કારની સીટનું કવર ફાડ્યું તો IT અધિકારીઓને 12 કિલો સોનું મળ્યુ,1500 કરોડના..

PC: aajtak.in

દેશભરમાં છેલ્લાં 3 દિવસથી બુલિયન બિઝનેસમેન અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોના 55 સ્થળોએ આવકવેરા વિભાગે સાગમટે દરોડા પાડેલા છે અને હજુ દરોડાની કાર્યવાહી વધુ 3 દિવસ ચાલી શકે છે. જાણવા મળેલી માહિતી મુજબ આ દરોડામા અત્યાર સુધીમાં આવકવેરા વિભાગને 8 કરોડ રૂપિયા રોકડા, 70 કિલો સોના-ચાંદી અને 1500 કરોડ રૂપિયાના નકલી બિલ મળી આવ્યા છે.

શનિવારે આવકવેરા અધિકારીઓની ટીમે ઉત્તર પ્રદેશના કાનપુરમાં બુલિયન વેપારીના ઘર પાસે પાર્ક કરેલી કાર તપાસી હતી અને કારનું સીટ કવર ફાડી નાંખ્યું તો તેમાંથી 12 કિલો સોનું મળી આવ્યું હતું.ચોંકવનારી વાત એ છે કે આ બુલિયન વેપારી જે લોકોના નામના નકલી બિલ બનાવીને બ્લેક મનીને વ્હાઇટ બનાવી રહ્યો હતો. તેમાં એક નામ ડ્રાઇવરનું પણ છે. ડ્રાઇવરના નામે બુલિયન વેપારીએ 200 કરોડ રૂપિયાના ઘરેણાં ખરીદેલા બતાવ્યા છે.

આટલું જ નહી, ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલા દરોડામાં સામે આવ્યું છે કે રાધામોહન પુરુષોત્તમ દાસ જ્વેલર્સે એક નકલી કંપનીને 700 કરોડના માલનું વેચાણ બતાવ્યું છે. આવી જ રીતે હજારો કરોડ રૂપિયાને વ્હાઇટ કરીને રિયલ એસ્સેટમાં ખપાવી દેવામાં આવી રહ્યા હતા.

જાણવા મળેલી માહિતી મુજબ બુલિયન વેપારીઓએ કેટલાંક એવા લોકોના નામે સોનાની ખરીદી બતાવી જેમની એટલી હેસિયત પણ નથી. આવકવેરા અધિકારીઓને માહિતી મળી કે, દેશમાં સોનાની દાણચોરી થઈ રહી છે  અને એ દાણચોરીનું સોનું બુલિયન વેપારીઓ દ્વારા ખરીદવામાં આવી રહ્યું છે. આ વેપારીઓ અન્ય લોકોના પાન કાર્ડ અને દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઓછા દરે સોનું ખરીદતા હતા.

આવા ઘણા લોકો આવકવેરા વિભાગના સંપર્કમાં આવ્યા છે જેમના નામે આ ખરીદી કરવામાં આવી રહી હતી અને તેઓને તેની જાણ પણ ન હતી. આ કામ માટે અન્ય કેટલાક લોકોને પૈસા આપવામાં આવતા હતા. દરોડામાં આવા કેટલાક પુરાવા મળ્યા છે, જે મુજબ આ વેપારીઓ કૃત્રિમ રીતે નુકસાન અને નફાના આંકડા સાથે છેડછાડ કરીને ટેક્સ ચોરી કરતા હતા.

રિતુ હાઉસિંગના પ્રમોટર સંજીવ ઝુનઝુનવાલાના ઘરેથી આવકવેરા અધિકારીઓને એક હાર્ડ ડિસ્ક પણ મળી આવી છે, જેમાં તેની જમીન અને ટ્રાન્ઝેક્શનની તમામ વિગતો છે અને જેમની સાથે તેણે આ રીતે બિઝનેસ કર્યો છે તેમના નામ પણ છે. ઈન્કમટેક્સ અધિકારીઓની વાત માનીએ તો આ દરોડામાં કેટલાક મોટા નામો સામે આવ્યા છે, જેના પર આગામી સમયમાં કાર્યવાહી થઈ શકે છે. કાર્યવાહી પૂર્ણ થયા પછી, વિગતવાર અહેવાલ બનાવવામાં આવશે અને અન્ય એજન્સીઓ સાથે પણ શેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp