પાર્કમાં બેઠેલા પતિ-પત્નીને બજરંગદળવાળાએ માર્યા, પછી ટોળાએ બજરંગદળવાળાને માર્યા

PC: bhaskar.com

દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદમાં વેલેન્ટાઈન ડેની આડમાં કહેવાતા બજરંગ દળના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. તેઓએ ફરીદાબાદના પાંચ નંબર વિસ્તારના પાર્કમાં બેઠેલા પતિ-પત્નીને પ્રેમી પંખીડા ગણીને માર માર્યો હતો. આ દરમિયાન, ભારે હંગામો થતો જોઈને સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ અને બધા બજરંગ દળના કાર્યકરોને દોડાવી દોડાવીને લાકડીઓ વડે માર મારવાનું શરુ કર્યું હતું.

ભગવા રંગના કપડાં પહેરેલા યુવાનો પૂંછડી દબાવીને ભાગવા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે સ્થાનિક લોકોમાં રોષ છે અને તેઓ તેને પોલીસની બેદરકારી ગણાવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ પીડિત દંપતી ફરીદાબાદના SGM નગરમાં રહે છે. મંગળવારે પતિ-પત્ની NIT-3 ત્રિકોણા પાર્કમાં આવ્યા હતા અને બંને પાર્કની બેંચ પર બેસીને વાતો કરી રહ્યા હતા. તે જ સમયે કેટલાક યુવકો ત્યાં આવી પહોંચ્યા અને દંપતી સાથે ગેરવર્તન અને મારપીટ કરવા લાગ્યા. તેઓએ પોતાને પતિ-પત્ની ગણાવ્યા પરંતુ યુવકોએ ગુંડાગીરી કરવાનું શરૂ કરી દીધું હતું.

આ પછી મહિલાએ જોર જોરથી બૂમો મારવાનું શરૂ કર્યું અને પાર્કમાં તડકામાં બેસવા આવેલા લોકો એકઠા થઈ ગયા. ત્યારબાદ બધાએ મળીને ગુંડાગીરી કરી રહેલા બજરંગ દળના કાર્યકરોને માર મારવાનું શરૂ કર્યું. યુવાનો ટોળાથી બચવા ભાગ્યા હતા પરંતુ તેમાંથી કેટલાકને લોકોએ પકડી લીધા હતા અને જોરદાર માર માર્યો હતો. આ પછી યુવકોએ કોઈક રીતે તેમની માફી માંગીને તેનો પીછો કરનારાઓથી છુટકારો મેળવ્યો હતો. આ દરમિયાન ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું છે કે ગુંડાગીરી અંગે માહિતી આપવા માટે ડાયલ 112 પર કોલ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંથી કોઈ જવાબ મળ્યો નહોતો. આ પછી, અન્ય કેટલાક યુવકોએ દંપતી સાથે ગુંડાગીર્દી કરનારાઓને ભગાવ્યા હતા.

જ્યારે, આ મામલે પોલીસ પ્રવક્તા સુબે સિંહે કહ્યું કે, હુમલાની માહિતી મળી છે, પરંતુ સત્તાવાર રીતે કોઈ ફરિયાદ મળી નથી. કોઈને પણ કાયદો હાથમાં લેવા દેવાશે નહીં. પોલીસ તપાસ કરશે અને જો કોઈ ફરિયાદ મળશે તો તેના પર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બજરંગદળના સભ્યોએ બગીચામાં બેઠેલા યુગલોનો પીછો કર્યો હતો અને તેમને ભગાવ્યા હતા. 14 ફેબ્રુઆરીએ પ્રેમના તહેવાર તરીકે વિશ્વભરમાં ઉજવાતા વેલેન્ટાઈન ડેનો વિરોધ કરી રહેલા બજરંગ દળના કાર્યકરોએ વિધાનસભા પરિસરની સામે સ્થિત સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનની અંદર બેઠેલા યુગલોને પણ પીછો  કરીને ભગાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp