લગ્નના 9 વર્ષે પતિને સેક્સ ન કરતા કોર્ટે માનસિક ક્રૂરતા ગણી છૂટાછેડા આપ્યા

દિલ્હીની એક અદાલતે એક પરિણીત યુગલના છૂટાછેડા મંજૂર કર્યા છે, જેમાં એવું માનવામાં આવ્યું છે કે ઇરાદાપૂર્વક જીવનસાથીને સેક્સથી વંચિત રાખવું એ માનસિક ક્રૂરતા સમાન છે. આ કેસમાં પતિએ કોર્ટમાં છૂટાછેડાની માંગણી કરી હતી. તેણે આરોપ લગાવ્યો કે, લગ્નના વર્ષો પછી પણ તેની પત્નીએ તેને ક્યારેય સેક્સ કરવાની મંજૂરી આપી નથી. આ રીતે, તે તેના પર માનસિક ક્રૂરતા કરી રહી છે, તેથી તેને છૂટાછેડાની મંજૂરી આપવી જોઈએ. બંનેના લગ્ન 2014માં થયા હતા, પરંતુ લગ્નના 9 વર્ષ પછી પણ બંને વચ્ચે કોઈ શારીરિક સંબંધ બન્યો જ નથી.
ફેમિલી કોર્ટના વિપિન કુમાર રાયે પોતાના આદેશમાં કહ્યું, 'સામાન્ય અને સ્વસ્થ જાતીય સંબંધ સુખી અને સુમેળભર્યા લગ્નજીવનનો મૂળભૂત ભાગ છે. જ્યારે અન્ય પાર્ટનર તેના વિશે વ્યથિત હોય ત્યારે પાર્ટનર દ્વારા ઇરાદાપૂર્વક સેક્સનો ઇનકાર કરવો એ માનસિક ક્રૂરતા સમાન છે. ખાસ કરીને જ્યારે બંને પક્ષો (પતિ અને પત્ની) યુવાન અને નવા પરણેલા હોય.'
કોર્ટમાં એ વાત સામે આવી કે, મહિલા લગ્ન પછી ક્યારેય સેક્સ માટે તૈયાર નહોતી થઇ કારણ કે તેને ગાયનોફોબિયા છે. આ એક એવી માનસિક બીમારી છે જેમાં સેક્સ કરવા માટે વ્યક્તિની અંદર શારીરિક કે માનસિક ડર ઘર કરી જાય છે. જોકે, મહિલાએ એવી દલીલ કરી હતી કે તેને આવી કોઈ બિમારી નથી. તે પોતે જ સેક્સથી અસંતોષ અનુભવે છે. મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે, લગ્ન પછી ક્યારેય સેક્સ ન કરવા માટે તેનો પતિ જવાબદાર છે, કારણ કે તેને સંતાન નથી જોઈતું.
ઊલટતપાસ દરમિયાન મહિલાએ જણાવ્યું કે, તે મેટ્રિમોનિયલ સાઇટ પર તેના પતિના સંપર્કમાં પ્રથમ વખત આવી હતી. આમાં તેના માતા-પિતાની કોઈ ભૂમિકા નહોતી. 13 મહિના સુધી એકબીજાના સંપર્કમાં રહ્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા.
પતિ તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રભજીત જોહરે કોર્ટને જણાવ્યું હતું કે, મહિલા અત્યારે તેના લગ્નને પૂર્ણ કરવા માંગતી નથી. પતિએ અલગ-અલગ સમયે અનેક પ્રયાસો કર્યા પરંતુ તે સેક્સ માટે તૈયાર ન હતી. વકીલે વધુમાં એવી રજૂઆત કરી હતી કે, તેના અસીલની પત્ની ક્યારેય તેની સાથે સંભોગ કરવા માટે સંમત થઈ નથી, ન તો લગ્ન સંપન્ન કરવાના હેતુથી કે બાળક પેદા કરવાના હેતુથી.
ફેમિલી કોર્ટે કહ્યું કે સેક્સ એ કોઈપણ લગ્નનો પાયો છે. આના વિના, કોઈપણ લગ્નનું લાંબું ટકવું અશક્ય છે.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, લગ્નમાં કોઈ પણ માન્ય કારણ વિના જાતીય સંબંધોનો ઇનકાર કરવો એ ક્રૂરતાથી ઓછું નથી, કારણ કે તે લગ્ન નામની સંસ્થાના પાયા પર હુમલો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, જો પતિ-પત્ની સેક્સ વગર ખુશ હોય તો કોઈ વાંધો નથી, પરંતુ જો બંનેમાંથી કોઈ પણ એક તેનાથી અસંતુષ્ટ હોય તો લગ્નનો કોઈ અર્થ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp