કલ્ચરલ સેન્ટરના શુભારંભમાં નીતા અંબાણીએ સંસ્કૃતિને લઇને કહી હૃદયસ્પર્શી વાત
ક્રિક્રેટ હોય, શિક્ષણ હોય, બિઝનેસ હોય કે પછી ફેશનની વાત હોય દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા હમેંશા ચર્ચામાં રહે છે. મુંબઇમાં 1લી એપ્રિલે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરને ખુલ્લું મુકવામાં આવ્યું છે.
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના શુભારંભમાં નીતા અંબાણીએ પોતાના સંબોધનમાં એવી હૃદયસ્પર્શી વાત કરી છે કે લોકો સોશિયલ મીડિયામાં તેમના ભરપેટ વખાણ કરી રહ્યા છે. નીતા અંબાણીએ તેમના સંબોધનમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને તેની ભવ્યતાને રેખાંકિત કરી હતી. NMACC ના ઉદઘાટન સમારોહનું આયોજન કરતાં તેમણે કહ્યું કે આ સેન્ટર મારા સુંદર દેશ ભારતને સમર્પિત છે.
NMACC ના ઉદઘાટન સમારોહમાં નીતા અંબાણીએ જે સ્પીચ આપી તે ભાવ વિભોર કરી દેનારી છે, તેમણે કહ્યું કે,આપણી સંસ્કૃતિ હજારો વર્ષોથી ટકી રહી છે એટલું જ નહીં પણ ફુલી ફાલી છે. આપણી સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એક છીએ જે વિવિધતાઓથી ભરેલી છે. મુકેશ અંબાણી અને મારા માટે, NMACC એક સ્વપ્ન સાકાર થવા સમાન છે. અમે લાંબા સમયથી એક સપનું સેવ્યું હતું કે ભારત વિશ્વ કક્ષાનું સાંસ્કૃતિક હબ હોવું જોઇએ. સિનેમા, સંગીત, નૃત્ય અને નાટક, સાહિત્ય અને લોકકથા, કલા અને હસ્તકલા, વિજ્ઞાન અને આધ્યાત્મિકતા, આ તમામ ભારતની અમૂર્ત રાષ્ટ્રીય સંપત્તિ છે. અમે કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા.
નીતા મુકેશ અંબાણીએ સાંસ્કૃતિક કેન્દ્રના ઉદઘાટનમાં આગળ કહ્યુ કે, સંસ્કૃતિ આપણી સમજ, સહિષ્ણુતા અને સન્માનના દોરાને વણે છે, જે સમાજ અને દેશને એકબીજા સાથે જોડીને રાખે છે. સંસ્કૃતિ માનવતા માટે આશા અને ખુશી લાવે છે. એક કલાકાર તરીકે હું એવી અપેક્ષા રાખું છે કે આ સેન્ટર કલા, કલાકારો અને દર્શકો માટે મહત્વપૂર્ણ સ્થાન સાબિત થાય.
નીતા અંબાણીએ કહ્યું કે NMACC એ એવું સેન્ટર છે જ્યાં, કલાકાર પોતાના પર ગર્વ મહેસુસ કરી શકે છે. અમે આ હબની કલ્પના કરીએ છીએ કે તે માત્ર મોટા શહેરોમાંથી જ નહીં પરંતુ દેશના નાના શહેરો, નગરો અને દૂરના ગામડાઓમાંથી પણ શ્રેષ્ઠ પ્રતિભાઓનું ઘર બની શકે. જ્યાં સુધી આપણી પાસે પ્લેટફોર્મ છે, એક અવાજ છે, આપણી પાસે બોલવાની અને દુનિયાને બદલવાની શક્તિ છે. અમે ઇચ્છીએ છીએ કે તે એક એવું કેન્દ્ર બને જે કલા, સંસ્કૃતિ અને જ્ઞાનની ત્રિમૂર્તિનું સંગમ હોય.
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર મુંબઇમાં આવેલા જિઓ વર્લ્ડ સેન્ટર, G બ્લોકસ બાંદ્રા કુર્લા કોમ્પ્લેકસ, બાંદ્રા ( ઇસ્ટ)માં શરૂ કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp