરાયો હતો. તે તપાસ કરતાં જણાયું હતું કે તે જમીન મોરબી અને રાજકોટના ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવી છે. આ ઉદ્યોગપતિઓની તમામ વિગતો સરકાર કેમ જાહેર કરતી નથી. કોને બચાવવા માંગે છે. 13 લોકોએ 9 ઓગસ્ટ 2018ના રોજ 10 હેક્ટરથી લઈને 85 હેક્ટર સુધી જમીન ખરીદી છે જેની કિંમત 6 લાખ આસપાસ ગણવામાં આવી છે.

જમીન ખરીદનારાઓમાં દિનેશ બચુ ખુંટ, વિનોદ રત્ના મોણપરા, ધવલ ભવાન મોણપરા, દિપેશ રામજી, અરવિંદ ડુંગર રૈયાણી, હિરેન ચંદુ કાપડીયા, ખીમજી મનજી મોણપરા, જયંતી ચના ઉમરેટીયા, હરી માધા સાવલીયા, કલ્પેશ ડુંગર રૈયાણી, સમીર છગન ધવા, છગન માધા સાવલીયા તથા જયેશ છગન ઘવાનો સમાવેશ થાય છે.

આ જમીનનો ખટલો વડી અદાલતમાં ચાલતો હતો. જેમાં વડી અદાલતે કહ્યું હતું કે નિયમો પ્રમાણે જમીન આપવી. 285 એકર જમીન તેમની ચાર પૂત્રીને 17-5-2018ના રોજ આપી હતી. પણ મહેસૂલ વિભાગનો અભિપ્રાય મેળવવામાં આવ્યો ન હતો. ફરી તલાટી રજા પર જતાં બીજી 185 એકર જમીન 5 – 7 – 2018ના રોજ આપી હતી. આમ જમીન એક જ ઠરાવની આપતાં કલેક્ટર કચેરી પાસે પ્રકરણ આવ્યું હતું.

સુરેન્દ્રનગરના પાંચ ગામ રાજકોટ જિલ્લામાં ખસેડવામાં આવ્યા હતા. તેનું મહેસુલી રેકર્ડ રાજકોટ મોકલવાનું હતું. તે સમય દરમિયાન આ કૌભાંડ આચરીને દસ્તાવેજો રાજકોટ કલેક્ટરને મોકલી આપવામાં આવ્યા હતા. આ જમીન 14 ઉદ્યોગપતિઓ દ્વારા ખરીદી લેવામાં આવી છે. જે એરપોર્ટ બની જતાં સોનાની લગડી જેવી કિંમત થઈ જશે.

આ અંગે સરકારે તપાસના આદેશ મોડા કર્યા ત્યારે શંકા તો ગાંધીનગર તરફ સેવવામાં આવી હતી. જ્યારે પ્રજાના રખેવાળ સામે જ પ્રજા શંકા કરે ત્યારે જે ચાણક્યએ કહ્યું હતું એવું કરવું જોઈએ.

ત્રીજું જમીન કૌભાંડ

બામણબોર ખાતે બની રહેલાં આંતરરા।ટ્રીય હવાઈ મથક પાસે કૌભાંડ થયું હતું. બામણબોર તેમજ જીવાપર ગામે રૂ.280 કરોડની 400 એકર જમીન ખાનગી ઠેરવી દેવાના ચોટીલાના તત્કાલીન મામલતદારે આપેલા હુકમને રાજકોટ જીલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ રીવીઝનમાં લઇ પક્ષકારોને નોટીસ કાઢી, સમન્સ પાઠવીને મનાઈ હુકમ આપ્યો હતો.

જમીન ટોચ મર્યાદા હેઠળ ફાજલ કરવાની જમીન લોકોના ખાતે કરી દીધી હતી. રામ નાનજી કે જેની બામણબોરની ખેતીની જમીન ટોચ મર્યાદા ધારાની કલમ-21 નીચે કેસ ચલાવી જમીન ખેતીની નહીં ગણીને ફાજલ જાહેર કરવામાં આવેલ હતી.

સર્વોચ્ચ અદાવતે તમામ પીટીશન્સ કલબ કરી, સુપ્રીમ કોર્ટ દ્વારા વીડ, રોકવાળી, પોત ખરાબા તથા અન્ય પ્રકારની બંજર જમીનને પણ ખેતીની જમીન ગણવા અંગેનો ચુકાદો જાહેર કરેલો હતો. તમામ પીટીશન્સ ડીસમીસ કરવા હુકમ કરવામાં આવેલો.

તેવા સંજોગોમાં 17 વર્ષ બાદ ફરીથી કેસ ચલાવી કરેલા હુકમની કાર્યવાહી કરી, સુપ્રીમ કોર્ટના આદેશનું અવમાન કરેલું હતું. ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારા મુજબ બહેનો-દીકરીઓને યુનિટ મળવાપાત્ર નહીં હોવા છતા તેઓને યુનિટ આપી કાયદાકીય અધિકાર બહારનું આચરણ કરેલું છે.

રાજકોટના નવા એરપોર્ટને અડીને 700 એકર જમીનના તમામ કેસો રાજકોટ જીલ્લા કલેકટરે રીવીઝનમાં લઈ નોટીસો કાઢી સુનાવણી નક્કી કરી છે.

એ.એલ.સી. રેકર્ડસ ઓફ રાઇટસ સહિતના તમામ કાયદાઓનું ઉલ્લંઘન થયું છે. ચોટીલા તાલુકા મામલતદારે વર્ષ 2017માં 700 એકર જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ સુપ્રીમ કોર્ટમાંથી રીમાન્ડ થઇને આવ્યા બાદ તત્કાલીન ચોટીલા મામલતદારે આ કેસો ચલાવી જે ચુકાદા આપી 700 એકર જમીન ગીરાસદારને આપી દીધી હતી.

ચુકાદામાં કોઇ સ્પષ્ટતા એટલે કે એએલસી એકટ તેમજ રેકર્ડસ ઓફ રાઇટસનો ઉલ્લેખ કર્યો નથી. માત્રને માત્ર કેસનું વિવરણ કરીને ગીરાસદારને જમીન આપી દીધી છે. ચુકાદામાં અનેક વિસંગતતા બહાર આવી છે. હિરાસર એરપોર્ટ નજીકની લગડી જેવી જમીન ખાતે થયા બાદ વેચાણ થયું હતું.

બામણબોર અને જીવાપર ગામે ગીરાસદારની 700 એકર જમીન ખેતજમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ખાલસા કરવાપાત્ર હોવા છતા તત્કાલીન ચોટીલા મામલતદારે સુપ્રીમ કોર્ટમાંથી કેસ રીમાન્ડ થયા બાદ ગીરાસદારના ખાતે જમીન દાખલ કરી હતી. ગીરાસદારને ખાતે થયેલી જમીન બાદ આ જમીન ગીરાસદાર દ્વારા વેચાણ કરી દેવામાં આવી હતી. તેના વેચાણ દસ્તાવેજો કરવામાં આવ્યા નથી.

એક કૌભાંડ પર બીજું કૌભાંડ

રાજકોટ હવાઈ મથક પાસે સરકારી જમીન ખાનગી કરીને આચરવામાં આવેલા રૂ.200 કરોડના મોટા કૌભાંડ પર વધું એક કૌભાંડ થયું છે. 800 એકર જમીન ખરીદીને તેના પર બેંક લોન લઈ લેવામાં આવી છે. તેથી સરકારની આ જમીન પર વધું એક કૌભાંડ થયું છે. જમીન ગેરકાયદેસર રીતે ગીરવે મૂકીને ચોટીલા તાલુકાની સરકારી બેંક, સૌરાષ્ટ્ર ગ્રામીણ જિલ્લા બેંક અને અલગ-અલગ રાષ્ટ્રીયકૃત બેંકોમાં બોગસ અને બનાવટી રીતે 80 કરોડ રૂપિયાની લોન લીધી છે.550 એકર જમીન પર લોન લીધી છે. મહીદડ ગામની 210 એકર તેમજ 300 એકરની અન્ય જમીન માર્ગે જ કરવામાં આવી છે.

બેંકો દ્વારા આસામીઓને લોન પણ આપી દેવામાં આવી છે. ચોટીલા પંથકની કૌભાંડવાળી જમીન ઉપર ચોટીલાના બદલે ગોંડલની એક બેંકમાંથી પણ કરોડો રૂપિયાની લોન લેવામાં આવી છે અને આ લોનમાં પણ શંકાસ્પદ વ્યવહારો થયાનુ કહેવાય છે.સરકારી વીડીની કે બીડની જમીન વેચાતી લેવા માટે કલેકટર પાસેથી મંજૂરી લેવાની હોય છે.  તેમ થયું ન હતું અને જમીન કૌભાંડ થયું હતું.

ખેત જમીન ટોચ મર્યાદા કાયદા 1960માં એકટ - 2/1974થી કરેલા સુધારા બાદ બામણબોર, જીવાપર ગામની કુલ 380.20 એકર જમીન મામલતદાર અને કૃષિપંચ ચોટીલાએ ગત તા.30/11/19-88ના હુકમથી ફાજલ જાહેર કરી હતી.

સુપ્રિમકોર્ટ આ બાબતે સરકારની તરફેણમાં નિર્ણય કર્યો હોવા છતા આદેશોનું ખોટું અર્થઘટન કરી જમીન આપવાનો ગેરકાયદે હુકમ કરવામાં આવ્યો હતો. હુકમની સરકારની પરવાનગી મળે તે પહેલા જ ખાનગી લોકો કેટલીક જમીનમાં પ્લોટીંગ પાડી બીનખેતી કરી હતી.

સરકારી જમીન વેંચી નાખવામાં આવી હતી. આ બનાવ અંગે સુરેન્દ્રનગરના તત્કાલીન અધિક કલેકટર સી.જે.પંડ્યા, ચોટીલાના ડે.કલેકટર વી.ઝેડ. ચૌહાણ અને ચોટીલાના ઈન્ચાર્જ મામલતદાર જે.એલ. ઘાડવીને બરતરફ કરીને તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

જમીન ખરીદનારા 13 લોકો સામે એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરે ફરિયાદ કરી છે. જેમાં કૌભાંડ રૂ.200 કરોડનું નહીં 800 એકર જમીનની કિંમત રૂ.3.23 કરોડ જણાવીને ફરિયાદ કરી છે.જમીન ટોચ મર્યાદાની ન્યાયીક કાર્યવાહી દરમિયાન રાજ્ય સેવક તરીકે હોદ્દાનો દુરપયોગ કરી બીનપીયતની જમીન કરાવી ખોટા દસ્તાવેજી પુરા ઊભા કરી સરકારને રૂા.3.23 કરોડનું નાણાકીય નુકશાન કર્યું છે.  સૌથી મોટું 800 એકર સરકારી જમીન કૌભાંડ બહાર આવ્યા બાદ 52 દિવસ સુધી ડેપ્યુટી કલેક્ટર ચન્દ્રકાન્ત પંડ્યા ભાગતો ફરતો હતો.

સુરેન્દ્રનગરની અદાલતમાં તેને રજુ કરવામાં આવ્યો છે. રૂ.200 કરોડની જમીન માત્ર રૂ.11 કરોડમાં આપી દીધી હતી. સુરેન્દ્રનગરના ચોટીલામાં કરોડો રૂપિયાની 800 એકર સરકારી જમીન પાણીના ભાવે વેચી દેવાના કૌભાંડ બહાર આવતા તંત્રમાં દોડધામ મચી હતી.

હીરાસર એરપોર્ટ બનાવવાના પગલે બામણબોર અને જીવાપર ગામની ફાજલ સરકારી જમીન ખેત જમીન ટોચ મર્યાદા ધારા અન્વયે ખાનગી આસામીને ફાળવી દેવામાં આવી હતી. રાજ્ય સરકારે  ચોટીલા તાલુકાના બામણબોર અને જીવાપર ગામની જમીન ખેત જમીન ટોચમર્યાદા એ.એલ.સી.નું ખોટું અર્થઘટન કરીને ખાનગી વ્યક્તિઓને નામે કરી આપવાની ગેરરીતિ આચરવાના કેસમાં સુરેન્દ્રનગરના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર (આર.એ.સી) ચન્દ્રકાન્ત પંડ્યા, ચોટીલાના તત્કાલીન નાયબ કલેક્ટર વી. ઝેડ. ચૌહાણ અને ઇન્ચાર્જ મામલતદાર જે. એલ. ઘાડવીને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કર્યા હતા.

ઇન્ચાર્જ મામલતદાર ઘાડવીએ બામણબોરની જમીન ફાજલ જાહેર કરીને 528 એકર જમીન અંગે વડી અદાલતન આદેશોનું ખોટું અર્થઘટન કરીને સીલીંગ કેસનો નંબર આપીને ખાનગી ઇસમોના નામે ખોટા સેલડીડના આઘારે દાખલ કરવાના ત્રણ હુકમો કરી દીધા હતા. જ્યાં નજીકમાં જ રાજકોટનું એરપોર્ટ બનવાનું છે. સુરેન્દ્રનગરના કલેકટર દ્વારા આ ત્રણેય અધિકારીઓ સામે એસીબીમાં ફરિયાદ નોંધાવવાનો પ્રથમ કિસ્સો હતો.

ખોટા દસ્તાવેજને પુરાવા ઉભા કર્યા અને તેને ખરા તરીકે ઉપયોગ કરી કોર્ટના હુકમનો ખોટુ અર્થઘટન કરી લાભ ળવનારાઓના જમીન ખાતે ચઢાવી તેઓને ગેરકાયદે લાભ પહોંચાડી રાજ્યસેવક તરીકેનો હોદ્દાનો દૂરઉપયોગ કરીને સરકારને કરોડનું નાણાકીય નુકસાન કર્યું હતું. ગેરરીતિમાં સંડોવાયેલા અધિકારીઓ ચન્દ્રકાન્ત પંડયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.માં જનરલ મેનેજર તરીકે અને વી. ઝેઙ ચૌહાણ પોરબંદરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતાં હતા.

સુપ્રિમ કોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરી ચોટીલા તાલુકાની 380 એકર સરકારી જમીન મળતીયાઓને પધરાવી દેવાના કેસમાં જેલવાસ ભોગવતા આરોપીઅધિક કલેકટર સી.જી.પંડ્યાએ પરિવાર અને સંબંધીઓના નામે કરોડો રૂપિયાની મિલ્કત વસાવી છે.

મોટી રકમ એન.આર.આઈ.ને આંગડીયા હવાલા દ્ધારા દેશ બહાર મોકલી હોવાનો ઘટસ્ફોટ એન્ટી કરપ્શન બ્યુરોની તપાસમાં થયો  હતો. દસ્તાવેજો અને બેંક એકાઉન્ટની તપાસમાં ચંદ્રાકાતના ભ્રષ્ટાચારની અનેક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. ચંદ્રકાંત પંડ્યાએ ભ્રષ્ટાચાર થકી મેળવેલી કરોડો રૂપિયાની રકમ બે એન.આર.આઈ.ને હવાલા દ્ધારા વિદેશ મોકલી હોવાના પૂરાવા હાથ લાગ્યા હતા. આ કેસની તપાસ નાયબ નિયામક એન.ડી.ચૌહાણને સોંપવામાં આવી છે. બેનામી સંપતિ મળી આવી હતી. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અને ઈડી (એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ)ને જાણ કરી હતી. ઈડી મની લોન્ડરીંગ મામલે વધુ એક ગુનો નોંધવાનો હતો. પણ એવું કંઈ ન થયું.

જિલ્લા કલેકટર કનકપતિ રાજેશે એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ આપી હતી. એસીબીના મદદનીશ નિયામક ભારતીબહેન પંડ્યાએ સરકાર તરફે ચંદ્રકાંત જી. પંડ્યા, બે એન.આર.આઈ. સહિત અન્ય વિરૂધ્ધ અપ્રમાણસર મિલ્કતની ફરિયાદ નોંધાવી હતી.ચંદ્રકાંત પંડ્યાએ પોતાની સરકારી નોકરી દરમિયાન ભ્રષ્ટાચાર આચરી 6.74 કરોડ રૂપિયા એટલે કે તેની આવક કરતા 88 ટકા વધુ મેળવ્યા છે.

ભ્રષ્ટાચાર થકી મેળવેલા કરોડો રૂપિયામાંથી 70 લાખ રૂપિયા યુકે મોકલાયા હોવાની માહિતી સામે આવી છે. ચંદ્રકાંત પંડ્યાએ પેલીકન ઈન્ફ્રાસ્ટ્રચર કંપનીના બે એન.આર.આઈ. માલિકોને આંગડીયામાં હવાલા કરાવી લાખો રૂપિયા મોકલી આપ્યા છે.

બેનંબરી નાંણાકીય વ્યવહાર માટે ધર્મેશ પટેલ નામના એક શખ્સે મીડલ મેનની ભૂમિકા ભજવી હોવાનું તેમજ એક અન્ય કંપનીની સંડોવણી સામે આવી છે. એસીબીને 21 લાખ રૂપિયાનો હવાલો થયો હોવાના પૂરાવારૂપે એક રિસીપ્ટ પણ હાથ લાગી છે. ચંદ્રકાંત પંડ્યાએ તેની પુત્રીઓ અને ધર્મની ભાણીના નામે અમદાવાદ, વડોદરા અને રાજકોટ શહેરમાં 4.30 કરોડની મિલકત વસાવી છે.

ભ્રષ્ટાચાર માટે મિલકતની તપાસ છ મહિના સુધી ચાલેલી હતી. તપાસમાં આરોપી ચંદ્રકાંત પંડ્યાના પરિવારજનો અને સંબંધીઓના સ્ટેટમેન્ટની એસીબીએ વિડીયોગ્રાફી કરી છે. કોના નામે કેટલી મિલકત ખરીદવામાં આવી તેમજ કેટલા બેંક ટ્રાન્જેકશન કરવામાં આવ્યા તેવી તમામ માહિતીની તપાસ અધિકારીએ ઓન કેમેરા પૂછપરછ કરી હતી.

આ ત્રણ ત્રણ જમીન કૌભાંડો 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જાહેર સભામાં ગુંજશે. ત્યારે આંગળી તો ભાજપની રૂપાણી સરકાર તરફે ચીંધાશે. તેથી જેમ બને તેમ વહેલા ગુજરાતના સૌથી મોટા જમીન કૌભાંડની વિગતો પ્રજા ઈચ્છે છે એવી ધારાસભ્યોની તપાસ સમિતિ રચીને કરવી જોઈએ. જો તેમ નહીં થાય તો સત્તા કંઈક છુપાવવા માટે છે એવું પ્રસ્થાપિત થશે.

જો રૂપાણી સમિતિ બનાવવા ન માંગતા હોય તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્યોની તપાસ સમિતિ બનાવીને પ્રજા જે વિગતો આપવા માંગે છે અને જાણવા માંગે છે તે શોધી કાઢવું જોઈએ. વિધાસભાના અધ્યક્ષ જો કંઈ ન કરી શકે તેમ હોય તો રાજ્યપાલ દ્વારા આવી તપાસ સમિતિ કે તપાસ પંચ નિયુક્ત કરવું જોઈએ. સત્ય હંમેશ સત્ય હોય છે એવું જાહેર થઈ જશે.

આખરે કોઈ જ કંઈ ન કરવા માંગતા હોય તો આમ આદમી પક્ષ કે કોંગ્રેસ દ્વારા તેની પ્રજાકિય અને રાજકીય નેતાઓની સમિતિ દ્વારા તપાસ કરવી જોઈએ.

 

 

 

પ્રજાના આ પ્રશ્નો છે, પ્રજા કંઈજ જાણવા માંગે છે તે શું છે તે ભાજપની સરકારે સારી રીતે સમજવાની જરૂર છે.

 

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.