26th January selfie contest

ઇન્દોર જતી બસ પુલનું રેલિંગ તોડી નીચે ખાબકી, 15થી વધુના મોત, 25 ઘાયલ

PC: amarujala.com

મધ્યપ્રદેશના ખરગોનમાં મંગળવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં મુસાફરોથી ભરેલી બસ 50 ફૂટ ઊંચા પુલ પરથી સૂકી નદીમાં પડી હતી. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થવાની સાથે-સાથે 20થી પણ વધુ લોકોના મોત થયાની સૂચના મળી રહી છે. 15 મુસાફરોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. ઘાયલોને ખાનગી વાહનોમાં જિલ્લા હોસ્પિટલ ખરગોનમાં લઈ જવામાં આવ્યા છે.

ખરગોનના SP ધરમવીર સિંહે જણાવ્યું કે, બસ પુલ પરથી પડી જતાં 15 લોકોના મોત થયા અને 25 લોકો ઘાયલ થયા. બચાવ કામગીરી ચાલુ છે. બીજી તરફ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, 'બસ રેલિંગ તોડીને બૈરાડ નદીમાં પડી હતી. 15 લોકોના મોત થયા છે અને 20-25 લોકો ઘાયલ છે, જેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

મંગળવારે સવારે ખરગોનમાં બૈરાડ નદી પર બનેલા પુલ પરથી એક પેસેન્જર બસ નીચે પડી હતી. નદી સૂકી છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો જાનહાનિનો ભોગ બન્યા હતા. જેમાં ઘણા બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. ઘાયલોને ગ્રામજનો અને પોલીસની મદદથી ખાનગી વાહનોમાં જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આટલી મોટી ઘટના બાદ લાંબા સમય સુધી કોઈ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી શકી ન હતી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યાર પછી 7 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ વહીવટી સ્ટાફ અને ધારાસભ્ય રવિ જોષી ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે, બસ માં શારદા ટ્રાવેલ્સની છે, જે ખરગોનથી ઈન્દોર જઈ રહી હતી. આ અકસ્માત ખરગોન- ઠીકરી રોડ પર થયો હતો. બસ નદી પરના પુલ પરથી પસાર થઈ રહી હતી. ત્યારબાદ બસ ના ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બસ રેલિંગ તોડીને નીચે પડી ગઈ. જોરદાર અવાજ થયો અને અફરા તફરી ફેલાઈ ગઈ. બસમાં 35થી વધુ મુસાફરો સવાર હતા. આ અકસ્માત દસંગા ગામમાં થયો હતો. ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસ કર્મચારીઓ અને ગ્રામજનો ઘાયલોને મદદ કરવામાં લાગેલા છે.

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ખરગોનમાં કલેક્ટર શિવરાજ સિંહ વર્માએ જણાવ્યું કે, અકસ્માતમાં 15 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. હોસ્પિટલમાં એક મુસાફરનું મોત થયું હતું. રાજ્ય સરકારે આર્થિક સહાયની જાહેરાત કરી છે. બસ ઓવરલોડ હતી કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં ધારાસભ્ય રવિ જોષી પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયા હતા. ગ્રામજનોએ તેમને જણાવ્યું હતું કે, દરરોજ બસો ઓવરલોડ થાય છે અને ખૂબ જ ઝડપી ગતિથી પસાર થાય છે. ઘણી વખત અમે બસ ડ્રાઇવરોને અટકાવ્યા, પરંતુ તેઓ દાદાગીરી કરે છે. કલેક્ટરે જણાવ્યું કે, બસમાં 45થી વધુ મુસાફરો હતા. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. ગામલોકોએ જણાવ્યું કે બસ સ્પીડમાં હતી અને ડ્રાઈવર તેના પર કાબૂ ન રાખી શક્યો અને રેલિંગ તોડીને બસ સૂકી નદીમાં પડી ગઈ.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથે કહ્યું કે, ખરગોન જિલ્લામાં બસની દુર્ઘટનામાં 15 લોકોના મોત અને ઘણા લોકો ઘાયલ થવાના દુઃખદ સમાચાર મળ્યા છે. હું દિવંગત આત્માઓની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું. ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની કામના. હું પ્રાર્થના કરું છું કે રાહત અને બચાવ ટીમોને તેમના મિશનમાં ઝડપથી સફળતા મળે.

કેબિનેટની બેઠકમાં CM શિવરાજ સિંહ ચૌહાણે ખરગોનમાં બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. કેબિનેટ બેઠકમાં હાજર તમામ સભ્યોએ પણ મૃતકો માટે શોક વ્યક્ત કર્યો હતો. CM શિવરાજ સિંહ ચૌહાણે કેબિનેટની બેઠકમાં માહિતી આપી હતી કે, અત્યાર સુધી મળેલી માહિતી મુજબ બસ અકસ્માતમાં 22 લોકોના અકાળે મોત થયા છે. રાજ્ય સરકાર વતી મંત્રીમંડળની બેઠક બાદ મંત્રી કમલ પટેલ ખરગોન જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp