એક પરિવારના 6ની ગોળી મારી હત્યા, મહિલાઓ પણ હુમલો કરતી જોવા મળી, જુઓ વીડિયો

PC: enavabharat.com

મધ્યપ્રદેશના મુરેનામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં સિહોનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના લેપા ભીડોસા ગામમાં 5 મેના રોજ સવારે એક જ પરિવારના 6 લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ધોળા દિવસે ઉપરાછાપરી ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી હતી. આ મામલો જૂની અદાવતનો હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. મામલાની ગંભીરતાને જોતા આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. આ ઘટનાની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. અહેવાલો અનુસાર આ મામલો જમીન વિવાદ સાથે જોડાયેલો છે. બંને પક્ષો વચ્ચે ઘણી જૂની દુશ્મનાવટ છે. આજે સવારે ફરીથી કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી જે ધીમે ધીમે મારામારીમાં બદલાઈ ગઈ હતી.

આ પછી મામલો એ હદે પહોંચી ગયો કે, બંને પક્ષો એકબીજાને મારવા પર મક્કમ થઈ ગયા. લાકડીઓ વડે એકબીજા પર હુમલો કરવા લાગ્યા. આ પછી જ એક પક્ષે બીજી તરફ ગોળીબાર કર્યો અને 6 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મૃત્યુ પામેલા તમામ લોકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જ્યારે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

અહેવાલો અનુસાર, સિહોનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના લેપા ભીડોસા ગામમાં અંધાધૂંધ ગોળીબાર થતાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક બાજુના લોકો બીજી બાજુના લોકોને લાકડી-ડંડાઓ વડે માર મારી રહ્યા છે. આ ઝઘડામાં ઘરની મહિલાઓ પણ સામેલ હતી. જ્યારે બંને પક્ષો એકબીજા સાથે લાકડીઓ સાથે લડી રહ્યા હોય છે, ત્યારે એક આરોપી બંદૂક સાથે આવે છે અને એક પછી એક નિશાન લગાવીને ઝડપથી ફાયરિંગ શરૂ કરે છે. નિશાન લગાવ્યા પછી તે ઘણા લોકો પર એક પછી એક ગોળીઓથી હુમલો કરે છે. જેના પછી લોકો સતત નીચે જમીન પર પડતા રહે છે.

જે સમયે બંને પક્ષો વચ્ચે લડાઈ થાય છે, ત્યારે સર્વત્ર હોબાળો મચી જાય છે. લોકો બૂમો પાડી રહ્યા છે, ચીસો પાડી રહ્યા છે. બંને પક્ષો વચ્ચેની લડાઈમાં મહિલાઓ પણ સામેલ છે. મહિલાઓ પણ હુમલો કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં એક મહિલા બૂમો પાડતી સાંભળી શકાય છે. તે મહિલા કહી રહી છે કે, બાળકો ઘરની અંદર જાઓ. અને એક બાળક પપ્પા પપ્પા કહીને રડતો સાંભળી શકાય છે. મૃત્યુનો આ તાંડવ લાંબા સમય સુધી ચાલતો રહ્યો. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

આ મામલામાં મોરેના SSPનું કહેવું છે કે, ધીર સિંહ અને ગજેન્દ્ર સિંહના પરિવારજનો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. ધીર સિંહના પરિવારના બે સભ્યોની વર્ષ 2013માં હત્યા કરવામાં આવી હતી. આ બંને પરિવારોના ઘર સામસામે છે. સમાધાન બાદ ગજેન્દ્રસિંહની તરફના લોકો ગામમાં રહેવા પહોંચી ગયા હતા. આ પછી ધીરસિંહ પક્ષે ગોળીબાર શરૂ કર્યો. ગોળીબારમાં ગજેન્દ્ર સિંહ અને તેના બે બાળકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp