1 હોસ્પિટલમાં 24 કલાકમાં 18 મોત, 10 પુરુષ, 8 મહિલા, CM શિંદેએ તપાસના આદેશ આપ્યા

મહારાષ્ટ્રના થાણેની એક હોસ્પિટલમાં 24 કલાકમાં 18 લોકોના મોતને કારણે હડકંપ મચી ગયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તપાસના આદેશ આપ્યા છે. જાણવા મળેલી વિગત મુજબ 10 પુરુષ અને 8 મહિલાના મોત થયા છે. હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે.
ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ પાલિકા કમિશ્નર અભિજીત બાંગરે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કહ્યુ હતું કે થાણેના કલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં છેલ્લાં 24 કલાકમાં 18 લોકોના મોત થયા છે. બાંગરે કહ્યું કે 18 મોતમાંથી 10 પુરુષ અને 8 મહિલા છે, જેમાંથી 6 થાણેના છે,4 કલ્યાણના, 3 સાહપુર અને એક-એક ભિવંડી, ઉલ્હાસનગર અને ગોવંડીના હતા.એક દર્દી વિશે જાણકારી સામે આવી નથી. મોતને ભેટનાર લોકોની ઉંમર 12થી 50 વર્ષની છે.
અભિજીત બાંગરે કહ્યુ કે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઘટના વિશે માહિતી મેળવી છે અને એક સ્વતંત્ર તપાસ સમિતિ નિમવાના આદેશ આપ્યા છે. કમિટીનું નેતૃત્વ આરોગ્ય સેવા કમિશનર કરશે. આ સાથે કલેક્ટર, સિવિક ચીફ, આરોગ્ય સેવાઓના નિયામકને તેમાં સામેલ કરવામાં આવશે. આ સમિતિ મૃત્યુના કારણોની તપાસ કરશે. આ દર્દીઓને કિડનીની પથરી, ક્રોનિક પેરાલિસિસ, અલ્સર, ન્યુમોનિયા, કેરોસીન પોઈઝનિંગ, સેપ્ટિસેમિયા વગેરેની તકલીફ હતી.
પાલિકા કમિશ્નરે કહ્યું કે મોતને ભેટેલા દર્દીઓને અપાયેલી સારવારની તપાસ કરવામાં આવશે અને પરિવારજનોએ હોસ્પિટલની લાપરવાહીના આરોપ લગાવ્યા છે તેની પણ તપાસ સમિતિ તપાસ કરશે. અભિજીત બાંગરે દર્દીઓના મોતનું કન્ફર્મેશન આપ્યું છે, પરંતુ શેના કારણે એક જ દિવસમાં આટલા બધા મોત થયા તેના વિશેની જાણકારી આપી નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ભારે વધારો અને અપૂરતા ડૉક્ટરોના કારણે એક જ રાતમાં લગભગ 18 લોકોએ જીવ ગુમાવ્યા. આમાંથી ડઝનેક દર્દીઓ ICU માં અને ઘણાને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
થાણે જિલ્લો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો છે. મુખ્યમંત્રીની થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન, ઘણા વર્ષોથી સત્તામાં હોવા છતાં, છત્રપતિ શિવાજી હોસ્પિટલની હાલત દયનીય છે. તાજેતરમાં, મુખ્ય પ્રધાન શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે થાણેમાં સુપર સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો.
મહારાષ્ટ્રના મંત્રી અને બીજેપી નેતા ગિરીશ મહાજને કહ્યું કે 500ની ક્ષમતાવાળી હોસ્પિટલમાં એક જ દિવસમાં 18ના મોત એ ચિંતાનો વિષય છે.
DCP એ કહ્યું કે, હોસ્પિટલ મેનેજમેન્ટે અમને કહ્યું હતું કે કેટલાંક દર્દીઓ ગંભીર અવસ્થામાં હોસ્પિટલ પહોંચ્યા હતા અને કેટલાંક દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હતા. આટલી મોટી સંખ્યામાં મોત થવાને કારણે કોઇ પણ અપ્રિય ઘટનાથી બચવા અમે મોટા પાયે હોસ્પિટલ પાસે પોલીસ સ્ટાફ ખડકી દીધો છે.
એકનાથ શિંદે સરકારના પ્રવક્તા નરેશ મ્હાકસે કહ્યુ કે હોસ્પિટલની ક્ષમતા 500 દર્દીઓની છે અને 650 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. આ વિસ્તારની સિવિલ હોસ્પિટલનું નવીનીકરણ થઇ રહ્યું હોવાથી કલવામાં છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં ભારણ વધ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp