નહેરમાં નાહવાથી 15 ભેંસના મોત, 500થી વધુ દાઝી, જાણો શું છે આખો મામલો

હરિયાણાના રોહતકથી એક ખૂબ જ માઠા સમાચાર સામે આવ્યા છે. અહીં બેખતા ગામમાં અજાણ્યા લોકો દ્વારા નહેરમાં કેમિકલ નાખી દેવામાં આવ્યું હતું. નહેરમાં પાણી પીવા પહોંચેલી લગભગ 15 ભેંસો કેમિકલવાળું પાણી પીવાના કારણે મોતને ભેટી. તો લગભગ 500ની આસપાસ ભેંસો દાઝી ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. તેની સાથે ભેંસો સાથે પાણી પીવા ઉતરનારા કેટલાક સ્થાનિક લોકો પણ દાઝી ગયા છે. સરપંચ તરફથી ફરિયાદ કર્યા બાદ અજાણ્યા ઇસમો વિરુદ્ધ સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે.
ગ્રામજનો આ ઘટના બાદ ખૂબ જ ગુસ્સામાં છે. ઘટનાને લઈને રોહતકના DC અને SPને મળવા પહોંચ્યા હતા. અજાણ્યા ઇસમો વિરુદ્ધ સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો છે. આ દરમિયાન આરોપીની જાણકારી મેળવીને જલદી કાર્યવાહી કરવાની માગ કરી. ગ્રામજનોને કેમિકલનું સેમ્પલ પોતે જ તપાસ માટે મોકલવા પડ્યા. હાલમાં આખા ગામમાં ડરનો માહોલ છે. બખેતા ગામના સરપંચ ચાંદ સિંહે કહ્યું કે, ગામના બધા લોકો પશુઓને પાણી પીવાડે છે. નવડાવે છે.
અચાનક નહેરમાં ઉતરવાથી ભેંસો દાઝી અને તડપવા લાગી. તપાસ કરવામાં આવી તો ખબર પડી કે નહેરમાં કોઈએ હાનિકારક કેમિકલ નાખ્યું છે. તેના કારણે 15 ભેંસોના મોત પણ થઈ ગયા. ઉલ્લેખનીય છે કે દેશના ગ્રામીણ ક્ષેત્રો માટે પશુપાલન આવકનો સૌથી મોટો સ્ત્રોત તરીકે ઊભરી આવ્યો છે. મોટી સંખ્યામાં ગ્રામજનો આ વ્યવસાય દ્વારા પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. એવામાં આ પ્રકારની ઘટનાઓ પશુપાલન વ્યવસાય માટે ક્યારેય સારી નથી. તેનાથી ખેડૂત પોતાના પશુઓને ગુમાવી રહ્યા છે, સાથે જ આર્થિક રીતે પણ તેમને ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે.
આ અગાઉ ગજરાતના ભરૂચ જિલ્લામાં પાણી પીવાની સાથે જ 25 ઊંટોના મોત થઈ જવાના સમાચાર સામે આવ્યા હતા. ઊંટોના ટોળાએ ગામની બહાર સ્થિત તળાવમાંથી પાણી પીધું હતું, ત્યારબાદ એકાએક તેમના મોત થવાની શરૂઆત થઈ ગઇ હતી. આ ઘટના વાગરા તાલુકાના કચ્છીપુરામાં બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ક્રૂડ ઓઇલની પાઈપલાઇનમાંથી લિકેજ થવાથી પાણી ઝેરી થઈ ગયું હતું અને આ જ કારણે ઊંટોએ જેવું જ પાણી પીધું તેમનું મોત થઈ ગયું હતું. ગ્રામજનોનું કહેવું હતું કે, દૂષિત પાણીથી મોટા ભાગે લોકો બીમાર થઈ જાય છે અને ઘણા મોત પણ થઈ ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp