અદાણીના ત્રિમાસિક પરિણામ જાહેર થતા શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સ 600 અંક ઉછળ્યો

PC: indianexpress.com

અઠવાડિયાના બીજા કારોબારી દિવસ મંગળવારે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. ગૌતમ અદાણીના નેતૃત્વવાળી અદાણી એન્ટરપ્રાઈઝના ત્રીજા ત્રિમાસિકના પરિણામ જાહેર થયા બાદ માર્કેટમાં ઉછાળો આવ્યો અને આ લીડ અંત સુધી ચાલુ રહી. કારોબાર પૂર્ણ થવા પર બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા ઈન્ડેક્સ સેન્સેક્સે 600 અંકોની છલાંગ લગાવી અને 61032.26ના લેવલ પર બંધ થયો. તેમજ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 159 અંકોની તેજી સાથે 17929.85ના સ્તર પર બંધ થયો. આ પહેલા ગ્લોબલ માર્કેટમાં તેજીની વચ્ચે ઘરેલૂં શેર બજાર પણ મજબૂતી સાથે ઓપન થયુ હતું. સેન્સેક્સે આશરે 200 અંકોના વધારા સાથે 60600ના સ્તર પર કારોબાર શરૂ કર્યો હતો, જ્યારે નિફ્ટી પણ સામાન્ય 4 અંકોના વધારા સાથે 17800ના લેવલ પર ખુલ્યો હતો. શેર બજારમાં આવેલી આ જોરદાર તેજીની પાછળ ગૌતમ અદાણીની કંપની Adani Enterprises ના ત્રીજા ત્રિમાસિકના પરિણામો પણ માનવામાં આવી શકે છે.

અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગના વંટોળમાં ફસાયેલા ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડે મંગળવારે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકના પોતાના પરિણામ જાહેર કરી દીધા છે. આ દરમિયાન કંપનીનો કંસોલિડેટેડ નેટ પ્રોફિટ 820 કરોડ રૂપિયા રહ્યો છે. કંપનીએ ડિસેમ્બરના ત્રિમાસિકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગત વર્ષના આ ત્રિમાસિકમાં અદાણી એન્ટરપ્રાઈઝીસને 11.63 કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી. પરંતુ, આ વર્ષના ડિસેમ્બર ત્રિમાસિકમાં અદાણી એન્ટરપ્રાઈઝીસે જોરદાર નફો નોંધાવ્યો છે.

ત્રિમાસિકના પરિણામ આવ્યા બાદ અદાણી એન્ટરપ્રાઈઝીસના શેરોમાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે, હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદથી એક જ દિવસમાં અદાણી એન્ટરપ્રાઈઝીસના શેર 35 ટકા કરતા વધુ તૂટ્યા હતા. આજે પરિણામ આવ્યા બાદ અદાણી એન્ટરપ્રાઈઝીસના શેર 4 ટકા સુધી ચડી ગયા હતા. જોકે, કારોબારના અંતમાં આ વધારો થોડો ઓછો થયો અને કંપનીના સ્ટોક 1.88 ટકા અથવા 32.35 રૂપિયાના વધારા સાથે 1750 રૂપિયા પર ક્લોઝ થયા.

મંગળવારે શેરબજારમાં આવેલી તેજીને પગલે BSEમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં જોરદાર ઉછાળો આવ્યો અને તે 265.95 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો. અગાઉના કારોબારી દિવસ સોમવારે આ આંકડો 265.76 લાખ કરોડ રૂપિયા પર નોંધવામાં આવ્યો હતો. આ પ્રમાણે જોઈએ તો તેના ઈન્વેસ્ટર્સની સંપત્તિમાં મંગળવારે આશરે 19 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. માર્કેટ બંધ થવા પર 30માંથી 19 શેરોમાં તેજી અને 11માં ઘટાડો જોવા મળ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp