Video:ફોટાના ચક્કરમાં દરિયાના મોજામાં વહી ગઇ મા,દીકરી મમ્મી-મમ્મી ચીસો પાડતી રહી

PC: newsnationtv.com

કહેવાય છે કે અગ્નિ, હવા અને પાણી સાથે ક્યારેય રમત ન કરવી જોઈએ કારણ કે તે જીવલેણ બની શકે છે. ક્યારેક વિડિયોના કારણે તો ક્યારેક ફોનમાંથી સેલ્ફીના કારણે લોકોએ અનેકવાર જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં વાયરલ થયેલા એક ભયાનક વીડિયોને જોઈને પણ આ જ સમજાય છે. આમાં એક કપલ મુંબઈના બાંદ્રામાં બેન્ડસ્ટેન્ડમાં પરિવાર સાથે એન્જોય કરતા જોવા મળે છે, પરંતુ તે પછી જે થાય છે તે ડરામણું છે. અને સાથે સાથે તે જિંદગીનો પાઠ પણ શિખવાડી જાય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે એક દંપતિ એક મોટા પથ્થર પર બેસીને દરિયાની લહેરોની મજા લઇ રહ્યા છે અને તેમની નાની દીકરી વીડિયો બનાવી રહી છે. વીડિયોમાં બાળકીનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે. સમુદ્રના મોજાઓ ઉપર ઉછળી રહ્યા છે અને પતિ-પત્ની એકબીજાને પકડીને બેઠા છે.. આ પછી એક જોરદાર મોજું આવે છે અને મહિલાને પોતાની સાથે લઈ જાય છે. બાળક અને પિતા આઘાતમાં જોઈ રહ્યા. વીડિયોમાં 'મમ્મી-મમ્મી’ ચીસો પાડતી છોકરીનો ધ્રૂજતો અને નર્વસ અવાજ સ્પષ્ટ સંભળાય છે.

મહિલાની ઓળખ જ્યોતિ સોનાર  તરીકે થઇ છે અને તેણી 32 વર્ષની હતી. મહિલાનો પતિ મુંબઇના ગૌતમ નગરનો છે અને તેનું નામ મુકેશ સોનાર છે. મુકેશ એક ખાનગી કંપનીમાં ટેક્નિશ્યન તરીકે કામ કરે છે. મુકેશે ઘટનાની માહિતી આપતા કહ્યું છે કે, મેં મારી પત્ની જ્યોતિને બચાવવાની પુરી કોશિશ કરી, પરંતુ  હું તેને બચાવી ન શક્યો. જ્યારે અમે પથ્થર પર બેઠા હતા ત્યારે ચોથી લહરના પાછળથી આવેલા એક મોટા મોંજાને કારણે મારું બેલેન્સ ખોરવાયું હતું અને અમે બંને ફસડાઇ પડ્યા હતા. અચાનક બનેલી ઘટનામાં મેં મારી પત્નીની સાડી પકડીને બચાવવાની કોશિશ કરી હતી તે વખતે કોઇ વ્યકિતએ મારા પગ પકડી રાખ્યા હતા. પરંતુ હું જ્યોતિને બચાવી શક્યો નહી.

મુકેશે કહ્યું કે, મારી પકડ મજબૂત હોવા છતાં તે તેની સાડી પરથી અને મારી નજર સામેથી સરકી ગઈ અને દરિયો મારી નજર સામે મારી પત્નીને ખેચીં ગયો. મારા બાળકો ત્યાં હતા. તેઓએ મદદ માટે બૂમો પાડી પણ કોઈ કંઈ કરી શક્યું નહીં. મને ખબર નથી કે મારા સંતાનો આ ઘટનામાંથી કેવી રીતે બહાર આવી શકશે.

આ ઘટના શનિવારે લગભગ સાંજે 5 વાગ્યે અને 12 મિનિટે બની હતી. આ ઘટનાને નજરે જોનારા લોકોએ પોલીસ અને ફાયરને જાણ કરી હતી. પોલીસ અને ફાયરના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રવિવારે મોડી રાત સુધી શોધખોળ બાદ જ્યોતિનો મૃતદેહ મળ્યો હતો.

જ્યોતિના પતિ મુકેશે કહ્યુ કે, મારા 3 સંતાનો છે, જેમાં એક 12 વર્ષની દીકરી, એક 6 અને એક 8 વર્ષનો એમ બે બાળકો છે. અમે પરિવારના પાંચેય ઘણીવાર પિકનિક મનાવીએ છીએ. બાળકો ફરવા જવા માટે આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે.

મુકેશે કહ્યું કે આ વખતે અમે  જુહૂ ચોપાટી પર જવાનું નક્કી કર્યુ હતું, જો કે હાઇ ટાઇડને કારણે જુહૂ બીચ પર એન્ટ્રી બંધ હતી. જુહૂમાં ભેલપુરી ખાધા પછી અમે બાંન્દ્રા જવા માટે નિકળી ગયા હતા. અહીં ફોટો લેતી વખતે દુર્ઘટના બની ગઇ અને મારે પત્ની ગુમાવવી પડી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp