બાગેશ્વર ધામમાંથી ગાયબ થઈ રહ્યા છે લોકો! 4 મહિનામાં 21 લોકો થયા ગૂમ

PC: zeenews.india.com

મધ્ય પ્રદેશના છત્તરપુર જિલ્લાના બાગેશ્વર ધામની ચર્ચાઓ સમગ્ર દેશમાં છે. દેશ-દુનિયાના લોકો પોતાની અરજી લગાવવા માટે બાગેશ્વર ધામમાં દરરોજ પહોંચી રહ્યા છે. અહીં અઠવાડિયાના મંગળવાર અને શનિવારે ભક્તોની વધુ ભીડ ઉમટે છે. એટલું જ નહીં, આ બે દિવસમાં ભક્તોની સંખ્યા લાખો સુધી પહોંચી જાય છે. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે, ઈશ્વરની પાસે કંઇક માંગવાની ઇચ્છા લઇને આવેલા ઘણા લોકો ધામમાં પોતાના સ્વજનોને ગુમાવી દે છે. એટલે કે બાગેશ્વર ધામમાંથી અત્યારસુધીમાં ઘણા લોકો ગાયબ થઈ ચુક્યા છે અને તેમનો કોઈ પત્તો પોલીસને પણ મળ્યો નથી.

બાગેશ્વર ધામમાંથી ગાયબ થનારા લોકોમાં ઘણા તો માનસિક બીમાર છે અને ઘણા એવા છે જે ભીડ વધુ હોવાના કારણે પોતાના પરિવારજનોથી વિખૂટા પડી ગયા છે. જેમની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. પોતાના ગૂમ થઈ ગયેલા લોકોની શોધમાં દેશના અન્ય રાજ્યોમાં રહેતા તમામ લોકો પોલીસ સ્ટેશન અને ધામના કાર્યલયના ચક્કર કાપી રહ્યા છે.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, 1 જાન્યુઆરી 2023થી અત્યારસુધી બાગેશ્વર ધામમાંથી 21 લોકો ગાયબ થયા છે. તેમાંથી 9 લોકોની જાણકારી મળી ચુકી છે, પરંતુ 12 લોકો હજુ પણ ગૂમ જણાવવામાં આવી રહ્યા છે. હાલ, પોલીસ તેમના સુધી પહોંચી નથી શકી. છત્તરપુર જિલ્લાના પોલીસના કેપ્ટન અમિત સાંઘીનું કહેવુ છે કે, ગાયબ થયેલા અન્ય 12 લોકો સુધી પણ પોલીસ પહોંચવાનો સતત પ્રયાસ કરી રહી છે. પરિવારજનો તરફથી ફરિયાદ મળ્યા બાદથી સતત પોલીસ ગૂમ થયેલા લોકોને શોધી રહી છે.

બાગેશ્વર ધામ મંદિર મધ્ય પ્રદેશ રાજ્યના છત્તરપુર જિલ્લામાં આવેલું છે. જિલ્લાના ગંજ નામના ગામથી 35 કિમી દૂર ગઢા ગામ છે અને તે જ ગામમાં હનુમાનજી મહારાજનું એક મંદિર છે. આ મંદિરના પ્રાંગણમાં બાગેશ્વર ધામ અને હનુમાનજી બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રસિદ્ધ છે.

બાગેશ્વર ધામ સરકારના મુખ્ય પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે, જે બાગેશ્વર ધામના પીઠાધિશ્વરના નામથી પ્રખ્યાત છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દેશભરમાં ધાર્મિક કથાઓનું વાંચન કરે છે. સાથે જ આ કથાવાચક સતત પોતાના ચર્ચિત નિવેદનો અને કથાઓ દરમિયાન ભરાનારા દિવ્ય દરબારને લઇને ચર્ચામાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp