મણિપુરમાં દંગાખોરોએ એમ્બ્યુલન્સમાં લગાવી આગ, 1 બાળક સહિત 3 જીવતા ભૂંજાયા

મણિપુરમાં હિંસા દિવસે ને દિવસે વધુ ખતરનાક રૂપ લેતી જઈ રહી છે. દરમિયાન, રાજ્યના પશ્ચિમ ઇંફાલ જિલ્લામાંથી એક રુંવાટા ઊભા કરી દેનારી ખબર સામે આવી છે. દંગા કરનારાઓએ ત્રણ માસૂમ લોકોનો જીવ લઈ લીધો. વાત જાણે એમ છે કે, આશરે આઠ વર્ષીય એક બાળકને હોસ્પિટલ લઇ જતી વખતે એક એમ્બ્યુલન્સમાં ભીડે આગ લગાવી દીધી હતી. તેને કારણે બાળક, તેની મમ્મી અને એક અન્ય સંબંધી આ આગમાં જીવતા હોમાઈ ગયા અને તેમનું મોત થઈ ગયુ.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગોળીબારી દરમિયાન માસૂમ બાળકને માથાના ભાગે ગોળી વાગી ગઈ હતી. તેની સારવાર કરાવવા માટે તેની મમ્મી અને અન્ય એક સંબંધી એમ્બ્યુલન્સમાં ઇંફાલની હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા. ત્યારે જ ભીડે અચાનક સામે આવીને એમ્બ્યુલન્સને અટકાવી દીધી અને તેમા આગ લગાવી દીધી હતી. એમ્બ્યુલન્સમાં બેઠેલો બાળક, તેની મમ્મી અને એક અન્ય સંબંધી આ આગમાં જીવતા ભૂંજાઈ ગયા હતા. જણાવી દઈએ કે, દર્દનાક ઘટના ઇસોઇસેમ્બામાં રવિવારે સાંજે બની હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ભીડે જે ત્રણ લોકોને આગની ભેંટ ચઢાવી દીધા હતા, તેમની ઓળખ આઠ વર્ષીય તોંસિંગ હૈંગિંગ, તેની 45 વર્ષીય મમ્મી મીના હૈંગિંગ અને 37 વર્ષીય લિડિયા લોરેમ્બમના રૂપમાં થઈ છે. આસામ રાઇફલ્સના એક વરિષ્ઠ અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળ અને તેની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ ઘટના અંગે કેટલાક લોકોનું કહેવુ છે કે, કાંગચુપમાં આસામ રાઇફલ્સના રાહત શિબિરમાં આ લોકો રહી રહ્યા હતા. ચાર જૂનની સાંજે અચાનક વિસ્તારમાં મુઠભેડ શરૂ થઈ ગઈ. કેમ્પમાં હોવા છતા બાળકના માથામાં એક ગોળી વાગી ગઈ હતી. આસામા રાઇફલ્સના એક વરિષ્ઠ અધિકારીએ તરત જ ઇંફાલમાં પોલીસ સાથે વાત કરી અને એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી. જોકે, તે બાળકની માતા બહુસંખ્યક સમુદાયમાંથી હતી, આથી બાળકને રસ્તાના માર્ગે ઇંફાલના ક્ષેત્રીય આયુર્વિજ્ઞાન સંસ્થામાં લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો. મીડિયા રિપોર્ટ અનુસાર, સાંજે આશરે 6.30 વાગ્યે ઇસોઇસેમ્બામાં નાગરિકોએ એમ્બ્યુલન્સને રસ્તામાં રોકી લીધી અને તેમા આગ લગાવી દીધી હતી. વાહનમાં સવાર ત્રણ લોકોના દાઝવાના કારણે મોત થઈ ગયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp