664 વર્ષ પહેલા 12 જાતિઓએ મળીને ગામ વસાવ્યું, હવે બધા લોકોની એક જ સરનેમ

PC: bhaskar.com

રાજસ્થાનના કરોલી, જોધપુર અને ભીલવાડામાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ વચ્ચે નાગોરનું ઈનાણા ગામ સાંપ્રદાયિક અને જાતિગત સદ્ભાવની મિસાલ છે. આ ગામના લોકો પોતાના નામની આગળ જાતિ નહીં, ગામના નામ પરથી બનેલી સરનેમ ઈનાણિયાં જ લગાવે છે. PHEDમાંથી સેવાનિવૃત્ત પુખરામ ઈનાણિયાં જણાવે છે, અમારા ગામનું નામ છે ઈનાણા અને અહીંના લોકો પોતાના નામની આગળ ઈનાણિયાં જ લગાવે છે, જેથી સદ્ભાવ કાયમ રહે. આ ગામમાં તમને કોઈપણ દુકાનમાં ગુટખા નહીં મળશે અને અહીં દારૂની એક પણ દુકાન નથી. અહીં ઘણા ઓછાં ઘર મુસ્લિમ સમાજના છે, પરંતુ સૌ એવી રીતે હળીમળીને રહે છે જેમ કે એક જ સમાજના હોય.

પુખરામ જણાવે છે, ગામ 1358માં શોભરાજના દીકરા ઈંદરસિંહે વસાવ્યું. અહીં 12 ગામમાં 12 જાતિઓ હતી. સૌને ભેગા કરીને ઈનાણા બનાવ્યું. આ નામ ઈંદરસિંહના નામ પરથી પડ્યું. ત્યારથી લોકો પોતાની જાતિની જગ્યાએ ઈનાણિયાં જ લખે છે. ઈંદરસિંહના બે અન્ય ભાઈ હતા, જે ગૌ રક્ષક હતા. તેમાં એક હદુહરપાલ ગાયોની રક્ષામાં શહીદ થઈ ગયા હતા, જેમને આખુ ગામ કુલદેવતાના રૂપમાં પૂજે છે. ગામમાં નાયક, મેઘવાલ, ખાતી, જાટ, કુમ્હાર, બ્રાહ્મણ, તેલી, લોહાર, ગોસ્વામી તેમજ મહાજન વગેરે જેટલી પણ જાતિઓ છે, મોટાભાગની પોતાના નામની સાથે ઈનાણિયાં જ લગાવે છે. 4400 વોટ, 10 હજારની આસપાસ વસતિ છે.

નાગોર SDM સુનીલ પંવારના જણાવ્યા અનુસાર, સરકારી સેવાઓનો લાભ જાતિ પ્રમાણપત્રથી મળી જાય છે. આધારકાર્ડમાં ભલે ઈનાણા લખ્યું છે, છતા પ્રોબ્લેમ નથી આવતો. મૂંડવા SHO રિછપાલસિંહ ચૌધરી જણાવે છે- ઈનાણામાં વિવાદ નથી થતો. જે થાય છે, તેને ગ્રામીણ સાથે મળીને સોલ્વ કરી લે છે. દારૂની તો કોઈ ફરિયાદ આજ સુધી નથી થઈ. સાર્વજનિક સ્થાન પર કોઈ દારૂ પીતું મળી જાય તો તેને 11 હજારનો દંડ ફટકારવામાં આવે છે અને તે પૈસા ગૌશાળામાં જાય છે. જે પણ નિર્ણય લેવામાં આવે છે તેને આખુ ગામ માને છે.

ઈનાણાની અન્ય વિશેષતાઓ

ડીજે બંધઃ અહીં 20 વર્ષથી ડીજે બંધ છે. ના લગ્નમાં લઈને જાય છે ના લઈને આવવા દે છે. કારણ, મુંગા પ્રાણીઓને તકલીફ થાય છે.

ઓઢાવણી-મૃત્યુભોજ બંધઃ 15 વર્ષથી ઓઢવાણી-મૃત્યુભોજ બંધ છે. માત્ર ગંગાપ્રસાદી કરે છે.

દારૂબંધીઃ ગામની સીમા 14 કિમી સુધી ફેલાયેલી છે અને અહીં એક પણ દારૂની દુકાન નથી.

ફટાકડા નથી ફોડતાઃ હોળી પર રંગ અને દીવાળી પર ફટાકડા પણ અહીંના લોકો શુકન તરીકે જ ફોડે છે.

સદ્ભાવઃ સાંવતરામ, પુખરામ, મુન્નારામ અને દયાલરામે જણાવ્યું કે સદ્ભાવ જ અમારી ઓળખ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp