- Lifestyle
- જયા કિશોરી પાસેથી જાણો છૂટાછેડા થવાનું કારણ, લગ્ન ટકાવી રાખવા પહેલા કરો આ કામ
જયા કિશોરી પાસેથી જાણો છૂટાછેડા થવાનું કારણ, લગ્ન ટકાવી રાખવા પહેલા કરો આ કામ
ભારતમાં લગ્નને સાત જન્મનું બંધન માનવામાં આવે છે, પરંતુ પરસ્પર વિખવાદના કારણે આજકાલ છૂટાછેડાના કિસ્સાઓમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. લગ્નના હજુ થોડા દિવસો જ થાય છે ત્યાં, પતિ-પત્ની એકબીજાથી અલગ થવાનો નિર્ણય પણ લઇ લે છે. પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડો એ એકદમ સામાન્ય બાબત છે, પરંતુ આ ઝઘડાઓ વચ્ચે પ્રેમ જાળવી રાખવો આજકાલના પતિ પત્ની માટે ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આ જ કારણ છે કે, કેટલાક લોકો લગ્નના બેથી ત્રણ મહિનામાં જ એકબીજાથી અલગ થઈ જાય છે અને છૂટાછેડા લેવાનું નક્કી કરી નાખે છે. આધ્યાત્મિક અને પ્રેરક વક્તા જયા કિશોરી છૂટાછેડાની વધતી સંખ્યા પાછળનું કારણ બતાવી ચુકી છે, અને લગ્ન જીવન લાબું ટકાવી રાખવા માટે કેટલીક ટીપ્સ પણ આપે છે.
જયા કિશોરી એક વીડિયોમાં જણાવે છે કે, કેટલાક રિપોર્ટ્સ કહે છે કે, પહેલાના સમયમાં 70 થી 80 ટકા લગ્ન જીવન એટલા માટે ટકી રહેતા હતા કારણ કે, તે વખત મહિલાઓ ઘણું બધું સહન કરી લેતી હતી. જો કે, આ જમાનામાં છોકરીઓ ચૂપ નથી રહેતી, જે એકદમ યોગ્ય છે. જો તમારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે, તો તેના માટે બોલવું યોગ્ય છે. આ સિવાય સંબંધ બાંધતી વખતે તેઓ દિલથી વિચારે છે અને પછી સમસ્યાઓ સામે આવે છે. જયા કિશોરી કહે છે કે, કોઈની સાથે લગ્ન કરતા પહેલા તેને જાણવું જરૂરી છે. કોઈપણ સંબંધમાં બંધાતા પહેલા એકબીજાના સ્વભાવને સમજવો જરૂરી છે.

જયા કિશોરી કહે છે કે, પ્રેમ લગ્ન હોય કે અરેન્જ્ડ મેરેજ, બંનેમાં સમય આપવો જરૂરી છે. લગ્ન પહેલા તમારા ભાવિ જીવનસાથીને ત્રણથી ચાર વાર મળો. આમ કરવાથી તમે તે વ્યક્તિની વિચારસરણી અને સારી-ખરાબ આદતોને જાણી શકશો. એકબીજાના સ્વભાવને સમજવો ખૂબ જ જરૂરી છે.
કોઈની ભલાઈ જોઈને તમે લગ્ન કરો છો તો તે ખોટું છે. જ્યારે તમે કોઈની સાથે લગ્ન કરો છો, ત્યારે તેના ખરાબ સ્વભાવને પણ જાણવાનો પ્રયાસ કરો. પછી જો તમને લાગે કે, તમે તેમને સંપૂર્ણપણે સ્વીકારી શકો છો તો જ લગ્ન કરવાનો નિર્ણય કરો. ઉતાવળમાં કંઈ ન કરો. જો બધું જ પરફેક્ટ જોઈતું હોય તો ધીરજ, સમય અને વિચાર જરૂરી છે.
જો તમે લગ્ન પહેલા પાર્ટનરને સમજવામાં પૂરો સમય લીધો હતો અને અને હજુ પણ બંને વચ્ચે અણબનાવ છે અને તમે અલગ થવા માંગો છો, તો તમારે છૂટાછેડાની પ્રક્રિયામાંથી પસાર થવું જોઈએ. કારણ કે, જો તમે એકબીજાને સમજીને પણ તે નિભાવી શકતા નથી તો આવા સંબંધમાં બંધાઈ રહેવાનો કોઈ ફાયદો નથી.

