હાર્ટએટેકનું કારણે કોરોના વેક્સીન છે? મંત્રી મનસુખ માંડવિયાએ આપ્યો આ જવાબ

PC: thehindubusinessline.com

છેલ્લાં કેટલાંક સમયથી યુવાન વયના લોકોમાં અચાનક હાર્ટએટેકના કેસો વધી જવાને કારણે એવી ચર્ચા ઉભી થઇ હતી કે કોરોના વેક્સીનને કારણે હાર્ટએટેકના કેસો વધી રહ્યા છે, પરંતુ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ વાતને ફગાવી દીધી છે.

કોવિડ-19 એ પેન્ડામિકને બદલે એન્ડામિક બનવાની અણી પર છે, પરંતુ દેશના વૈજ્ઞાનિકો તેના દરેક નવા પ્રકાર પર ચાંપતી નજર રાખી રહ્યા છે. આ સાથે સરકાર પણ હાઈ એલર્ટ પર રહેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે, 20 જૂને આ વાત કહી છે. આ સાથે, તેમણે તાજેતરમાં કાર્ડિયાક અરેસ્ટના કેસોમાં કોવિડ વેક્સીનનેકારણે વધારો થઇ રહ્યાના અહેવાલોને ફગાવી દીધા છે.

મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, કોવિડ રસી સંબંધિત સંશોધનથી લઈને તેને લગાવવા સુધીની સમગ્ર પ્રક્રિયામાં તમામ સ્થાપિત આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું. વિવિધ શારીરિક અને સામાન્ય પ્રક્રિયાઓને કારણે અગાઉ વેક્સીનને બનાવવામાં અને મંજૂર કરવામાં વધુ સમય લાગતો હતો, પરંતુ આ વખતે અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સહિતની અદ્યતન ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે અને તેથી આખી પ્રક્રિયા ઝડપી થઇ શકી છે.

હકીકતમાં, મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે વેક્સીન માટે આપવામાં આવેલી મંજૂરી લાંબા ગાળાની આડઅસરોને ધ્યાનમાં લીધા વિના ઉતાવળમાં કરવામાં આવી હતી અને આ જ કારણ છે કે તાજેતરમાં હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે.  આરોગ્ય મંત્રીએ ન્યૂઝ એજન્સી PTIને કહ્યું કે,વડાપ્રધાન મોદીએ કોવિડ મેનેજમેન્ટથી લઈને રસીના સંશોધન અને રસીકરણ અભિયાન માટે મંજૂરી સુધીની તમામ પ્રક્રિયાઓ માટે શરૂઆતથી જ વૈજ્ઞાનિક પદ્ધતિઓનું પાલન કર્યું હતું.

મનસુખ માંડવિયાએ કહ્યું કે અમે  મહામારી સામે લડવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનું પાલન કર્યું. ડેટા વિશ્લેષણ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર હાથ ધરવામાં આવ્યું હતું. ભારતે એ જ આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કર્યું જે વૈશ્વિક કંપનીઓ અનુસરે છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી તરીકે, મનસુખ માંડવિયા પાસે ફાર્માસ્યુટિકલ્સ વિભાગનો હવાલો પણ છે, જે તેઓ લાંબા સમયથી સંભાળી રહ્યા છે.

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, ભારતમાં વેક્સીન ખુબ ઝડપથી લાવવામાં આવી, પરંતુ વેક્સીનની ઝડપ વિશે સવાલ પુછનારા લોકોએ સમજવું જોઇએ કે મંજૂરી જલ્દી કેમ મળી?  તેમણે કહ્યું કે, પહેલા ડેટા એકત્ર કરવામાં આવતો, એનાલીસીસ કરવામાં આવતું અને બીજી ઘણી બધી પ્રક્રિયાઓ થતી, જેમાં ઘણો સમય લાગતો, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. આજે આપણી પાસે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડિજિટલ ટેક્નોલોજી છે, જેની મદદથી આપણે કામને ઝડપી બનાવી શકીએ છીએ.

દરમિયાન, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કાર્ડિયાક અરેસ્ટ અને કોવિડ-19 રસીથી થતા મૃત્યુમાં અચાનક થયેલા વધારા વચ્ચેની સંભવિત લિંક પર એક અભ્યાસ હાથ ધર્યો છે, જે આગામી બે અઠવાડિયામાં બહાર આવી શકે છે. મનીકંટ્રોલ વેબસાઇટે ICMRના ડાયરેક્ટર જનરલ રાજીવ બહેલને ટાંકીને આ માહિતી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાર્ટ એટેક અને કોવિડ વેક્સીન વચ્ચેની લિંક શોધવા માટે સંશોધકોએ ચાર અલગ-અલગ અભ્યાસ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp