
ટાટા સંસના ચેરમેન એમરિટસ (અવકાશ પ્રાપ્ત) રતન ટાટા આજે 28ની ડિસેમ્બરના રોજ પોતાનો 85મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રતન ટાટા ફક્ત એક દિગ્ગજ ઉદ્યોગપતિ તરીકે જ જાણીતા નથી પણ સામાજિક કાર્યોની સાથે સાથે દેશના નવા ઉભરતા સ્ટાર્ટઅપ્સને પણ તેઓ સપોર્ટ આપવા માટે વિખ્યાત છે. બે દાયકાથી વધારે સમય સુધી રતન ટાટા ટાટા સંસના ચેરમેન પદ પર રહેતા દિગ્ગજ કંપનીઓનું દુનિયાભરમાં અધિગ્રહણ કરીને ટાટા સમૂહને તેઓ એક નવા મુકામ પર લઇ ગયા છે.
28મી ડિસેમ્બર, 1937ના રોજ રતન ટાટાનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ નવલ ટાટા હતું અને તેમના માતાનું નામ સુન્નુ ટાટા હતું. મુંબઇની ચેમ્પિયન સ્કૂલમાં 8મા ધોરણ સુધી તેમણે શિક્ષણ હાંસલ કર્યું. ત્યાર બાદ તેમણે મુંબઇની કેથેડ્રલ અને ઝોન કોનોન સ્કૂલ સિવાય શિમલાની બિશપ કોટ્ટન સ્કૂલમાંથી પણ શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1955માં તેમણે ન્યુયોર્ક સિટીની રિવરડેલ કંટ્રી સ્કૂલથી ગ્રેજ્યુએટની ડિગ્રી લીધી અને અમેરિકાની કોરનેલ યૂનિવર્સિટીથી આર્કિટેક્ચર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં ડિગ્રી હાંસલ કરી. 1975માં તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટનું ભણતર પુરું કર્યું.
1962માં રતન ટાટાએ ટાટા સ્ટીલથી પોતાની શરૂઆત કરી. તેમને નવ વર્ષ બાદ નેશનલ રેડિયો એન્ડ ઇલેક્ટ્રોનિક્સ કંપનીમાં ડાયરેક્ટર બનાવવામાં આવ્યા. 1977માં તેમને ટાટા સમૂહની કંપની ઇંપ્રેસ મિલ્સમાં મોકલવામાં આવ્યા જે થોડા સમય બાદ બંધ થઇ ગઇ હતી. 1991માં જમશેદજી ટાટાએ રતન ટાટાને પોતાના ઉત્તરાધિકારી પસંદ કર્યા. ત્યાર બાદ રતન ટાટા સતત ટાટા ગ્રુપને નવી ઉંચાઇઓ પર લઇ ગયા. 1998માં તેમણે પહેલી દેશી ઘરેલુ નાની કાર ઇન્ડિકા લોન્ચ કરી. 2008માં રતન ટાટાએ ભારતમાં મધ્યમવર્ગને ધ્યાનમાં રાખતા એક લખટકિયા કાર નેનો પણ લોન્ચ કરી હતી.
ચેરમેન પદ પર રહેતા તેમણે વિદેશી કંપની ટેટલીથી લઇને કોરસ, જેગુઆર-લેન્ડરોવરનું પણ અધિગ્રહણ કર્યું. રતન ટાટા 90ના દાયકામાં પણ એવિએશનના ક્ષેત્રમાં પગ રાખવા ચાહતા હતા જે ત્યારે સફળ ન થઇ શક્યું. બાદમાં તેમણે વિસ્તારાને લોન્ચ કરી અને હવે એર ઇન્ડિયા ફરીથી ટાટાનું થઇ ચૂક્યું છે જે રતન ટાટાનું એક મોટું સપનું હતું. રાષ્ટ્રીયકરણ થવા પહેલા એર ઇન્ડિયા ટાટાનું જ હતું. રતન ટાટાના ચેરમેન રહેતા ટાટા ગ્રુપનો રેવન્યુ 40 ગણો વધ્યો અને નફો 50 ગણો વધ્યો. 28મી ડિસેમ્બર, 2012માં રતન ટાટાએ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું. ત્યાર બાદ સાયરસ મિસ્ત્રીને ચેરમેન બનાવવામાં આવ્યા. જોકે, 24મી ઓક્ટોબર, 2016ના રોજ સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી હટાવવામાં આવ્યા અને નટરાજન ચંદ્રશેખરનને ટાટા સંસના ચેરમેન બનાવવામાં આવ્યા.
રતન ટાટા દિગ્ગજ દાનવીરોમાંના એક છે. તેમના 65 ટકા શેર્સ ચેરિટેબલ ટ્રસ્ટમાં રોકાયા છે. જેમાં કોરનેલ યૂનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થિઓને ટાટા સ્કોલરશીપ ફંડ દ્વારા નાણાંકીય સહાય પ્રદાન કરવામાં આવે છે. 2010માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં એક્ઝીક્યુટિવ સેન્ટરના નિર્માણ માટે પણ 50 મિલિયન ડોલરનું દાન તેમણે કર્યું હતું. 2014માં IIT મુંબઇને પણ 95 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. કોરોના મહામારી દરમિયાન 1500 કરોડ રૂપિયા મહામારીથી લડવા માટે આપ્યા અને સ્વાસ્થ્ય સેવાના પ્રબંધ માટે સરકારને દાન કર્યું હતું. 26મી નવેમ્બર, 2008ના રોજ મુંબઇ આતંકી હુમલા દરમિયાન રતન ટાટાનું નવું વ્યક્તિત્વ સામે આવ્યું હતું. તેઓ પોતે તાજ હોટલની બહાર ઊભા હતા અને પીડિતોને મદદ સુનિશ્ચિત કરવા માટે પોતે હોટલની બહાર ઉભા રહ્યા હતા. હુમલામાં માર્યા ગયેલા કે ઘાયલ થયેલા હોટલના દરેક 80 કર્મચારીઓના ઘરે તેઓ પોતે ગયા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આતંકવાદી હુમલામાં તાજ હોટલ પેલેસને ઘણું નુકસાન થયું હતું. પણ તાજ હોટલ ગ્રુપની કંપની ઇન્ડિયન હોટલ્સના ચેરમેન હોવાથી તેમણે હોટલનો ફરી જિર્ણોદ્ધાર કરાવ્યો.
રતન ટાટાએ અત્યાર સુધી 30 કરતા પણ વધારે સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે. જેમાં ઓલા ઇલેક્ટ્રિક, પેટીએમ, કારદેખો, સ્નેપડીલ, અર્બન કંપની, અર્બન લેડર, લેન્સકાર્ટ અને ક્યોર ડોટ ફિટ જેવા સ્ટાર્ટપ્સ શામેલ છે. રતન ટાટા પોતાના પર્સનલ કેપેસિટીમાં કે પછી પોતાના ઇનવેસ્ટમેન્ટમાં કંપની RNT કેપિટલ એડવાઇઝર્સ દ્વારા રોકાણ કરે છે.
રતન ટાટાની નેટવર્થ લગભગ 3500 કરોડ રૂપિયાની નજીક છે. IIFL વેલ્થ હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ અનુસાર, તેઓ અમીરોની સૂચિમાં 433મા નંબર પર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp