1 એપ્રિલથી લાગૂ થશે બજેટમાં જાહેર કરાયેલા આ 10 બદલાવો, તમારા પર પણ અસર થશે

PC: gnttv.com

1 એપ્રિલથી માત્ર મહિનો જ નથી બદલાઇ રહ્યો પરંતુ, નવા નાણાકીય વર્ષ 2023-24ની પણ શરૂઆત થવા જઈ રહી છે. નવું કારોબારી વર્ષ દર વખતે નવા બદલાવ લઇને આવે છે. તેમાંથી કેટલાકની જાહેરાત બજેટમાં તો કરી દેવામાં આવી હતી પરંતુ, તેના લાગૂ થવાની તારીખ 1 એપ્રિલ છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા દવા, સોનું અને ટેક્સ સાથે સંકળાયેલા કેટલાક બદલાવ પણ કરવામાં આવ્યા છે, જેના લાગૂ થવાની તારીખ પણ 1 એપ્રિલ છે. તમે પણ આ 10 બદલાવો વિશે જાણી લો.

નવા ટેક્સ રિઝીમમાં બદલાવ

દેશના આશરે કરોડો ટેક્સપેયર્સ માટે 1 એપ્રિલ ઘણા મોટા બદલાવ લઈને આવી રહ્યા છે. બજેટમાં નાણા મંત્રી દ્વારા નવા ટેક્સ રિઝીમને લઈને કરવામાં આવેલી જાહેરાતો લાગૂ થઈ જશે. તે અંતર્ગત રિબેટની લિમિટ 5 લાખથી વધારીને 7 લાખ રૂપિયા થઈ જશે. આ ઉપરાંત, નવા ટેક્સ રિઝીમને અપનાવનારા લોકોને 50000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ લાભ મળશે. એટલે 7.5 લાખ રૂપિયા સુધીની સેલેરી હવે ટેક્સ ફ્રી હશે. નવી ટેક્સ વ્યવસ્થા અંતર્ગત ટેક્સ સ્લેબ 0થી 3 લાખ પર શૂન્ય, 3-6 લાખ પર 5 ટકા, 6થી 9 લાખ રૂપિયા પર 10 ટકા, 9થી 12 લાખ પર 15 ટકા અને 15 લાખની ઉપર 30 ટકા છે.

હોલમાર્ક નિયમોમાં બદલાવ

જો તમે સોનુ ખરીદવા જઈ રહ્યા હો તો 1 એપ્રિલથી હોલમાર્કિંગના બદલાયેલા નિયમોને પણ જાણવુ જરૂરી છે. આ મહિને સરકારના નિયમોમાં બદલાવ કર્યો છે જે 1 એપ્રિલથી લાગૂ થશે. નવા નિયમ અંતર્ગત હવે 6 ડિજિટવાળા અલ્ફાન્યૂમરિક હોલમાર્કિંગ તમામ સોનાની જ્વેલરી માટે જરૂરી હશે. તેને હોલમાર્ક યૂનિક આઇડેન્ટિફિકેશન નંબર કહેવાય છે.

મહિલા સન્માન સ્કીમની થશે શરૂઆત

બજેટમાં નાણા મંત્રીએ મહિલાઓ માટે એક ખાસ બચત સ્કીમની શરૂઆત કરી હતી. આ સ્કીમ છે મહિલા સન્માન સેવિંગ સર્ટીફિકેટ, જેમા મહિલાઓને નિવેશ કરવા પર 7.5 ટકા વ્યાજ મળશે. મહિલાઓ 2 વર્ષો માટે મહત્તમ 2 લાખ રૂપિયા જમા કરી શકશે. 2 લાખ રૂપિયાની સ્કીમથી બે વર્ષમાં 32 હજાર રૂપિયાનો ફાયદો થશે.

ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ પર ટેક્સ લાભ સમાપ્ત

જો તમે ટેક્સ લાભના ચક્કરમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં નિવેશ કરી રહ્યા હો તો 1 એપ્રિલથી તમને આ લાભ નહીં મળશે. ડેટ ફંડ પર મળનારો લોંગ ટર્મ બેનિફિટ 1 એપ્રિલ, 2023થી સમાપ્ત થઈ જશે. હવે તેના પર મળનારું રિટર્ન શોર્ટ ટર્મ ગેંસ માનવામાં આવશે અને તમારા ટેક્સ સ્લેબ પ્રમાણે તમારે ટેક્સ આપવો પડશે. જોકે, આ નિયમ એ જ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ પર લાગૂ થશે જે 1 એપ્રિલે અથવા ત્યારબાદ ખરીદશો, પહેલાથી ખરીદવામાં આવેલા ફંડ્સ પર કોઈ અસર નહીં થશે.

બંધ થશે પ્રધાનમંત્રી વય વંદના યોજના

વૃદ્ધાવસ્થા પેન્શન સાથે સંકળાયેલી એક પ્રમુખ સ્કીમ પ્રધાનમંત્રી વય વંદના યોજના પણ 1 એપ્રિલથી બંધ થઈ રહી છે. NPSના બીજા સાધનો તરફ આકર્ષણ વધારવા માટે સરકાર આ પ્રમુખ યોજનાને બંધ કરી રહી છે. આ યોજનામાં એકસાથે જમા કરાવેલી રકમ પર પેન્શનનો લાભ મળતો હતો.

BS-6 ફેઝ 2 લાગૂ થશે

પ્રદૂષણ સાથે સંકળાયેલા માનકોને બીજા સ્તર પર લઈ જવા માટે વાહનો માટે BS-6 ફેઝ 2ની શરૂઆત થઈ રહી છે. તેના માટે કંપનીઓએ કેટલાક ખાસ બદલાવ કરવા પડશે જેનો ખર્ચ ગ્રાહક ઉઠાવશે. તેને પગલે લગભગ તમામ કારો 20થી 30 હજાર રૂપિયા મોંઘી થઈ જશે. તેમજ, તેની અશર ટુ વ્હીલર વાહનો પર પણ પડશે. મોટોકોર્પે પોતાની બાઇક અને સ્કૂટરોની કિંમતોમાં 2 ટકાનો વધારો કર્યો છે. વધેલી કિંમતો કંપનીના લાઇન-અપમાં સામેલ અલગ-અલગ મોડલ પર વેરિયન્ટ અનુસાર અલગ-અલગ લાગૂ થશે.

પેનકાર્ડ વિના PF કાઢવા પર હવે ઓછો ટેક્સ

જો તમે પોતાના PFમાંથી પૈસા કાઢવા માંગો છો તો તમારે હવે ઓછો ટેક્સ આપવો પડશે. 1 એપ્રિલથી PF અકાઉન્ટ સાથે પાનકાર્ડ લિંક્ડ ના થવા પર પૈસા કાઢતી વખતે 30 ટકાને બદલે 20 ટકા ટેક્સ આપવો પડશે.

સીનિયર સિટીઝન્સ સેવિંગ્સ અને સ્કીમમાં વધુ નિવેશ

હવે વરિષ્ઠ નાગરિક બચત યોજનાઓમાં પહેલા કરતા વધુ નિવેશ કરી શકે છે. હવે આ નિવેશની મર્યાદા 30 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે જે અત્યારસુધી મહત્તમ 15 લાખ રૂપિયા હતી. આ સ્કીમમાં વાર્ષિક 8 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

મોંઘી થશે દવાઓ

1 એપ્રિલથી દવાઓ મોંઘી થશે. તે અંતર્ગત પેનકિલર્સ, એન્ટી-ઇન્ફેક્ટિવ્સ, એન્ટીબાયોટિક્સ અને હૃદયની દવાઓ મોંઘી થવા જઈ રહી છે. સરકારે ડ્રગ કંપનીઓને કિંમતો વધારવાની પરવાનગી આપી દીધી છે. કિંમતો હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સમાં બદલાવના આધાર પર વધશે.

ગેસ સિલિન્ડરના બદલાશે ભાવ?

જોકે, આ બદલાવનો કોઈ સંબંધ નાણાકીય વર્ષ સાથે નથી. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવોની સમીક્ષા કરે છે. ગત મહિને 14.2 કિલોગ્રામવાળા ઘરેલૂં LPG સિલિન્ડરના ભાવ 50 રૂપિયા વધ્યા હતા. ત્યારબાદ દિલ્હીમાં તેની કિંમત 1103 રૂપિયા થઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp