અંજુને જોઇને બીજા પણ ઇસ્લામ અપનાવે, પાકિસ્તાનના ઉદ્યોગકારે પ્લોટ ભેટમાં આપ્યો

PC: patrika.com

અંજુ ઉર્ફે ફાતિમા અને નસરુલ્લાના નિકાહ પછી હવે કપલને ભેટ સોગાદોનો વરસાદ થઇ રહ્યો છે. પરિવારજનો અને સગાઓએ તો ભેટ આપી જ છે, પરંતુ પાકિસ્તાનના એક મોટા ઉદ્યોગપતિએ પણ અંજુ અને નસરુલ્લાને કિંમતી પ્લોટ ભેટમાં આપ્યો છે. આ બિઝનેસમેને કહ્યુ કે, અંજુને જોઇને બીજા પણ ઇસ્લામ ધર્મ અપનાવે. તેમણે કહ્યું કે, આ ભેટ આપવાનો હેતુ એ છે કે બીજો ધર્મ છોડીને ઇસ્લામ અપનાવનારને સુવિધા મળી રહે.

પાકિસ્તાનના એક બિઝનેસમેને અંજુથી ફાતિમા બનેલી ભારતીય મહિલાને જમીનનો પ્લોટ ભેટમાં આપ્યો છે, સાથે મદદ તરીકે એક ચેક પણ આપ્યો છે, જો કે ચેકમાં કેટલી રકમ લખવામાં આવી છે તે વિશે કોઇ માહિતી મળી શકી નથી. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં નસરુલ્લાના ઘરે ભેટ લઇને પહોંચેલા ઉદ્યોગકારે અંજુને પોતાની કંપનીમાં નોકરી આપવાનું અને ઘર બેઠા પગાર આપવાનું પણ વચન આપ્યું છે.

પાકિસ્તાનની સ્ટાર ગ્રુપ કંપનીઝના CEO મોહસિન ખાન અબ્બાસીએ અંજુ અને નસરુલ્લાને પ્લોટ ભેટમાં આપ્યો છે. મોહસીન ખાને કહ્યું કે, જ્યારે બીજા દેશમાંથી આવીને કોઇ મહિલા ઇસ્લામને અપનાવે છે ત્યારે આપણી જવાબદારી બને છે કે તેમને કોઇ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તેમને પાકિસ્તાનમાં કોઇ અભાવનો અહેસાસ ન થાય.

ઉદ્યોગકાર અબ્બાસીએ કહ્યું કે તેમની કંપની રિઅલ એસ્ટેટના ક્ષેત્રમાં કામ કરે છે. અમારા બોર્ડ મેમ્બર્સે નિર્ણય કર્યો છે કે અંજુ ઉર્ફે ફાતિમાને 10 મરલા સાઇઝનો પ્લોટ ભેટમાં આપવામાં આવશે. પાકિસ્તાનામા જમીનનું માપ મરલામાં કહેવાય છે. ભારતમાં માપની ગણતરી કરીએ તો એક મરલા બરાબર 272.25 સ્કેવર ફુટ થાય છે. મતલબ કે 10 મરલા બરાબર 2722. 50 સ્કેવર ફુટ થાય છે.

મોહસીન ખાને કહ્યું કે, જ્યારે ભારતીય મહિલા અંજુના દસ્તાવેજની કાનૂની પ્રક્રિયા પુરી થયા પછી તેને કંપનીમાં નોકરી આપવામાં આવશે અને તેણીને ઘર બેઠા પગાર મોકલવામાં આવશે.

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર ડીર જિલ્લામાં પહોંચેલા ઉદ્યોગકાર અબ્બાસીએ ઈસ્લામમાં પ્રવેશ કરવા પર ખ્રિસ્તી મહિલા અંજુનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમણે પાકિસ્તાન સરકારને અંજુ અને નસરુલ્લાના પરિવારને સપોર્ટ આપવાની પણ અપીલ કરી હતી.

એટલું જ નહીં,  ઉદ્યોગકાર અબ્બાસીએ પાકિસ્તાનના અન્ય અમીર લોકોને પણ અંજુને ભેટ આપવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં પણ ઘણા પૈસાવાળા લોકો છે. તેઓએ પણ મદદ માટે આગળ આવવું જોઈએ.

મોહસીન ખાને આગળ કહ્યુ કે ભારતમાંથી પોતાનું ઘર-બાર છોડીને પાકિસ્તાન આવીને મુસ્લિમ બનેલી અંજુ ઉર્ફે ફાતિમાને સારું મહેસુસ થાય તેવી તમામ કોશિશ કરવી જોઇએ, જેથી બીજા લોકો પણ અંજુને જોઇને ઇસ્લામ ધર્મ અપનાવે. તેમણે પાકિસ્તાનના જવાબદાર લોકોને વિનંતી કરતા ક્હ્યું હતું કે, તેણીને એવો અહેસાસ ન થાય કે કોઇ એવા દેશમાં આવી ગઇ જ્યાં તેનું પોતાનું કોઇ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp