રજા વિના 24 કલાક કામ, ગૃહિણીનો મિલકત પર સમાન અધિકાર: હાઈકોર્ટ

PC: twitter.com

ગૃહિણી હોવાને કારણે એક મહિલા કોઈ પણ રજા લીધા વગર 24 કલાક કામ કરે છે. તે કોઈ પણ રીતે માણસના આઠ કલાકના કામથી ઓછું નથી. મદ્રાસ હાઈકોર્ટે ચુકાદો આપતાં આ ટિપ્પણી કરી હતી. ઉપરાંત, કોર્ટે કહ્યું કે, તેથી પતિની કમાણીમાંથી ખરીદેલી મિલકતમાં પત્નીનો સમાન હિસ્સો છે. જસ્ટિસ કૃષ્ણન રામાસેમીએ કહ્યું કે, લગ્ન પછી મહિલા બાળકો અને ઘરની સંભાળ રાખે છે. આ રીતે તે તેના પતિને એવી રીતે મુક્ત કરે છે કે તે બહાર જઈને કમાઈ શકે. તેમણે કહ્યું કે, તેના આ પ્રકારે કામ કરવાથી તેના પતિને બહાર જઈને કામ કરવાની તક મળે છે, તેથી તે તેના માટે પુરસ્કારને પાત્ર છે.

મદ્રાસ હાઈકોર્ટે મિલકત સંબંધિત એક મામલાની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. ન્યાયાધીશે કહ્યું કે, જો કે એવો કોઈ કાયદો નથી બન્યો, જે પત્નીના ઘરેલું કામને માન્યતા આપે. તેમ છતાં, જો ઘર પતિ-પત્નીમાંથી એકની કમાણી અને બીજાની દેખરેખથી બનેલું હોય, તો બંનેને સમાન હિસ્સો મળવો જોઈએ. તેમણે કહ્યું કે, ગૃહિણી હોવાના કારણે એક મહિલા મલ્ટિટાસ્કર છે. તેની અંદર એક મેનેજર, એક રસોઇયા, એક હોમ ડોક્ટર અને એક ગૃહ અર્થશાસ્ત્રી છે. કોર્ટે કહ્યું કે, ઘરની સંપત્તિના નિર્માણમાં મહિલા આ રીતે યોગદાન આપે છે. કોર્ટે વધુમાં કહ્યું કે, એક મહિલા તેના પતિ અને બાળકોની સંભાળ રાખવા માટે તેની નોકરી સાથે સમાધાન કરે છે. તે પૈસા કમાવવાનું છોડી દે છે અને ઘરની દેખરેખ રાખવાનું શરૂ કરે છે અને આખરે તેને ખબર પડે છે કે, જેને તેનું પોતાનું કહી શકે તેવું કંઈ પણ નથી. મિલકત પતિ અથવા પત્ની બંનેના નામે ખરીદી શકાય છે, પરંતુ તેને ખરીદવા માટે વપરાયેલા પૈસા બંનેના સંયુક્ત પ્રયાસોથી થયેલી બચતનું પરિણામ છે.

કોર્ટે 2016ના એક કેસનો નિકાલ કરતી વખતે આ નિર્ણય સંભળાવ્યો હતો. આ કેસના વાદી, સ્વર્ગસ્થ કન્નયન નાયડુએ તેનાથી અલગ રહેતી પત્ની કમસલા ઉર્ફે ભાનુમતી પર તેની કમાણીમાંથી મિલકતો ખરીદવાનો, તેને હડપ કરવાનો અને લગ્નેતર સંબંધો રાખવાનો આરોપ મૂક્યો હતો. 2016માં તેના મૃત્યુ પછી, તેના ત્રણ બાળકોએ તેમની વિધવા માતા વિરુદ્ધ તેમનો કેસ ચાલુ રાખ્યો. પ્રતિવાદી V અનુષાના વકીલે આ વાતને નકારી કાઢી હતી. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, 1965માં લગ્ન કરનાર દંપતિની પરસ્પર સમજણ હતી કે, તે ઘરે જ રહેશે અને તેમના બે પુત્રો અને એક પુત્રીની સંભાળ લેશે, જ્યારે પતિ વિદેશમાં કામ કરી શકે છે. નહિંતર, તેણી એક શિક્ષક તરીકે કામ કરીને સમાન રકમ કમાઈ શકી હોત.

આ દંપતી તમિલનાડુના નેવેલીમાં રહેતું હતું. જ્યારે બાળકો સગીર હતા, ત્યારે સ્વર્ગસ્થ પતિ પરત આવતા પહેલા 1983થી ડિસેમ્બર 1994 સુધી સ્ટીલ કંપનીમાં કામ કરવા માટે સાઉદી અરેબિયામાં હતા. કોર્ટે કહ્યું કે, જો પત્નીનો સાથ ન હોત તો પતિ ક્યારેય વિદેશ જઈને પૈસા કમાઈ શક્યો ન હોત. પત્ની 24 કલાક ઘરના કામમાં વ્યસ્ત રહેતી. ખાવાનું બનાવતી, બાળકોની દેખરેખ રાખતી, તેમને શાળાએ લઈ જવા અને અન્ય જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, જો પતિએ આઠ કલાકની ત્રણ શિફ્ટમાં નોકરાણી રાખી હોતે તો તેની પાસે એટલા પૈસા બચતે જ નહિ કે, જેનાથી તે આ મિલકત ખરીદી શકતે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp