સિંધિયાના સૌથી ખાસ નેતાનો બળવો, 1200 કારના કાફલા સાથે કોંગ્રેસ ઓફિસ ગયા અને...

PC: facebook.com/SamandarPateljawad

મધ્ય પ્રદેશના તાકાતવર નેતા અને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને શુક્રવારે મોટો ઝટકો લાગ્યો છે.તેમના ‘લેફટનન્ટ’ તરીકે જાણીતા અને તેમની પાછળ પાછળ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા સમંદર પટેલે ભાજપને રામ રામ કરી દીધા છે અને ભારે શક્તિ પ્રદર્શન કરીને મધ્ય પ્રદેશના રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. સમંદર પટેલ 1200 કારના કાફલા સાથે કોંગ્રેસ ઓફિસ પહોંચ્યા હતા અને સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. છેલ્લાં કેટલાંક સમયથી સિંધિયાના સર્પોટર તેમનો સાથ છોડી રહ્યા છે.

મધ્ય પ્રદેશમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ પાર્ટી બદલવાનો સિલસિલો શરૂ થયો છે.મધ્ય પ્રદેશના નીમચ જિલ્લાના જાવદથી ભાજપ નેતા સમંદર પટેલે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. સંમદર પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યા પછી ભોપાલ કોંગ્રેસની ઓફિસે પહોંચ્યા હતા અને તેમની સાથે તેમના સમર્થકોની 1200 કારનો કાફલો હતો. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા કમલ નાથે તેમનું કોંગ્રેસનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું.

સમંદર પટેલ વર્ષ 2020માં જયોતિરાદિત્ય સિંધિયાની સાથે ભાજપમાં જોડાયા હતા અને તે પછી મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર પડી ગઇ હતી. હવે સમંદર પટેલે સત્તાધારી પાર્ટીથી જીવ ઘુંટાતો હોવાનો આરોપ લગાવીને કોંગ્રેસમાં વાપસી કરી લીધી છે.

સમંદર પટેલનો ઠાઠ જોવા જેવો હતો, પહેલા રાજીનામું આપવા ભાજપ ઓફિસે 1200 કારના કાફલા સાથે પહોંચ્યા. રાજીનામું આપીને એજ 1200 કારના કાફલા સાથે કોંગ્રેસ ઓફિસ પહોંચી ગયા હતા. સમંદર પટેલને જ્યોતિરાદિત્ય સિંધિયાના લેફટનન્ટ તરીકે ઓળખવામાં આવે છે. સમંદર સિંધીયાના ત્રીજા વફાદાર છે, જેમણે આ મહિનામાં ભાજપનો સાથ છોડી દીધો હોય.આ પહેલા 14 જૂને શિવપુરીના ભાજપ નેતા બૈજનાથ સિંહે પણ ભાજપને રામ રામ કરીને કોંગ્રેસ જોઇન કરી લીધી હતી. તેઓ પણ 700 કારના કાફલા સાથે કોંગ્રેસ ઓફિસ ગયા હતા. એ પછી શિવપુરીના ઉપાધ્યક્ષ રાકેશ ગુપ્તાએ પણ 26 જૂને કોંગ્રેસમાં વાપસી કરી લીધી હતી.

કોંગ્રેસમાં જોડાયા પછી સમંદર પટેલે કહ્યુ હતું કે,મેં મહારાજ (સિંધિયા) સાથે પાર્ટી છોડી દીધી હતી, પરંતુ ટૂંક સમયમાં જ મને ભાજપમાં ગૂંગળામણ થવા લાગી હતી.મને કોઈ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવતું નહોતું મને સન્માન અને શક્તિશાળી પદ આપવામાં આવ્યું ન હતું. સમંદર પટેલે આગળ કહ્યું કે, મહારાજ પ્રત્યે હજુ પણ મારા મનમાં પુરુ સન્માન છે. તેમણે વ્યક્તિગત રીતે મારી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. મારા માટે તેમણે ભાજપ નેતાઓ સાથે ઝગડા પણ કર્યા,પરંતુ તેઓ એક મોટો નેતા છે અને કેન્દ્રીય મંત્રી છે, દરેક વખતે મારી મદદે ન આવી શકે.

સમંદર પટેલે 2018માં પણ કોંગ્રેસ છોડી દીધી હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેમને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી ન હતી. આનાથી નારાજ પટેલે પક્ષ છોડીને અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. પટેલને આ ચૂંટણીમાં 35 હજાર મત મળ્યા હતા. જેના કારણે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર વિજય નોંધાવી શક્યા ન હતા. આ પછી, 2019ની લોકસભા ચૂંટણી પહેલા, પટેલ ફરીથી કોંગ્રેસમાં જોડાયા. આ પછી, માર્ચ 2020 માં, જ્યોતિરાદિત્ય સિંધિયાના 22 ધારાસભ્યોના જૂથ સાથે, તેમણે પણ કોંગ્રેસ છોડી દીધી હતી.

સમંદર પટેલ નીમચના એક મોટા નેતા છે અને પૈસે ટકે મજબુત છે. જ્યોતિરાદિત્ય સિંધિયા તેમના ગોડફાધર જેવા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp